Dakshin Gujarat

સુરત જિલ્લા ભાજપે 12 બળવાખોરોને સસ્પેન્ડ કર્યા

બારડોલી, માંડવી: (Bardoli Mandvi) સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ 12 બળવાખોર કાર્યકરોને પક્ષના સભ્ય પદેથી ત્રણ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. ભાજપા (BJP) દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ નહીં મળવાથી પક્ષના કેટલાક કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. ખાસ કરીને 60વ ર્ષથી વધુ વયજુથ વાળા તેમજ ત્રણ ટર્મથી વધુ ચૂંટણી લડનારાઓને ટિકિટ નહીં આપવાના પાર્ટીના ફતવા બાદ જૂના જોગીમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જે પૈકી નારાજ કેટલાક કાર્યકરોએ ચૂંટણી (Election) દરમ્યાન નિષ્ક્રિય રહેવાનું મુનાસિબ માન્યું હતું તો કેટલાકે ચૂંટણી લડવા માટે અન્ય પક્ષ કે અપક્ષ ચૂંટણી લડવાનું નક્કી કરી લીધું હતું. પાર્ટીમાં બળવો કરી અન્ય પક્ષ કે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર કે પાર્ટી વિરુદ્ધ જઈને કામ કરનાર કાર્યકરોને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇ દ્વારા સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.

બારડોલી તાલુકા પંચાયતના ગત ટર્મના શાસક પક્ષના નેતા દિનેશ રતન પટેલને ટિકિટ નહીં મળતા તેમણે વાંકાનેર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના જ પૂર્વ મહામંત્રી ભાવેશ પટેલ સામે ઉપરાંત તેમણે બાબેન 1 તાલુકા પંચાયત બેઠક પરથી પણ અપક્ષ ઉમેદવારી નોંધાવતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત બારડોલી તાલુકામાં દિપક કાલિદાસ સોલંકીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બારડોલી નગરપાલિકાના માજી કારોબારી અધ્યક્ષ રાજેશ સુમનભાઇ કાયસ્થે પણ ભાજપમાંથી ટિકિટ મળતા વોર્ડ નંબર 9માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. આથી તેમને પણ ભાજપના સભ્યપદેથી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કડોદરા નગરપાલિકામાં માજી કોર્પોરેટર સંજય મીથીલેશ શર્માને ટિકિટ ન મળતા તેમણે પણ કોંગ્રેસનો હાથ ઝાલી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જ્યારે પલસાણા તાલુકામાં પણ ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના પ્રખર કાર્યકર યોગેશ પટેલે વરેલી 1 બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી છે. આથી ભાજપ મોવડી મંડળ દ્વારા બંનેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આ ઉપરાંત મહુવા તાલુકામાં પતિ પત્ની નરેન્દ્ર દેવદત્ત પટેલ અને ગીતા નરેન્દ્ર પટેલ પૈકી પતિ નરેન્દ્ર પટેલ મહુવા તાલુકા પંચાયતની ખરવણ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા હોય બંનેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

માંડવી નગરમાં મનીષ પિયુષ શાહે ટિકિટ ન મળતા માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તરસાડી નગરમાં અફઝલ અલી પટેલ અને અજયસિંહ મધુસિંહ ચૌહાણ, ઓલપાડમાં સન્મુખ ઢીમ્મર અને માંડવીમાંથી જયશ્રી રાજુ ચૌધરીને ભાજપ મોવડી મંડળે પક્ષ વિરુદ્ધ કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top