Education

GSEB ધો.10-12ના પરિણામ અંગે મોટું અપડેટ: આવતા સપ્તાહે જાહેર થશે પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પરિણામો હવે ખૂબ જલ્દી જાહેર થવાના છે. મળતી માહિતી મુજબ, ધોરણ 12 (સાયન્સ અને સામાન્ય પ્રવાહ)નું પરિણામ 4 મેના રોજ જાહેર થવાની શક્યતા છે. ત્યારબાદ ધોરણ 10નું પરિણામ 6 મેએ જાહેર થઈ શકે છે. સાથે જ GUJCETનું પરિણામ પણ 12 સાયન્સ સાથે જ જાહેર થવાની સંભાવના છે. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષામાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, એટલે કે અંદાજે 15,27,724 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં ધોરણ 10માં લગભગ 9,07,175 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,01,286 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સમાં આશરે 1.19 લાખ વિદ્યાર્થીઓ સામેલ હતા.

ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને 18 માર્ચે પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂરી થતા જ બીજા દિવસથી બોર્ડ દ્વારા પેપર ચકાસવાની પ્રક્રિયા (મૂલ્યાંકન) શરૂ કરી દેવામાં આવી હતી, જેથી સમયસર પરિણામ જાહેર કરી શકાય. હાલમાં CBSE અને ICSE બોર્ડના પરિણામો પહેલાથી જ જાહેર થઈ ચૂક્યા છે, જેના કારણે હવે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા વધુ વધી ગઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘણા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા છે અને હવે આગામી સપ્તાહે તેમની રાહ પૂરી થવાની શક્યતા છે. ગુજરાત બોર્ડ દ્વારા સત્તાવાર તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ વર્ષે પણ બોર્ડે એક ખાસ નિર્ણય લીધો છે કે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે.

Most Popular

To Top