SURAT

સુરતના વરાછામાં અગિયારસના દિવસે રત્નકલાકારોને બચાવવા માટેનો રસપ્રદ કિસ્સો પોલીસ ફરિયાદમાં નોંધાયો

સુરત: ભીમ અગિયારસમાં જુગાર રમવા ભેગા થયેલા રત્નકલાકારોને બચાવવા માટે એક યુવક પોલીસની (Police) વોચ (Watch) રાખી રહ્યો હતો. પોલીસે યુવકને શંકાના આધારે પકડી તેનો મોબાઇલ ફોન (Mobile Phone) ચેક કરતાં આ યુવકે સાથી મિત્રોને (Friend) કહ્યું કે, ‘પોલીસ આવે છે, સૂઇ જાવ’ તેવું કોલ રેકોર્ડિંગ (Call Recording) મળી આવ્યું હતું. પોલીસે (Police) તપાસ કરતાં મકાનમાંથી 27 હજારની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. દારૂ (Alcohol) પીવા માટે ભેગા થયેલા યુવાનોને પોલીસની બીક જ પકડાવી ગઇ હોવાનો રસપ્રદ કિસ્સો પોલીસ ફરિયાદમાં નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભીમ અગિયારસના દિવસે મોટા ભાગે લોકો જુગાર રમતા હોય છે. કેટલાક લોકો પોલીસની ઝપટે આવી જાય છે. તો કેટલાક બચી પણ જાય છે. પરંતુ હવે તો પોલીસથી બચવા માટે જુગારીઓ ઘરની બહાર યુવકોને ઊભા રાખી જો પોલીસ આવે તો જાણ કરવા માટે કહેતા હોય છે. આવો જ એક બનાવ વરાછાની ભગીરથ સોસાયટીમાં બન્યો છે. વરાછાના મારુતિ ચોક પાસે ભગીરથ સોસાયટીમાં રહેતા મહેશ લાખા ભવા, રૂવડ લક્ષ્મણ ભવા, ભગીરથ દામજી બારડ, ઈશ્વર સવજી ઢીલા, આલુ બાધા કામળીયા અને રાહુલ ઉર્ફે ભુરો સુરેશ પરમાર જુગાર રમવા માટે ભેગા થયા હતા. આ તમામે પુણા ગામમાં રહેતા બાબુ ઓધડ ભમ્મરને ઘરની બહાર ઊભો રહેવા કહ્યું હતું અને જો પોલીસ આવે તો જાણ કરવા માટે પણ સૂચના આપી હતી. આ દરમિયાન વરાછા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે પોલીસને જોઇને બાબુભાઇ ફોનમાં ગૂપચૂપ વાત કરી રહ્યા હતા. પોલીસને શંકા જતાં પોલીસે બાબુભાઇને પકડી પૂછપરછ કરી તેનો મોબાઇલ ચેક કર્યો ત્યારે તેમાં એક ફોન રેકોર્ડિંગ મળી આવ્યું હતું, જેમાં બાબુભાઇ મહેશભાઇને કહી રહ્યા હતા કે, ‘પોલીસ આવે છે, સૂઇ જાવ’. પોલીસે બાબુભાઇની કડકાઇથી પૂછપરછ કરતાં બાબુભાઇએ છ વ્યક્તિ જુગાર રમતા હોવાનું જણાવ્યું હતું. તમામ જુગારીઓ બાબુભાઇના મકાનમાં હોવાનું જણાયું હતું. પોલીસે ત્યાં જઇ રેડ પાડતાં મહેશભાઇ સહિત અન્ય છ લોકો સૂતેલી હાલતમાં મળ્યા હતા, અને ઘરમાંથી અલગ અલગ જગ્યાએ રૂ.27 હજારની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે તમામને ઊભા કરી ચેક કરતાં એકપણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળ્યો ન હતો. બાદમાં પોલીસે 27 હજારનો દારૂ તેમજ 7 મોબાઇલ મળી કુલ રૂ. 66 હજારનો મુદ્દામાલ કબજે કરી તમામની ધરપકડ કરી હતી.

Most Popular

To Top