National

BJPને 2024ની ચૂંટણીમાં ટક્કર આપવા 26 પક્ષ ભેગા થયા, નવા ગઠબંધનને નામ આપ્યું “INDIA”

નવી દિલ્હી:વ 2024ની લોકસભા ચૂંટણી (Election) પહેલા બેંગલુરુમાં ભાજપ (BJP) વિરૂદ્ધ વિપક્ષનો એક ભવ્ય મેળાવડો થયો હતો. કોંગ્રેસ (Congress) દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં 26 પક્ષોના નેતાઓએ (Leaders) હાજરી આપી હતી. બે દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં વિરોધ પક્ષોના ગઠબંધનનું નામ “INDIA” રાખવામાં આવ્યું હતું. એટલે કે 2024માં NDAનો મુકાબલો ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઈન્ક્લુઝિવ એલાયન્સ સાથે થશે. બેઠકમાં ગઠબંધનના નામ સહિત છ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

INDIA

I- ભારત
N- નેશનલ
D- ડેમોક્રેટિક
I- ઈન્કલુસીવ
A- એલાઈન્સ

સાંજે 4 વાગ્યા સુધી ચાલનારી આ બેઠકમાં 6 મુદ્દાઓ પર ચર્ચા થશે

  1. 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે કોમન મિનિમમ પ્રોગ્રામનું ડ્રાફ્ટિંગ અને ગઠબંધન માટે જરૂરી કમ્યુનિકેશન પોઈન્ટ તૈયાર કરી એક પેટા-સમિતિની સ્થાપના કરવી.
  2. પક્ષ પરિષદો, રેલીઓ અને બંને પક્ષો વચ્ચેના વિરોધાભાસને દૂર કરવા માટે પેટા સમિતિની રચના
  3. રાજ્યના ધોરણે બેઠકોની વહેંચણીના મુદ્દા પર ચર્ચા કરવી.
  4. EVM ના મુદ્દા પર ચર્ચા કરવી અને ચૂંટણી પંચ માટે સુધારા સૂચવવા.
  5. ગઠબંધન માટે નામ સૂચવવું.
  6. પ્રસ્તાવિત ગઠબંઘન માટે સામાન્ય સચિવાલયની સ્થાપના કરવી.

કોંગ્રેસે બોલાવેલી બેઠકમાં આ 26 પાર્ટીઓના નેતા એકઠા થયાં
કોંગ્રેસે બેંગલુરુમાં વિપક્ષની બીજી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 26 પાર્ટીઓના નેતાઓ એકઠા થયા હતી. કોંગ્રેસ, TMC, શિવસેના (ઉદ્ધવ જૂથ), NCP (શરદ પવાર જૂથ), CPI, CPIM, JDU, DMK, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, RJD, સમાજવાદી પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, PDP, RLD, CPI (ML) , ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, કેરળ કોંગ્રેસ (એમ), મણિથનેયા મક્કલ કાચી (એમએમકે), એમડીએમકે, વીસીકે, આરએસપી, કેરળ કોંગ્રેસ, કેએમડીકે, એઆઈએફબી, અપના દળ કામેરાવાડી પક્ષોએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

ગઠબંધનને INDIA નામ આપ્યા પછી આરજેડીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે હવે પીએમ મોદીને ભારત કહેવામાં પણ પીડા થશે.

કોંગ્રેસને સત્તા અને પીએમ પદમાં રસ નથી: મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠકમાં કહ્યું કે, મેં પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે આ પીએમ પદ કે સત્તા માટે નથી કરી રહ્યા. મેં ચેન્નાઈમાં સ્ટાલિનના જન્મદિવસ પર પણ કહ્યું હતું કે કોંગ્રેસને સત્તા અને પીએમ પદમાં રસ નથી. આ બેઠકમાં અમારો હેતુ પોતાના માટે સત્તા મેળવવાનો નથી. આ આપણા બંધારણ, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાયની સુરક્ષા માટે છે.

તેમણે કહ્યું અમે જાણીએ છીએ કે અમારી વચ્ચે પરસ્પર મતભેદો છે. પરંતુ તેઓ એટલા મોટા નથી કે આપણે તેમને અલગ રાખી શકીએ નહીં. તેમણે કહ્યું કે, સામાન્ય માણસ માટે, મોંઘવારી સામે ઝઝૂમી રહેલા મધ્યમ વર્ગ માટે, બેરોજગારી સામે લડી રહેલા આપણા યુવાનો માટે, ગરીબો માટે તેમના મતભેદો પાછળ છોડી શકે છે.

આ પછી ખડગેએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં આજની બેઠક સફળ હોવાનું જણાવ્યું અને કહ્યું કે આગામી તબક્કાની બેઠક મુંબઈમાં યોજાશે અને 2024ની લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં સચિવાલય બનાવવામાં આવશે. ખડગેએ જણાવ્યું કે આ બેઠકમાં લોકતંત્ર અને દેશને બચાવવા પર ચર્ચા થઈ. તેમણે કહ્યું કે 11 સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે. તેના સંયોજકનું નામ આગામી બેઠકમાં નક્કી કરવામાં આવશે.

સાથે મળીને કામ કરીશું તો 2024માં સારી સરકાર બનશે – જયંત ચૌધરી
RLD ચીફ જયંત ચૌધરીએ કહ્યું દેશને એક મજબૂત વિકલ્પની જરૂર છે. આજે આપણે વિરોધમાં છીએ. વિરોધ પક્ષોમાં અનુભવી નેતાઓ છે. આપણે સાથે મળીને કામ કરવાનું નક્કી કરીએ, લોકોના પ્રશ્નોને એક સાથે ઉઠાવીએ, લોકોમાં જઈએ, જેથી આપણને એક સારી સરકાર મળે. જે બંધારણનું સન્માન કરે અને ગરીબો માટે કામ કરે.

લાલુ યાદવે કહ્યું નરેન્દ્ર મોદીના શાસનમાં લોકશાહી ખતમ થઈ ગઈ
લાલુ યાદવે કહ્યું કે આ બેઠક દેશ માટે જરૂરી છે. કારણ કે દેશને બચાવવાનો છે. લોકશાહી બચાવવી પડશે. દેશના મજૂરો, ખેડૂતો અને યુવાનોની રક્ષા કરવાની છે. નરેન્દ્ર મોદીના શાસનમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે.

મમતા બેનર્જીએ કહ્યું ભારત જીતશે, ભાજપ હારશે
મમતા બેનર્જીએ આ બેઠક અંગે કહ્યું કે મીટિંગ ઘણી સારી રહી. આજથી ચેલેન્જ શરૂ થઈ ગઈ છે. 26 પક્ષોની અમારી બેઠકમાં અમે વાસ્તવિક પડકાર લીધો છે. મમતા બેનર્જીએ કહ્યું કે ભારત જીતશે, ભાજપ હારશે.

સોમવારે સિદ્ધારમૈયાએ તમામ વિપક્ષી પાર્ટીઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું
બેંગલુરુમાં બે દિવસથી બેઠક બોલાવવામાં આવી રહી છે. સોમવારે બેઠકના પહેલા દિવસે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તમામ વિપક્ષી પાર્ટીઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. આ પહેલા જૂન મહિનામાં નીતિશ કુમારના આહ્વાન પર પટનામાં વિપક્ષની એક ભવ્ય સભા થઈ હતી. જેમાં 15 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.

Most Popular

To Top