SURAT

સુરતના ઉન પાટિયાની ઘટના: શાકભાજી લઈને ઘરે જતા યુવકને સિટી બસે ટક્કર મારતા મોત

સુરત: સુરતની સિટી બસ (City Bus) ફરી એકવાર યમદૂત સમાન પુરવાર થઇ છે. શુક્રવારની રાત્રે શહેરના ઉન પાટીયા (Un Patiya) વિસ્તારમાં એક રાહદારીને સિટી બસના ચાલકે અડફેટે લીધો હતો. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો, જ્યાં તેનું મૃત્યુ (Death) થયું હતું. અન્ય રાહદારીઓએ બસ ડ્રાઇવરને (Bus Driver) પકડી માર માર્યો હતો અને પોલીસના (Police) હવાલે કરી દીધો હતો. ઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરત ઉન પાટિયા ચંડાલ ચોકડી નજીકના BRTS રૂટ માંથી પસાર થતા રાહદારીને બ્લ્યુ સિટી બસે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. શુક્રવારની મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ ભેગા થઈ ગયેલા રાહદારીઓએ બસના ડ્રાઇવરને જાહેરમાં માર માર્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત ફિરોઝભાઈને 108ની મદદથી સિવિલ લઈ જવાયા હતા. જોકે તબીબો કોઈ સારવાર આપે તે પહેલાં જ ફિરોઝભાઈનું મોત નિપજ્યું હતું.

પરિવારે જણાવ્યું હતું કે ફિરોઝભાઈ ગુલામભાઈ પીંજારી 41 વર્ષના હતા અને સાયરાનગર ભીંડી બજાર ઉન પાટિયાના રહેવાસી હતા. તેઓ કચરાના ગોડાઉનમાં કામ કરી બે બાળકો અને પત્નીનું ગુજરાન ચલાવતા હતા. શુક્રવારની મોડી રાત્રે ભીંડી બજારથી શાકભાજી લઈ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ચંડાલ ચોકડી નજીકના BRTS રૂટ ક્રોસ કરતા સમયે બ્લ્યુ બસે પાછળથી અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ફિરોઝભાઈને ગંભીર ઇજા થઇ હતી અને કોઇ સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.

પિતાની કોઈ ભૂલ ન હોવાનું દીકરા ફૈયાઝએ જણાવ્યું હતું. પિતા રોડ ક્રોસ કરતા હતા અને બસે પાછળથી અડફેટે લીધા હતા. વધુમાં પરિવારે જણાવ્યું હતું કે અકસ્માત બાદ રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. બસ અને તેના ડ્રાઇવરને અટકાવી પોલીસ જાણ કરી હતી. એટલું જ નહીં પણ બસના ડ્રાઇવરને જાહેરમાં મેથીપાક પણ આપ્યો હતો. ઘટનાની જાણ બાદ પરિવાર દોડી આવતા ફિરોઝભાઈને 108ની મદદથી સિવિલ લવાતા મૃત જાહેર કરાયા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Most Popular

To Top