National

સુરતમાં 6000 કરોડના મકાનો વેચાયા: આ વિસ્તારમાં મિલકતની કિંમતોમાં વધારા બાદ પણ ધૂમ વેચાણ

સુરત: સુરતનો (Surat) રીઅલ એસ્ટેટ (Real Estate) ઉદ્યોગ કોરોનાની (Corona) મારમાંથી બહાર આવ્યો છે. 50 લાખથી વધુ કિંમતની મિલકતના 4000 કરોડનાં ટ્રાન્ઝેક્શન (Transaction) 1 વર્ષમાં વધીને 6000 કરોડ થયાં છે. એટલે કે, 2000 કરોડના સોદાની વૃદ્ધિ નોંધાઈ છે. કોરોનાની લહેર વખતે આવકવેરા વિભાગને (Income Tax) જ્યાં 1 ટકા ટીડીએસ (TDS) લેખે 40 કરોડની આવક થઈ હતી. તે વધીને 60 કરોડ પર પહોંચી છે. હીરા ઝવેરાત અને કાપડ ઉદ્યોગ સહિતના ઉદ્યોગોમાં બીજી લહેર પછી તેજી જોવા મળતાં રીઅલ એસ્ટેટમાં સામાન્ય બૂમ જોવા મળી છે. નિયોરીચ ક્લાસે જમીન મિલકતની ખરીદી શરૂ કરી છે. જ્યારે મધ્યમ વર્ગે ફ્લેટ અને નાના રો-હાઉસની ખરીદી કરી છે. અપર મધ્યમ વર્ગે બંગ્લોઝ અને ફાર્મ હાઉસની પણ ચાલુ વર્ષે ખરીદી કરી છે. વેસુ, પાલ ગૌરવપથ જેવા વિસ્તારોમાં મિલકતોની કિંમત બમણી થઈ ગઈ હોવા છતાં અહીં ખૂબ ઘરાકી જોવા મળી રહી છે. સામાન્ય રીતે મિલકતના વ્હાઈટ રકમના સોદા પર આવકવેરા વિભાગને 1 ટકા ટીડીએસ ભરવાનું હોય છે. કોરોના કાળમાં જ્યાં 5500 કરોડના સોદા થયા હતા, 2019-20માં ત્યાં 12 લાખ દસ્તાવેજો નોંધાયા છે. 2020-21માં 1.50 લાખ દસ્તાવેજો નોંધાયા છે. આવકવેરા વિભાગને 60 કરોડ માત્ર ટીડીએસ પેટે મળ્યા છે. જ્યારે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યૂટીની (Stamp Duty) 1200 કરોડથી વધુની આવક થઈ છે.

શહેરના જાણીતા સીએ બિરજુ શાહે પત્રકારોને જણાવ્યું હતું કે, કોરોના પછી એટલે કે રસીકરણની પ્રક્રિયા ઝડપી થયા પછી રીઅલ એસ્ટેટમાં ઈન્કવાયરી વધી છે. તૈયાર ફલેટની ઈન્કવાયરી વધુ જોવા મળી રહી છે. સુરતમાં અગાઉ બાંધકામ શરૂ થાય એ પહેલાં ફ્લેટનું બુકિંગ થતું હતું. પરંતુ હવે રોકાણકારો રેડી પઝેશન ફ્લેટમાં રોકાણને સલામત માની રહ્યા છે. ખાસ કરીને ડિમાન્ડવાળા એરિયામાં રેડી પઝેશન ફ્લેટ વેચાઈ રહ્યા છે.

30 લાખથી ઓછી કિંમતની મિલકતો ખરીદનારાઓનો ડેટા મંગાવાયો

આવકવેરા વિભાગ હવે જિલ્લા વહીવટી તંત્રના સ્ટેમ્પ ડ્યૂટી વિભાગ પાસે 30 લાખથી ઓછી કિંમતના મિલકતના જે દસ્તાવેજો નોંધાયા છે અને તેનો ટેક્સ અને ટીડીએસની ભરપાઈ થઈ નથી તેવા તમામ બાયરોને આગામી દિવસોમાં નોટિસ ઈસ્યુ કરશે. આવકવેરા વિભાગ નાણાકીય વર્ષના અંત સુધીમાં આ લક્ષ્યાંકને પાર પાડવા પ્રયત્નશીલ છે.

Most Popular

To Top