Gujarat

ગિરનારની તળેટીમાં ભવનાથ મહાશિવરાત્રી મેળાનો આજથી આરંભ

ધ્વજારોહણ, ડમરુ યાત્રા અને સાધુ-સંતોના નગર પ્રવેશ સાથે પાંચ દિવસનો અલૌકિક ઉત્સવ
ગાંધીનગર,તા.10

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો આવતીકાલે તા. 11 ફેબ્રુઆરીથી ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે વિધિવત શરૂ થશે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનો અદભુત સંગમ જોવા મળશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પવિત્ર સાધુ-સંતોનો ભવ્ય નગર પ્રવેશ યોજાશે. આ વર્ષે મેળાની વિશેષતા રૂપે પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’નું આયોજન કરાયું છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહભાગી થશે.

સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે અનોખું દ્રશ્ય બનશે. તા. 11 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગ્યે ભવનાથ પ્રવેશ દ્વારથી મંદિર સુધી આશરે 400 મીટરના માર્ગ પર ડમરુ યાત્રા નીકળશે અને અંતે ભવ્ય મહાઆરતી યોજાશે.મહાશિવરાત્રીની રાત્રે યોજાનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે.’અતિથિ દેવો ભવ:’ની ભાવનાથી રાજ્ય સરકાર ભવનાથ મહાશિવરાત્રી મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાનો ત્રિવેણી સંગમ બનાવી શ્રદ્ધાળુઓને આવકારવા સંપૂર્ણ રીતે તૈયાર છે.

શ્રદ્ધાળુઓની સુવિધા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 800થી વધુ ભાવિકો માટે જર્મન ડોમમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા કરાઈ છે, જેમાં 700 પલંગ, 150 ફ્લોર બેડિંગ, 24×7 હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઇલ ચાર્જિંગ અને લગેજ રેક જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.વાહન વ્યવસ્થાપન માટે ઉ૫રકોટ, પાંજરાપોળ, વાઘેશ્વરી મંદિર સહિત 25 સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે, જ્યાં CCTV, પીવાનું પાણી, શૌચાલય અને રાઉન્ડ-ધ-ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે. દિવ્યાંગ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક રીક્ષા સેવા પણ ઉપલબ્ધ રહેશે.મેળા વિસ્તારમાં ‘ભગવાન ભોલેનાથ’ થીમ પર શણગાર, આકર્ષક લાઇટિંગ, સેલ્ફી પોઇન્ટ, ફૂલોથી સુશોભિત મંદિર, 140 પરબ, 28 મેડિકલ કાઉન્ટર, 118 હંગામી અને 6 મોબાઇલ ટોયલેટ, બોટલ ક્રશર મશીન જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

Most Popular

To Top