National

આંધ્ર પ્રદેશ: થિયેટરમાં ‘અવતાર 2’ જોઈ રહેલા યુવકને આવ્યો અચાનક હાર્ટ એટેક

આંધ્ર પ્રદેશ: દેશમાં હાલ હાર્ટ એટેકથી (Heart Attack) મૃત્યુ (Death) થવાના સમાચાર લગભગ સામાન્ય થઈ ગયા છે, કારણે કે કોઈને ક્યારે હાર્ટ એટેક આવી જાય છે તે કહેવું ઘણું મુશ્કેલ બન્યું છે, ક્યારેક કોઈ લગ્નપ્રસંગમાં ડાન્સ કરતી વખતી અથવા તો ગીત ગાતા, ખાસી-છીંક કરતા પણ હાર્ટ એટેક આવ્યા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવનારાઓમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના (Madhyapradesh) ભીંડ જિલ્લામાં હાર્ટ એટેકના કારણે 12 વર્ષના બાળકના મોતથી સૌ કોઈ ચોંકી ગયા હતા. ત્યારે આંધ્રપ્રદેશમાં (Andrapradesh) થિયેટરમાં (Theater) મૂવી જોતા જોતા હાર્ટ એટેક આવ્યાનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમમાં એક વ્યક્તિને મૂવી જોતા જોતા હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવ્યું છે કે રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ અવતાર-2 (અવતારઃ ધ વે ઓફ વોટર) જોતી વખતે લક્ષ્મીરેડ્ડી શ્રી નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. એટેક બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ લક્ષ્મીરેડ્ડી શ્રીને મૃત જાહેર કર્યો હતો. શ્રીનુના મૃત્યુથી તેના ઘરમાં શોકનો માહોલ છે.

કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ નગરની ઘટના
કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ નગરના રહેવાસી લક્ષ્મીરેડ્ડી શ્રીનુ તેમના ભાઈ રાજુ સાથે ફિલ્મ અવતાર-2 જોવા શ્રી લલિતા થિયેટરમાં ગયા હતા. બંને ભાઈઓ થિયેટરમાં આરામથી ફિલ્મ જોઈ રહ્યા હતા. ત્યારબાદ અચાનક શ્રીનુની તબિયત બગડી અને તે પોતાની સીટ પરથી જમીન પર પડી ગયો હતો. ત્યારે અન્ય લોકોની મદદથી રાજુ તેના ભાઈ શ્રીનુને પેદ્દાપુરમ સરકારી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ શ્રીનુને મૃત જાહેર કર્યો અને મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણવા મળ્યું હતું. રાજુએ તેના ભાઈના મૃત્યુ અંગે પરિવારને જાણ કરી હતી. શ્રીનુના મૃત્યુની માહિતી મળતા જ પરિવારમાં શોક ડૂબી ગયો હતો. મૃતક શ્રીનુને એક પુત્ર અને એક પુત્રી એમ બે બાળકો છે. ત્યારે આ અગાઉ એક દિવસ પહેલા મધ્યપ્રદેશમાં 12 વર્ષના બાળકને સ્કૂલ બસમાં હાર્ટ એટેક આવ્યો હતો.

સ્કૂલ બસમાં બાળકને હાર્ટ એટેક આવ્યો હતો
મધ્યપ્રદેશના ભિંડમાં 12 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાણવા મળતા તબીબો પણ આશ્ચર્યમાં મૂકાય ગયા હતા. તબીબોનું માનવું છે કે રાજ્યમાં આટલી નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુનો આ કદાચ પ્રથમ કેસ હોઈ શકે છે. બાળકના પરિવારજનોએ જણાવ્યું કે 12 વર્ષીય મનીષ જાટવ ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો.

ગુરુવારે બપોરે મનીષ તેના ભાઈ સાથે ઈટાવા રોડ પર આવેલી સ્કૂલમાં અભ્યાસ કરવા ગયો હતો. તે શાળામાં લંચ લીધા બાદ ઘરે પરત જવા માટે 2 વાગ્યે સ્કૂલ બસમાં ચઢ્યો હતો. ત્યારે અચાનક તેને ચક્કર આવવા લાગે છે અને તે બસમાં પડી જાય છે. આ ઘટના અંગે બસના ડ્રાઈવરે તાત્કાલિક સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરી હતી. ત્યાર બાદ બાળકને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર તેને બચાવવામાં નિષ્ફળ રહે છે અને તેનું મોત થાય છે.

ડાન્સ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કારણે મૃત્યુના કેસમાં વધારો થયો છે. મેરઠમાં એક સગીર છોકરાને છીંક આવતી વખતે હાર્ટ એટેક આવ્યો અને પછી તેનું મૃત્યુ થયું હતું. ત્યારે એમપી સિવનીમાં લગ્ન સમારોહ પહેલા સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે સંગીત પર ડાન્સ કરતી મહિલા અચાનક નીચે પડી ગઈ હતી. જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયાની માહિતી સામે આવી હતી.

Most Popular

To Top