મુંબઇથી ગોવા જઇ રહેલા ક્રૂઝ શીપમાંથી બોલીવૂડ સુપરસ્ટારનો પુત્ર ડ્રગ્સ સાથે પકડાયો

મળેલી બાતમીના આધારે એનસીબી અધિકારીઓ જહાજમાં મુસાફરોના સ્વાંગમાં ગોઠવાઇ ગયા હતા: જેવું જહાજ રવાના થયું કે થોડી વારમાં ડ્રગ્સ પાર્ટી શરૂ થઇ અને અધિકારીઓએ ડ્રગ્સ લેનારાઓને પકડવા માંડ્યા, પકડાયેલા દસ જણામાંથી એક બોલીવૂડ સુપર સ્ટારનો પુત્ર પણ શામેલ: કોકેઇન, હશીશ, એમડી જેવું ડ્રગ્સ પકડાયું

મુંબઇથી ગોવા જવા માટે રવાના થઇ રહેલા એક ક્રૂઝ જહાજ પરથી એક બોલિવૂડ સુપરસ્ટારનો પુત્ર કેફી દ્રવ્યો સાથે પકડાતા ચકચાર મચી ગઇ છે.કોર્ડેલિયા નામનું આ ક્રૂઝ શીપ મુંબઇ બંદરેથી આજે રાત્રે હજી રવાના ઉપડ્યું જ હતું કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)ની એક ટીમે ભરદરિયામાં તેના પર દરોડો પાડ્યો હતો એમ ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.

એનસીબીના અધિકારીઓએ આ જહાજ પરથી ૧૦ જણાની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી અને આ પકડાયેલા દસ જણામાં એક અગ્રણી બોલિવૂડ સ્ટારનો પુત્ર પણ છે એવી માહિતી બહાર આવી છે. જો કે તેની ઓળખ હજી જાહેર કરવામાં આવી નથી. મુંબઇના એનસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ એજન્સીના મુંબઇના ઝોનલ ડિરેકટર સમીર વાનખેડેને મળેલી બાતમીના આધારે એનસીબીની એક ટુકડી આ જહાજ પર મુસાફરોના સ્વાંગમાં મોકલવામાં આવી હતી.

જ્યારે આ જહાજે મુંબઇનો કાંઠો છોડ્યો અને તે મધ-દરિયામાં પહોંચ્યુ ત્યારે એક પાર્ટી શરૂ થઇ હતી જેમાં ડ્રગ્સનું સેવન પણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ જહાજ પર હાજર એનસીબી અધિકારીઓએ ડ્રગ્સનું સેવન કરનાર લોકોને પકડવા માંડ્યા હતા અને વધુ શોધખોળ શરૂ કરી હતી. તેમને જહાજ પરથી કોકેઇન, હશીશ અને એમડી જેવી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.આ અહેવાલ મોકલાયા ત્યારે પણ દરોડાની કામગીરી ચાલુ જ હતી અને વધુ વિગતોની પ્રતિક્ષા થઇ રહી છે. આ ઘટના ફિલ્મ જગતમાં આઘાતના મોજાઓ પ્રસરાવી શકે છે.

Related Posts