SURAT

કડોદરાની સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં રિવોલ્વરની અણીએ સાત લાખની લૂંટ

પલસાણા: કડોદરા (Kadodra) ચાર રસ્તા નજીક પહેલા માળે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેન્કની (Surat Distric Co.Op. Bank) શાખામાં સાંજે ૪.૧૫ વાગ્યાના અરસામાં બેન્કમાં એક બુકાનીધારી ત્રાટક્યો હતો. જે બેન્કના સ્ટાફને (Staff) રિવોલ્વર બતાવી બાનમાં લઇ બેન્કની તિજોરીમાંથી અંદાજિત ૭ લાખ જેટલી રકમ લઇ તમામ કર્મચારીઓને બેન્કમાં પૂરી તાળું (Lock) મારી નાસી ગયો હતો. ભરચક એરિયામાં લૂંટ થઇ હોવાની જાણ જિલ્લા પોલીસ (Police) તેમજ એલસીબી તેમજ એસઓજીને થતાં તેમણે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી સીસીટીવીનાં (CCTV) ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા ચાર રસ્તા નજીક આવેલા વામદોત પેટ્રોલપંપની બાજુમાં આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેન્કની શાખામાં સોમવારે સાંજે ૪.૧૫ વાગ્યાના સુમારે એક બુકાનીધારીએ ગ્રાહકના સ્વાંગમાં આવી બેન્કમાં પ્રવેશ કર્યો હતો. એ સમયે બેન્કમાં મેનેજર સહિત બે મહિલા તેમજ બે પુરુષ કર્મચારી હાજર હતા. ત્યારે લુંટારૂએ તેની પાસે રહેલી થેલીમાંથી રિવોલ્વર કાઢી બેન્કના મેનેજરની સામે તાકી હતી. અને મેનેજર ધવલ પટેલને બેન્કમાં મૂકેલી તિજોરી પાસે લઇ ગયો હતો. અને તિજોરીની ચાવી માંગતાં કર્મચારીએ મોતના ડરે તિજોરીની ચાવી આપી દીધી હતી. બાદ તિજોરીમાં મૂકેલ અંદાજે ૭ લાખની રકમની લૂંટીને તમામ કર્મચારીઓને એક રૂમમાં પૂરી બેન્કની બહારની ગ્રીલને તાળું મારી લુંટારુ નાસી છૂટ્યો હતો. બેન્કના મેનેજર ધવલ પટેલે બેન્કનું ઇમરજન્સીનું સાયરન પણ વગાડ્યું હતું. પરંતુ અંદાજે ૧૦ મિનીટ બાદ લોકો એકઠા થયા હતા. અને લોકોએ બેન્કની ગ્રીલનું તાળું તોડી મેનેજર તેમજ કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. ધોળા દિવસે ભરચક એરિયામાં લૂંટ થઇ હોવાની જાણ કડોદરા પોલીસ સહિત એલસીબી તેમજ એસઓજી પોલીસને થતાં તેમની ટીમો પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ વડા પણ આવી પહોંચ્યા હતા.

લુંટારુ કડોદરાથી જોળવા તરફ જતો હતો
કડોદરા ચાર રસ્તા નજીક ઘટના સ્થળે રોજનાં હજારો વાહનો પસાર થતાં હોય છે અને સતત ભીડભાડવાળો વિસ્તાર હોવા છતાં લુંટારુએ લૂંટને અંજામ આપતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે બેન્કના તેમજ નજીકના વિસ્તારના સીસીટીવી ફૂટેજ જોતાં લુંટારુ કડોદરાથી જોળવા તરફ જતો હોવાનું માલૂમ પડતાં તેના આધારે અલગ અલગ ટીમ બનાવી લુંટારુને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top