Top News

યુક્રેનના થિયેટર પર રશિયન બોમ્બમારામાં 300 નાગરિકોના મોત

કિવ, તા. 25 (એપી): મેરીઉપોલના ઘેરાયેલા ખંડેરોમાં યુક્રેનિયન સત્તાવાળાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે રશિયન હવાઈ હુમલામાં એક થિયેટર પર બોંબમારો થતાં લગભગ 300 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યાં સેંકડો નાગરિકોએ શરણ લીધી હતી, નાગરિક જીવનના નુકસાનની જો પુષ્ટિ થાય તો પશ્ચિમી દેશો પર સૈન્ય સહાય વધારવા દબાણ વધવાની શક્યતા છે. રશિયાની મિસાઈલો અને હવાઈ હુમલાઓથી અંદરના લોકોને બચાવવાના નિષ્ફળ પ્રયાસમાં થિયેટરની બહાર એક વિશાળ બેનર લગાવવામાં આવ્યું હતું જેના પર રશિયન ભાષામાં ‘બાળકો’ લખેલું હતું જે હવામાં ઊંચાઈ પરથી પણ દેખાતું હતું.

કેટલાંક દિવસોથી નષ્ટ થઈ ગયેલા બંદર શહેરની સરકાર 16 માર્ચના રોજ થયેલા હુમલામાં થયેલી જાનહાનિ અંગે આંકડાઓ જણાવી શકી ન હતી. શુક્રવારે તેણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં સાક્ષીઓને ટાંકીને 300 જેટલાં લોકોનાં મૃત્યુ અંગે માહિતી આપી હતી. જો કે એ સ્પષ્ટ થયું નથી કે આપદા પ્રબંધનના કર્મીઓએ ક્ષતિગ્રસ્ત થયેલા થિયેટરમાંથી કાટમાળ હટાવવાનું કામ પૂરું કર્યું છે અથવા સાક્ષીઓએ માર્યા ગયેલા લોકોની આ ઉચ્ચ સંખ્યાનો અંદાજ કેવી રીતે લગાવ્યો. તેમ છતાં, ભયંકર જાનહાનિના ઉભરતા ચિત્રથી યુક્રેનના હવાઈક્ષેત્રમાં યુદ્ધ વિમાનો અથવા પેટ્રોલિંગ કરતા વિમાન મોકલવા માટે નાટોના દેશો દ્વારા અત્યાર સુધીના ઇનકાર પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. દેશના પ્રમુખે આવા હુમલાઓ સામે રક્ષણ આપવા માટેના પગલાં માટે વારંવાર વિનંતી કરી હતી.
હુમલાના તુરંત બાદ યુક્રેનની સંસદના માનવાધિકાર કમિશનર લુડમીલા ડેનિસોવાએ જણાવ્યું હતું કે 1,300 થી વધુ લોકો થિયેટરની અંદર હતા તેમાંથી ઘણા લોકોના ઘરો રશિયાના હુમલામાં નાશ પામ્યા હતા. ઇમારતમાં આધુનિક ભોંયરું હતું જે બોમ્બ હુમલા સામે રક્ષણ આપે છે, હુમલા બાદ કેટલાક બચી ગયેલા લોકો કાટમાળમાંથી બહાર આવ્યા હતાં.

બીજી બાજુ યુક્રેનિયન સૈનિકો કિવની પૂર્વમાં આવેલા શહેરો પર ફરીથી કબજો કરી રહ્યાં છે અને રશિયન દળો કે જેઓ રાજધાની પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ પાછા પડી રહ્યા છે, એમ બ્રિટને શુક્રવારે જણાવ્યું હતું. જે યુદ્ધના વેગમાં પરિવર્તનના હજુ સુધીના સૌથી મજબૂત સંકેતોમાંનું એક છે. કિવના પૂર્વના એક ઉપનગરના મેયરે જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈનિકોએ નજીકના ગામને ફરીથી કબજે કરી લીધું છે. ગુરુવારે યુક્રેને જણાવ્યું હતું કે તેના દળોએ રશિયન લેન્ડિંગ જહાજ ‘ઓર્સ્ક’ને રશિયન હસ્તકના બર્દ્યાન્સ્ક બંદર પર નષ્ટ કરી દીધું છે. વીડિયો ફૂટેજમાં ગોદી પર લાગેલી આગમાંથી ધુમાડો નીકળતો અને વિસ્ફોટના ઝબકારા દેખાઈ રહ્યા હતાં.

Most Popular

To Top