Gujarat

ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફારો નિશ્ચિત, આજે ફરી ભાજપની વિધાનસભા પક્ષની બેઠક મળશે

રવિવારે નવી દિલ્હી પરત ગયેલા ભાજપના ગુજરાતના પ્રભારી આવતી કાલે સવારે ફરીથી પાછા ગાંધીનગર આવી રહ્યા છે. યાદવે પાર્ટી હાઈકમાન્ડને ગુજરાતની સ્થિતિથી અવગત કરાવ્યા છે. આવતી કાલે સાંજે ગાંધીનગરમાં ભાજપના વિધાનસભા પક્ષની બેઠક મળી રહી છે. તેમાં યાદવ, સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠક કોરોનાના સમયના કારણે મળી નહોતી. જે હવે કોરોનાની સ્થિતિ હળવી થતાં મળી રહી છે, તેવું કારણ સરકાર અને સંગઠન દ્વારા આગળ ધરવામાં આવી રહ્યું છે. જો કે, આગામી 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં મંત્રીમંડળમાં ફેરફારની અટકળો શરૂ થઈ ગઈ છે.

ગાંધીનગરમાં ભાજપનાં આંતરિક વર્તુળો દ્વારા હવે મંત્રીમંડળમાં વિસ્તરણ કરાશે, તેમજ કેટલીક નબળી કામગીરી કરી હોય તેવા મંત્રીઓને પડતા મુકાશે તેવી રાજકીય અટકળો શરૂ થઈ ચૂકી છે. યાદવ હવે પાર્ટી હાઈકમાન્ડ સાથે ગુજરાતના મામલે ચર્ચા કરીને આગળની રણનીતિ ઘડાશે તેમ મનાય છે. બીજી તરફ તા.15મી જૂને ગાંધીનગરમાં ભાજપના વિધાનસભા પક્ષની મહત્ત્વની બેઠક યોજાનાર છે, જેમાં કોરોનાની સ્થિતિની ચર્ચા, રસીકરણ, કોરોનાની બીજી લહેર વખતે સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ ચર્ચા થશે.

2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પાર્ટીના સિનિયર નેતાઓની સેન્સ લઈને હવે દિલ્હી પહોંચી ગયા હતા. તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ચાલતી સરકાર અંગે પણ પાર્ટીના આગેવાનો પાસેથી મત જાણ્યો છે. સરકાર કેવી ચાલે છે? તેવા પણ પ્રશ્નો પણ સિનિયર નેતાઓને પૂછીને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો છે. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર અને સંગઠનની કામગીરી અંગે પક્ષના સિનિયર નેતાઓનો મત જાણવામાં આવ્યો છે.

યાદવે ગાંધીનગરમાં કમલમ કાર્યાલય ખાતે સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સાથે પણ સીધો સંવાદ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત દિલ્હી જતાં પહેલાં ગઈકાલે યાદવ, પાટીલ અને દલસાણીયાએ વિડીયો કોન્ફરન્સ દ્વ્રારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ સાથે પણ ચર્ચા કરી હતી.

Most Popular

To Top