Dakshin Gujarat

માત્ર પાંચથી સાત મિનીટમાં બારડોલી નગરપાલિકાનું 85.31 કરોડનું બજેટ મંજૂર!

બારડોલી: (Bardoli) બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા સોમવારના રોજ નગરપાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઇના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વર્ષ 2023-24ના અંદાજપત્ર (Budget) અંગે ચર્ચા કરવામાં આવી હતી. કુલ 85.31 કરોડ રૂપિયાનું 21.17 લાખ પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેને સભામાં મંજૂર કરવામાં આવ્યું હતું. માત્ર પાંચથી સાત મિનીટમાં આખા વર્ષનું આયોજન કરી દેવામાં આવ્યું હતું.

  • બારડોલી નગરપાલિકાનું 85.31 કરોડનું બજેટ મંજૂર
  • માત્ર પાંચથી સાત મિનીટમાં આખા વર્ષનું આયોજન કરી દેવામાં આવ્યું
  • મંથરગતિએ કામ કરી રહેલી બે એજન્સીને બ્લેક લિસ્ટ કરાશે

આગામી વર્ષમાં કોઈ પણ મોટા પ્રોજેક્ટ વગરનું નિરાશાજનક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં જૂના જ પ્રોજેકટ અને વિકાસના કાર્યો રિપીટ કરી નવી બોટલમાં જૂનો દારૂ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. નગરપાલિકાના બજેટની વાત કરવામાં આવે તો ઊઘડતી સિલક 25 કરોડની ઊઘડતી સિલક ઉપરાંત 22.07 કરોડની નગરપાલિકાની સ્વભંડોળની આવક તેમજ મહેસૂલી ગ્રાન્ટ અને 38.23 કરોડની યોજનાકીય આવક મળી કુલ 85.31 કરોડ રૂપિયાની આવક અંદાજવામાં આવી છે. જેની સામે નગરપાલિકાનો અને મહેસૂલી ખર્ચ 23.47 કરોડ અને યોજનાકીય ખર્ચનો 61.63 કરોડ રૂપિયા અંદાજ લગાવવામાં આવ્યો છે. આમ 21.17 લાખ રૂપિયાની પુરાંત બાકી રહે છે.

બજેટમાં શહેરી આવાસ બનાવવા માટે અસરગ્રસ્તોને હંગામી રહેણાક માટે જરૂરી રિહેબિલિટેશન સેન્ટર માટેની કોઈ જોગવાઇ કરવામાં આવી ન હોય આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર ચૌધરી દ્વારા રિહેબિલિટેશન સેન્ટર માટે બજેટમાં જોગવાઈ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત નગરસેવકોએ ટેકો આપતાં બજેટમાં 2 કરોડની જોગવાઇ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતાં કામોમાં 15 ટકા વિવેકાધીન યોજનાના 25 લાખ રૂપિયાની ગ્રાન્ટના આયોજનની સત્તા પ્રમુખ અને કારોબારી ચેરમેનને સોંપવાનું ઠરાવવામાં આવ્યું હતું. સભામાં જુદાં જુદાં વિકાસના કામો કરતી એજન્સીઓ પૈકી પેવેલિયનનું રૂફ કવરિંગનું કામ કરતી, પેવેલિયન ડેવલપમેન્ટનું કામ કરતી એજન્સી અને સ્વાશ્રયનગર પાસે સીસી રોડનું કામ કરતી એજન્સીની સમયમર્યાદા વધારવામાં આવી હતી. મંથરગતિએ કામ કરી રહેલી બે એજન્સીને બ્લેક લિસ્ટ કરવાનું મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં જલારામ મંદિર પાસે આરસીસી સ્લેબ ડ્રેનેજનું કામ કરતી જય હનુમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી અને રામજી મંદિર પાછળ ઓવારા સુધી આરસીસીસી રિટેઇનિંગ વોલ અને આરસીસી રોડનું કામ કરતી શ્રીજી કન્સ્ટ્રક્શન એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

Most Popular

To Top