Editorial

મ્યુકરમાઇકોસિસ: સરકારે તકેદાર અને પ્રજાએ જાગૃત બનવું પડશે

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના ખપ્પરમાંથી દેશ બહાર નીકળ્યો નથી ત્યારે જ હવે મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસનું ગ્રહણ દેશ પર લાગી ગયું છે. વર્ષો બાદ સંભવત પહેલીવાર એવું બન્યું હશે કે 16 મહિનાના ટૂંકા ગાળામાં જ એક સાથે બે મહામારી જાહેર કરવી પડી હોય. ગુરૂવારે જ કેન્દ્ર સરકારે બ્લેક ફંગસને પણ મહામારી જાહેર કરવાની ફરજ પડી છે. આ રોગ કોરોના કરતાં પણ વધારે ખતરનાક છે જેમાં દર્દીની આંખ અને જડબા જેવા અંગ કાઢી નાંખવા પડે છે. મ્યુકરમાઇકોસિસ થવાના અનેક કારણ છે. કોરોનામાંથી સ્વસ્થ થનારા લોકોમાં સૌથી વધારે જોવા મળે છે. કોરોનાની સારવાર દરમિયાન દર્દીને સ્ટીરોઈડ આપવામાં આવ્યું હોય અને જો દર્દીનું બ્લડ તેમજ શુગર લેવલ પણ કાબૂમાં ન રહેતું હોય, તેવા લોકોને આ રોગ થવાનો ભય સૌથી વધારે રહેલો છે.

માત્ર ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો અમદાવાદમાં ૫૦૦, રાજકોટમાં ૪૦૦, સુરતમાં ૧૦૦થી વધુ અને વડોદરામાં ૨૦૦થી વધુ કેસો નોંધાયા છે. ચાર મહાનગરોમાં આ રોગના દર્દીઓની સારવાર માટે અલગ વોર્ડ પણ તૈયાર કરીને રોજના ચારથી પાંચ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. કોરોનાના દર્દીને મ્યુકરમાઇકોસિસ થવાનું એક કારણ બહાર આવ્યું છે તે ઓક્સિજન સિલિન્ડર સાથે અપાતું પાણી પણ છે. ઓક્સિજન આપવા માટે જે હ્યુમિડીફાયર વપરાતું હોય છે તેને જ સ્વચ્છ રાખવામાં નહીં આવે અને સ્ટરાઈલ વોટરનો ઉપયોગ નહીં કરવામાં આવે તો હ્યુમિડીફાયર થવાની શક્યતા ઘણી વધી જાય છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના દર્દીઓની સંખ્યા વધી છે. અને ઓક્સિજનના હ્યુમિડીફાયરમાં સ્ટરાઈલ વોટરની જગ્યાએ અનેકવાર નળના પાણીના વપરાશના કારણે આ ફંગસ ઘાતક રૂપ ધારણ કરી રહ્યો છે.

આ રોગ એટલો ગંભીર છે કે શરૂઆતમાં માત્ર માથાના દુખાવા જેવા સામાન્ય લક્ષણ જોવા મળે છે પરંતુ તેનું નિદાન થાય તે પહેલાં તો તે શરીરમાં ફેલાઇ ચૂક્યો હોય છે અને અંગો કાઢવા સિવાય અન્ય કોઇ વિકલ્પ બચતો નથી. દર્દીના બાયોપ્સી રિપોર્ટના આધારે ફંગસ આંખ, મગજ તેમજ અન્ય કયા ભાગમાં કેટલી ફેલાયેલી છે તે ચકાસીને નિદાન કરવામાં આવે છે. MRI દ્વારા ફંગસની જડ સુધી પહોંચવાના પ્રયત્ન થાય છે. એના આધારે સર્જરી થાય છે. બ્લેક ફંગસના દર્દીને એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન 15થી 21 દિવસ સુધી અપાય છે. દૂરબીન દ્વારા નાક વાટે પણ ફંગલ દૂર કરાય છે. જો કે આ રોગમાં સરકાર જાગી તો છે પરંતુ યોગ્ય આયોજન નહીં કરવામાં આવે તો આ રોગ કોરોના કરતાં પણ વધારે ઘાતક સાબિત થઇ શકે તેમ છે. રાજ્ય સરકારે આ રોગને પહોંચી વળવા માટે તૈયારીઓ તો શરૂ કરી દીધી પરંતુ તે પહેલા જ તેની સારવાર માટે વપરાતાં એમ્ફોટેરિસિન ઈન્જેક્શનની શોર્ટેજ ઊભી થઇ ગઇ છે. જેને બ્લેક ફંગસ લાગુ પડે છે તે દર્દીની સારવાર પાછળ એમ્ફોટેરીસીન નામના 120 થી 150 ઇન્જેકશનની જરૂર પડે છે. એટલે સરકારે અત્યારથી જ આ રોગની સારવારમાં વપરાંતા ઇન્જેક્શનનો સ્ટોક કરવો જોઇએ અને તેનું ઉત્પાદન તાત્કાલિક ધોરણે વધારવું જોઇએ જેના કારણે આગામી દિવસોમાં આવનારી જરૂરિયાતને પહોંચી શકાય.

રાજ્ય સરકારે સમયસર આ રોગ માટે સરકારી હોસ્પિટલ્સમાં અલગ વોર્ડ ઉભા કરી દીધા છે જે પગલું સરાહનીય છે પરંતુ તેને નાથવામાં વપરાતા ઇન્જેકશન એટલી મોટી સંખ્યામાં જોઇએ છે કે તેને પહોંચી વળવું ખૂબ જ અઘરૂ કામ છે માટે સરકારે એ દિશામાં અત્યારથી જ પગલાં ભરવા જોઇએ. તો બીજી તરફ પ્રજાએ પણ આ રોગ લાગુ નહીં પડે તે માટે તકેદારીના પગલાં ભરવા જોઇએ. તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે આ રોગ કોરોના સંક્રમિત લોકોને ઝડપથી તેની ગીરફ્તમાં લઇ લે છે પરંતુ કોરોના નહીં થયો હોય તેવા દર્દીને પણ આ રોગ લાગી શકે છે. આ રોગ ભેજના કારણે ઉત્પન્ન થતી ફૂગથી થાય છે તે સ્પષ્ટ હોવાથી જ્યાં ભેજ હોય, માટી હોય તેવા વાતાવરણથી લોકોએ દૂર રહેવું જોઇએ. એટલું જ નહીં કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું હિતાવહ છે પરંતુ હવે ચોમાસાની સિઝન શરૂ થવાની હોવાથી માસ્ક ભીનું થઇ જાય તો તેનો ઉપયોગ કરવો જોઇએ નહીં.

ભીના માસ્કનું ભેજનું પ્રમાણ સીધું જ નાકને અસર કરે છે અને ફંગસ લાગવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. કોરોનાથી સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓએ મ્યુકોરમાઈકોસિસના લક્ષણોનું મોનીટરીંગ કરવું અને જરૂર જણાય તો ડોક્ટરને બતાવવું જોઈએ. આ બિમારીના કોઈ પણ લક્ષણ જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જેથી આ રોગને વધતો અટકાવી શકાશે. અને સમયપર સારવાર લઈને આ બિમારીથી બચી શકાશે. કોરોનાની સારવાર કરતાં પણ આ રોગની સારવાર ખૂબ જ ખર્ચાળ હોવાથી સામાન્ય માણસનું આ સારવાર કરાવવાનું ગજું નથી. તેની સારવાર પાછળ 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચ થઇ જાય છે એટલું જ નહીં અંગ પણ કાઢવા પડે છે એટલે લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે.

Most Popular

To Top