Dakshin Gujarat Main

બારડોલીમાં ફાયરિંગ કરી વેપારીની હત્યા કરનાર તેનો જ મિત્ર નીકળ્યો

બારડોલી, પલસાણા: સુરત (Surat) જિલ્લાના બારડોલી (bardoli) તાલુકાના નાંદીડા ગામે ગુરુવારના રોજ નિખિલ પ્રજાપતિ નામના બારડોલીના યુવાનની ગોળી (firing) મારી હત્યા (murder) કરવાના પ્રકરણમાં સુરત જિલ્લા LCB પોલીસને સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે મોટી સફળતા મળી છે. આ ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી પૂછતાછ કરતાં નિખિલની પત્નીના પૂર્વ પતિ અને નિખિલના મિત્ર બારડોલીના કેતન ગોંડલિયાએ 2 લાખ રૂપિયાની સોપારી આપી નિખિલની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું છે. કેતનની પત્ની ચંદને તેની સાથે છૂટાછેડા લઈ નિખિલ સાથે લગ્ન કરી લેતાં આ હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલીના નાંદીડા ગામે 5 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં બારડોલીના નવદુર્ગા સોસાયટી ખાતે રહેતા અને મૂળ પોરબંદર જિલ્લાના શિસલી ગામના નિખિલ સુધીરભાઈ પ્રજાપતિ (ઉં.વ.34)ની યામાહા એફઝેડ મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી નાંખી હતી. આ ગુનાની જાણ થતાં જ સુરત રેન્જના ડીજીપી રાજકુમાર પાંડિયન, જિલ્લા પોલીસ વડા ઉષા રાડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થળ વિઝિટ કર્યા બાદ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે અલગ અલગ ટીમ બનાવી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન LCB પોલીસ ટીમના હે.કો. ચિરાગ જયંતીલાલ, અનિલ રામજી તથા પો.કો. અલ્તાફએ CCTV ફૂટેજના આધારે સ્થાનિક બાતમીદારોની મદદથી હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની ઓળખ કરવામાં સફળતા મળી હતી. પોલીસને બાતમી મળી હતી કે, નાંદીડા ખાતે નિખિલની હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીમાં પલસાણા તાલુકાના અંત્રોલી ગામના ભૂરી ફળિયામાં રહેતો સાગર નટવર વાંસફોડિયા, હિતેશ સુરેલા (દેવીપૂજક), બાદલ રાઠોડ સંડોવાયેલા છે.

આ બાતમીના આધારે LCB પોલીસે હિતેશ વિનોદ સુરેલા તથા બાદલ કિશોર રાઠોડને ઊંચકી લઈ તપાસ કરતાં બંનેએ હત્યાના ગુનાની કબૂલાત કરી હતી અને આ ગુનામાં બે લાખની સોપારી અપાઈ હોવાની વાત બહાર આવી હતી. બારડોલી ખાતે રહેતા કેતન ભીખાભાઈ ગોંડલિયા નામના શખ્સે વિશાલ રમેશ રાઠોડ નામના મિત્રની મદદથી સાગર નટવર વાંસફોડિયાને આ સોપારી આપી હોવાનું કબૂલાત કરતાં પોલીસે હાલ હિતેશ વિનોદ સુરેલા (ઉં.વ.21) (રહે.,વરેલી શગુન કોમ્પ્લેક્સ, મૂળ (રહે., અડવાળા, તા. ધોળકા, જિ.અમદાવાદ), બાદલ કિશોર રાઠોડ (ઉં.વ. 20) (રહે., અંત્રોલી ભૂરી ફળિયું, તા.પલસાણા), કેતન ભીખાભાઈ ગોંડલિયા (ઉં.વ.34) (રહે., સપ્તશ્રુંગી સોસાયટી, બારડોલી, મૂળ રહે., ધોરાજી, જિ.રાજકોટ) તેમજ વિશાલ રમેશ રાઠોડ (ઉં.વ.28) (રહે., વૃંદાવન સોસાયટી, ધામદોડ, મૂળ રહે., વરેલી, તા.પલસાણા)ની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલો સાગર નટવર વાંસફોડિયા હજી પોલીસ પહોંચની બહાર છે.

બે ગાઢ મિત્રો વચ્ચે તિરાડ પડી હતી

મૃતક નિખિલ પ્રજાપતિ અને કેતન ગોંડલિયા બંને મિત્રો હતા અને એક બીજાના ઘરે બેઠક હતી. નિખિલને કેતનની પત્ની સાથે આડો સંબંધ હતો. જેને લઈ કેતન ગોંડલિયા અને તેની પત્ની ચંદન વચ્ચે સતત ઝઘડો ચાલતો હતો. ગત જાન્યુઆરી માસમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ ચંદને નિખિલ પ્રજાપતિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને તેની સાથે રહેતી હોય તે બાબતે કેતનને મનદુઃખ હતું. જેથી સોપારી આપી તેની હત્યા કરી નાંખી હતી.

કઈ રીતે અપાઈ સોપારી?

કેતનને તેની પત્નીએ નિખિલ સાથે લગ્ન કરી લીધા હોય તેણે નિખિલની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું અને તેણે આ વાત તેના મિત્ર વિશાલ રાઠોડને કરી હતી. વિશાલે તેના મિત્ર સાગર વાંસફોડિયાને 20 હજાર રૂપિયા ઉછીના આપ્યા હોય, જેથી તે તેના સંપર્કમાં હતો અને તેના મારફતે હત્યા કરાવવાનું નક્કી કર્યું હતું. ગત માર્ચ મહિનામાં વરેલી રાધાપૂરમ બિલ્ડિંગ ઉપર વિશાલે કેતન અને સાગરની મીટિંગ કરાવી હતી. જેમાં 2 લાખ રૂપિયામાં હત્યા કરવાનું નક્કી કર્યું હતું. આ રૂપિયા પહોંચાડવાની જવાબદારી વિશાલે લીધી હતી. કેતન ગોંડલિયાએ 1.50 લાખ રૂપિયા માર્ચ મહિનામાં જ સાગર વાંસફોડિયાને આપી દીધા હતા. ત્યારબાદ કેતન ગોંડલિયા, સાગર રાઠોડ, હિતેશ સુરેલા અવારનવાર એકબીજા સાથે વોટ્સઅપ કોલિંગથી વાત કરી સંપર્કમાં રહેતા હતા. આ દરમિયાન નિખિલ પ્રજાપતિની દુકાન તેમજ બેઠકવાળી જગ્યાની પણ રેકી કરી હતી અને તે આધારે જ નાંદીડા પાટિયા પર શ્રીરામ ગ્લાસની પોતાની દુકાને નિખિલ આવતાં જ તેની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ સાગર વાંસફોડિયાએ વિશાલ પર ફોન કરી નિખિલની હત્યા કરી હોવાની જાણ કરી હતી. અને તે આધારે જ વિશાલે કેતનને જાણ કરી હતી.

સાગર વાંસફોડિયા હજી પણ પોલીસ પકડથી દૂર

ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સાગર નટવર વાંસફોડિયા હજી પણ પોલીસ પકડથી દૂર છે. સાગર જ હથિયાર લાવ્યો હતો અને તેણે જ ફાયરિંગ કર્યું હતું. સાગર પકડાયા બાદ જ તે હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તે જાણી શકાશે.

હત્યામાં વપરાયેલી બાઇક પલસાણા પોલીસના હોમગાર્ડ જવાનની હતી

હત્યાના ગુનામાં વપરાયેલી FZ મોટરસાઇકલ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ વિજય રાઠોડની હોવાનું બહાર આવ્યું છે. વિજય રાઠોડનો ભાઈ બાદલ આ હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. પોલીસને ગુનાની તપાસ દરમિયાન જ સીસીટીવી ફૂટેજના આધારે ચાર FZ મોટરસાઇકલના શંકાસ્પદ નંબર મળ્યા હતા. એક પછી એક મોટરસાઇકલ અંગે તપાસ કરતાં અંત્રોલી ભૂરી ફળિયા ખાતે રહેતા અને પલસાણા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા વિજય રાઠોડ સુધી પોલીસ પહોંચી ગઈ હતી અને ત્યાર પછી મળેલી એક પછી એક કડીના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

Most Popular

To Top