Gujarat

કોડીનારમાં સવા પાંચ ઈંચ વરસાદને પગલે જનજીવન ખોરવાયું

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની બીજી ઈનિંગ શરૂ થઈ છે. સાંબેલધાર વરસાદે (Rain) સમગ્ર રાજ્યને ધમરોળ્યું છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ માટે ગુજરાતના ધણાં જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે મંગળવારે ગુજરાતનાં ઘણાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

મહીસાગર જિલ્લામાં બપોરે બફારા વચ્ચે એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મહીસાગરનાં માંડવી બજાર, હુસેની ચોક, દરકોલી દરવાજા, હાટડિયા બજાર સહિતના વિસ્તારોમાં ઘૂંટણસુધીનાં પાણી વહેવા લાગતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. મહીસાગરના લુણાવાડામાં અડધો કલાકમાં 1 ઈંચ વરસાદ પડતા અનેક કોમ્પલેક્ષોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદના કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના પ્રહલાદ નગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

સુરતમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ
અધિક શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મેઘરાજાની તોફાની સવારી નિકળતા તમામ નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા જન જીવન ખોરવાઈ ગયું હતું. બે કલાકના સમયગાળામાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. સવારે નવ વાગ્યા આસપાસ શરૂ થયેલો વરસાદ એક કલાકમાં બે ઈંચ કરતાં વધુ ખાબક્યો હતો. જ્યારે સવારે 10.30 કલાક બાદ તો આખાય શહેરમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. સતત બે કલાકથી વધુ વરસાદ પડ્યો હતો. સવારે 10થી 12 કલાકના બે કલાકના સમયગાળા દરમિયાન સુરત શહેરમાં લગભગ 75 મીમી એટલે કે ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ગીર સોમનાથમાં મેઘરાજાની બીજી ઈનિંગ જોરદાર ચાલી રહી છે. કોડીનારમાં સવા પાંચ ઇંચ વરસાદ ખાબકતાં ખેતરો બેટમાં ફેરવાયા જ્યારે રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવો માહોલ સર્જાયો છે. તાલાલા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા આંબળાશ ગામની શેરીઓમાં નદીઓ વહેતી જોવા મળી રહી છે. બીજી બાજુ અમરેલી શહેર, લાઠી શહેર, બાબરા, રાજુલા, ખાંભા અને ધારી સહિત મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 

બુધવારે આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની વકી
બુધવારે સૌરાષ્ટ્રના જિલ્લાઓના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત અને ભરુચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. 

Most Popular

To Top