National

શું તમે જાણો છો.. દેશના વડાપ્રઘાનને મળેલી ભેટોની હરાજી કરતા મળતા રૂપિયાનો ઉપયોગ કયાં થાય છે

નવી દિલ્હી: કોઈકને કોઈક પ્રસંગે આપણને સૌને ભેટ (Gift) તો મળી જ છે. આ ભેટનો આપણે સૌ કોઈકને કોઈક જગ્યાએ ઉપયોગ કરીએ છે. આ ઉપરાંત ભેટ આપનાર પણ આપતી વખતે વિચારીને ભેટ આપે છે કે આ ભેટનો કોઈકને કોઈક જગ્યાએ ઉપયોગ થાય. આવો જ કિસ્સો દેશના વડાપ્રધાન માટેનો પણ છે. મળતી માહિતી મુજબ દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીને એક વર્ષમાં મળેલી ભેટોની હરાજી (Auction) કરવામાં આવી છે. તેમને મળેલી ભેટોની હરાજી ચોથી વખત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ વર્ષે તેઓની 1200 થી વધુ ભેટોની હરાજી કરવામાં આવી હતી. આ માટે 100 થી 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ રાખવામાં આવી હતી.

વડા પ્રધાનને મળેલી ભેટ, જેની હરાજી કરવામાં આવી હતી તેમાં ચિત્રો, શિલ્પો, લોક કલાકૃતિઓનો સમાવેશ થાય છે. અંગવસ્ત્ર, શાલ, પાઘડી-ટોપી, ધાર્મિક તલવારો પણ ભેટ તરીકે તેમને મળી છે. આ સિવાય અયોધ્યાના રામ મંદિર અને વારાણસીના કાશી-વિશ્વનાથ મંદિરની પ્રતિકૃતિ પણ આ હરાજીમાં સામેલ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે સંસ્કૃતિ મંત્રાલય પીએમ મોદીને મળેલી ભેટની હરાજી કરે છે. હરાજી શરૂ થાય તે પહેલા સાંસ્કૃતિક મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સ, ડેફલિમ્પિક્સ અને થોમસ કમ ચેમ્પિયનશિપમાં સામેલ ખેલાડીઓ દ્વારા ભેટમાં મળેલા સ્મૃતિચિહ્નો પણ હરાજીમાં રાખવામાં આવ્યા છે.

હવે જો આપને સવાલ થશે કે આ હરાજીમાંથી આવતા પૈસાનું શું થતું હશે તો જવાબ છે કે આ પૈસા નમામિ ગંગે કાર્યક્રમમાં વાપરવામાં આવે છે. નમામી ગંગે કાર્યક્રમ જૂન 2014માં શરૂ થયો હતો. આ કાર્યક્રમ 20 હજાર કરોડ રૂપિયાથી શરૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ ગંગા નદીની સ્વચ્છતાનો છે.
દરેક વખતે વડાપ્રધાન મોદીને મળેલી ભેટોની હરાજીમાંથી જે પૈસા આવે છે તેનો ઉપયોગ ગંગાની સફાઈ માટે કરવામાં આવે છે. આ ચોથી વખત છે જ્યારે વડાપ્રધાન મોદીને મળેલી ભેટોની હરાજી કરવામાં આવી હતી. પ્રથમ હરાજી 2019 માં યોજવામાં આવી હતી. જ્યારે 1,805 ભેટો બિડિંગ માટે મૂકવામાં આવી હતી. 2020માં બીજી વખત અને 2021માં ત્રીજી વખત હરાજી થઈ હતી. બીજા રાઉન્ડમાં 2,772 અને ત્રીજા રાઉન્ડમાં 1,348 ભેટોની હરાજી કરવામાં આવી હતી.

ગંગા નદીના સ્વાસ્થ્યને સુધારવા માટે જૂન 2014માં નમામી ગંગે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે 28 જુલાઈએ સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ હેઠળ 374 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. તેમની કિંમત 31,098 કરોડ રૂપિયાથી વધુ છે. અત્યાર સુધીમાં 210 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં રૂ. 24,581 કરોડના 161 સીવરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત 5,134 કિમી સીવરેજ નેટવર્ક લાઇન નાખવામાં આવશે. જેથી દરરોજ 500 કરોડ લીટર ગંદા પાણીનો નિકાલ થઈ શકે. 161માંથી 92 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. આ સિવાય અત્યાર સુધી યુપી, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની સરકારોએ આ કાર્યક્રમ હેઠળ 30 હજાર હેક્ટરથી વધુ જમીન પર વૃક્ષારોપણ કર્યું છે. તેમજ ગંગા નદીમાં 56 લાખથી વધુ મત્સ્યબીજ નાખવામાં આવ્યા છે. તેમજ 930 કાચબા છોડવામાં આવ્યા છે.

Most Popular

To Top