Dakshin Gujarat

ભરૂચની પાંચ બેઠકના 32 ઉમેદવારના ભાવિનો ગુરુવારે ફેંસલો

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાયેલા પાંચ વિધાન સભા બેઠકોના મતદાન (Voting) બાદ તમામ ઈવીએમને (EVM) ભોલાવની પોલિટેક્નિક કોલેજ ખાતે સુરક્ષિત રખાયા હતા. જેની બુધવારે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. જે માટે તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ, આપ, બીટીપી, પ્રજા વિજય પક્ષ અને અપક્ષ મળી 32 ઉમેદવારના ભાવિનો આજે ફેંસલો થશે. ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી 8 ડિસેમ્બરના રોજ એટલે કે આજે સવારે 8 કલાકે શરૂ થઈ જશે. જેમાં જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર એમ ભરૂચ જિલ્લાની પાંચ બેઠક માટે કાઉન્ટિંગ સેન્ટર કે જે પોલિટેક્નિક કોલેજ ભોલાવ ખાતે મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, ત્યાં કરાશે.

  • ૧૪ ટેબલ પર EVM તેમજ ૧ ટેબલ પર પોસ્ટલ બેલેટનું કાઉન્ટિંગ હાથ ધરાશે.
  • ૫ વિધાનસભા બેઠક માટે ૭૫ ટેબલ અને ૨૨૫થી વધુ ચૂંટણીકર્મી, તો ૯૦૦થી વધુ પોલીસકર્મી તૈનાત

દરેક વિધાસભા વિસ્તાર દીઠ મતગણતરી માટે 14 ટેબલ ઉપર ઈવીએમ તથા અન્ય 1 ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી થશે, જેમાં મતગણતરીની કામગીરી માટે એક સુપરવાઈઝર, એક આસિસ્ટન્ટ સુપરવાઈઝર તેમજ દરેક ટેબલ પર એક વિધાનસભા દીઠ 45 જેટલા ચૂંટણીકર્મીઓ કામે લાગશે. જે મુજબ જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર એમ ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભાની મતગણતરી માટે કે.જે. પોલિટેકનિક કોલેજ ભોલાવ ખાતે કુલ 75 ટેબલ તથા આ પ્રક્રિયા માટે 225થી વધુ ચૂંટણીકર્મીઓ સ્થળ ઉપર ઉપસ્થિત રહેશે.

કઈ બેઠકના કેટલા ઉમેદવારનું ભાવિ નક્કી થશે?
ભરૂચ-૭
અંકલેશ્વર-૪
વાગરા-૯
જંબુસર-૭
ઝઘડિયા-૫

વ્યારાના 7 અને નિઝર વિધાનસભાના 6 ઉમેદવારનું ભાવિ ખૂલશે
વ્યારા: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીની આજે સવારે ૮ વાગે સોનગઢ તાલુકાની ગવર્નમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના હોલ ખાતે તાપી જિલ્લામાં સમાવિષ્ટ વ્યારા તથા નિઝર વિધાનસભા મતવિભાગોની મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં વ્યારા વિધાનસભાની બેઠકમાં ૭ અને નિઝર વિધાનસભાની બેઠકમાં ૬ ઉમેદવારનું ભાવિ ખૂલશે.
આ મતગણતરી માટે વ્યારામાં ૧૪ ટેબલો ઉપર ૧૭ કાઉન્ટીંગ સુપરવાઇઝર, ૧૭ આસી. કાઉન્ટીંગ સુપરવાઇઝર, ૨૦ માઇક્રોઓબઝર્વ દ્વારા ૨૨ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે.

નિઝર વિધાનસભા મતવિભાગ માટે પણ ૧૪ ટેબલો ઉપર ૧૭ કાઉન્ટીંગ સુપરવાઇઝર, ૧૭ આસી. કાઉન્ટીંગ સુપરવાઇઝર, ૨૦ માઇક્રોઓબઝર્વ દ્વારા ૨૯ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. વ્યારા બેઠક માટે ૩૫ એજન્ટો તથા ૧૭૨-નિઝર માટે ૭૮ મતગણતરી એજન્ટો નોંધાયા છે. વ્યારા વિધાનસભાના ઉમેદવારોમાં મોહનભાઈ ઢેડાભાઇ કોંકણી (ભાજપ), પુનાભાઈ ઢેડાભાઇ ગામીત (કોંગ્રેસ), રાકેશભાઈ સુરેશભાઈ ગામીત (બહુજન સમાજ પાર્ટી), બિપીનચંદ્ર ખુશાલભાઈ ગામીત (આપ), સુનિલભાઈ નાગજીભાઈ ગામીત (ભારતીય ટ્રાયબલ પાર્ટી), ઉમેદભાઇ ભીમસિગભાઇ ગામીત (અપક્ષ), જીમીકુમાર રાજેનભાઈ પટેલ (અપક્ષ) તથા નિઝર વિધાનસભાનાં ઉમેદવારોમાં ડૉ. જયરામભાઈ ચેમાભાઇ ગામીત (ભાજપ), સુનિલભાઈ રતનજીભાઇ ગામીત (કોંગ્રેસ), અરવિંદભાઈ સીંગાભાઇ ગામીત (આપ), સમીરભાઈ જનકભાઈ નાઇક (ભારતીય ટ્રાયબલ પાર્ટી), મનિષભાઇ પ્રકાશભાઈ વસાવા (અપક્ષ), વિનાભાઇ બાબલાભાઇ ગામીત (અપક્ષ)નાં ભાવી ખૂલશે.

Most Popular

To Top