Vadodara

શિસ્તને વરેલી ભાજપાના વોર્ડ પ્રમુખ પાર્થપટેલે પત્નીને ઢોર માર મારતા ફરિયાદ

વડોદરા: ભાજપાના એક બાદ એક યુવા નેતાઓ વિવાદમાં સપડાઈ રહ્યા છે. અગાઉ યુવા ભાજપાના પ્રમુખ પાર્થ પુરોહિત જાહેરમાં મારામારી કરતા વિવાદમાં આવ્યા હતા તો ત્યાર બાદ કરજણના શહેર યુવા મંત્રી નશાની હાલતમાં ઝડપાઇ જવા પામ્યા હતા. ત્યારે વધુ એક યુવા આગેવાન વિવાદમાં આવ્યો છે. શહેરના વોર્ડ 18 ના વોર્ડ પ્રમુખ દ્વારા પોતાની પત્ની અને માતાને માર મારવાની ઘટના સામે આવી છે.

શહેરના માંજલપુર વિસ્તારમાં હરિદર્શન ફ્લેટ ખાતે રહેતા પાર્થ વીરાભાઇ પટેલના લગ્ન 10 વર્ષ અગાઉ મિત્તલ નામની યુવતી સાથે થયા હતા. દામ્પત્યજીવન દરમિયાન તેઓને એક પુત્ર પણ થયો હતો જો કે પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા છેલ્લા દોઢ વર્ષથી બંને અલગ રહે છે અને મિત્તલ પોતાના પુત્ર સાથે પિતાના ઘરે ગોધરા ખાતે રહે છે., મિત્તલે પાર્થ વિરુદ્ધ ગોધરા કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ પણ મુક્યો છે. મિત્તલ અને તેના સાસુ વચ્ચે સારા સંબંધ હોઈ તેની સાસુના કહેવાથી મિત્તલ ગુરુવારના રોજ પોતાના પુત્રને લઈને સાસુને મેળવવા આવી હતી. દરમિયાન પાર્થ ઘરે ન હતો.

પાર્થના માતા પોતાના પૌત્ર માટે રસોડામાં દૂધ બનાવવા ગયા હતા દરમિયાન રાતે 10.30 વાગ્યાના અરસામાં પાર્થ ઘરે આવી ચઢ્યો હતો અને બોલાચાલી શરુ કરી હતી. મિત્તલને તું અહીં કેમ આવી છે તેમ કહી ગાળાગાળી શરુ કરી હતી અને રસોડામાં જઈને તેની માતાને માર મારી મિત્તલ ઉપર તૂટી પડ્યો હતો. પાર્થે મિત્તલને ગડદાપાટુનો માર મારતા મિત્તલ આ અંગેની ફરિયાદ માટે માંજલપુર પોલીસ મથક ખાતે પહોંચી હતી. અને પાર્થ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મિત્તલના ભાઈ અને અન્ય પરિવારજનો પણ વડોદરા ખાતે દોડી આવ્યા હતા અને મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલી હતી.

કળશ યાત્રામાં પાર્થને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી
મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આ કળશ યાત્રામાં વોર્ડ પ્રમુખ તરીકે પાર્થ પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. અને તેના વોર્ડમાં તમામ કામગીરી કરવા માટે પસંદગી કરવામાં આવી હતી. ભાજપાના આગેવાનોના તેના ઉપર ચાર હાથ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

ભાજપા ક્યાં સુધી આવા અશિસ્તને ગણકારશે?
નવા ભાજપાના યુવા નેતાઓ કોઈના કહ્યામાં ન હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક યુવા આગેવાનો વિવાદમાં સપડાઈ રહ્યા છે અને ભાજપા પણ તેઓ સામે કોઈ પગલાં ભરવાના બદલે તેઓને છાવરવાની કામગીરી કરી રહ્યું છે. બેફામ બનેલા આજના યુવા નેતાઓ પોતે જ કાયદો અને કાનૂન હોય તે રીતે વર્તી રહ્યા છે. ત્યારે આવા નેતાઓને જ સાચું શિસ્ત શું છે તે શીખવવાની જરૂર લાગી રહી છે.

પાર્થને બચાવવા ભાજપના આગેવાનો દોડી આવ્યા
વોર્ડ 18ના વોર્ડ પ્રમુખ પાર્થ પટેલને બચાવવા માટે મોડી રાતે ભાજપાના કેટલાક આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. જેમાં આ વોર્ડના કાઉન્સિલર કલ્પેશ પટેલ (જય રણછોડ), દંડક શૈલેષ પાટીલ, જશવંતસિંહ સોલંકી, કેતન પટેલ સહિતના આગેવાનો પોલીસ મથકે પહોંચી ગયા હતા જો કે મિત્તલના પરિવારજનોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો.

Most Popular

To Top