Sports

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચ પહેલાં ભારતને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો ઈન્જર્ડ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ખેલાડીઓ છેલ્લાં કેટલાંક સમયથી ઈન્જરીનો સામનો કરી રહી છે. જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા, દિપક ચહર જેવા ખેલાડીઓ ઈન્જરીના લીધે ટીમમાંથી બહાર છે. રોહિત શર્માની ગેરહાજરીમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં કે.એલ. રાહુલ કપ્તાનીની જવાબદારી નિભાવી રહ્યો છે. બાંગ્લાદેશ ભારત (INDvsBang) વચ્ચે 22 ડિસેમ્બરથી બીજી ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે, તે પહેલાં ભારતીય ચાહકો માટે માઠા સમાચાર આવ્યા છે. વધુ એક સ્ટાર ખેલાડી ઈન્જર્ડ થયો હોવાની વિગતો બહાર આવી છે. જેના લીધે ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે.

ઢાકામાં (Dhaka) રમાનારી બીજી ટેસ્ટ મેચમાં (Test Cricket Match) ભારતની ટીમે પોતાના નિયમિત ઓપનર વિના રમવું પડે તેવા સંજોગો સર્જાયા છે. મેચની પૂર્વ સંધ્યાએ નેટમાં બેટિંગ પ્રેક્ટિસ કરતી વખતે કે.એલ. રાહુલને (K.L.Rahul) હાથમાં ઈજા પહોંચી છે. ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોરે (Vikram Rathor) આ અંગે માહિતી જાહેર કરી છે. જોકે કોચ રાઠોરે રાહુલની ઈજા (Injured) ગંભીર નહીં હોવાનું પણ જણાવ્યું છે. પરંતુ રાહુલ ટેસ્ટ મેચ રમશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોરે બીજી ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાહુલ સ્વસ્થ જણાય રહ્યો છે. તેના હાથમાં થોડી ઈજા થઈ છે, પરંતુ તે મેચ પહેલાં ઠીક થઈ જાય તેવી આશા છે. હાલ ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ તે છે. કે.એલ. રાહુલની ઈન્જરી અંગે વધુ માહિતી આપતા વિક્રમ રઠોરે કહ્યું કે, નેટ પ્રેક્ટિસ દરમિયાન તેના હાથમાં ઈજા થઈ છે. ઈજા બાદ તે હાથ ઘસતો જોવા મળ્યો હતો. ટીમના ડોક્ટર્સ તેની ઈજાની સારવાર કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્માની ગેરહાજરીમાં વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છે. ચટ્ટોગ્રામમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા રમ્યો નહોતો. ટેસ્ટ મેચ પહેલાંની વનડે સિરીઝની છેલ્લી ત્રીજી મેચમાં કેચ પકડતી વખતે રોહિતના અંગૂઠામાં ઈજા થઈ હતી.

રાહુલ નહીં રમે તો આ ખેલાડી કરશે કેપ્ટનશીપ
જો કે.એલ. રાહુલ ઈજાના લીધે ગુરુવારથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચમાં નહીં રમી શકે તો તેના સ્થાને ચેતેશ્વર પૂજારા કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવશે. પહેલી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારા વાઈસ કેપ્ટન રહ્યો હતો. રાહુલની ગેરહાજરીમાં અભિમન્યુ ઈશ્વરને ડેબ્યુ કરવાની તક મળી શકે છે. અભિમન્યુને રોહિતના સ્ટેન્ડ બાય તરીકે ટીમમાં સમાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top