Columns

આપણી ગાગર ને સાગર પાસે તો….

મનુષ્ય તરીકે આપણે પ્રથમ પણ નથી અને અંતિમ પણ નથી પણ આપણી ગઈકાલ અને આવતીકાલ વચ્ચેના વર્તમાનને – જીવનસાગરને સંકુચિત દૃષ્ટિની ગાગરમાં ભરવાનો પ્રયત્ન કરી કંઈક કર્યાનો આત્મસંતોષ લેવાની વૃત્તિમાં રાચીએ છીએ. મહદઅંશે આપણે આપણા હૃદયને નામે વ્યાપાર કરીએ છીએ પણ હૃદયને વ્યાપક બનાવવાનું આપણે શીખ્યા નથી. કદાચ કોઈ વાર ભૂલેચૂકે અંતરનું અમૃત હાથ લાગી જાય ત્યારે આપણે આપણી મૂઠ્ઠી જેવડા સ્વાર્થ માટે એ અમૃતને વિષ બનાવી રેલાવતા અચકાતા નથી.

આ જ આપણી ગાગર દૃષ્ટિ છે. શું આપણે સતત ક્ષતિરેખામાં જીવીને, સંકુચિત સરહદોમાં સત્યને પૂરીને, વ્યર્થના ફેરા ફર્યા કરીશું? ગાગરમાં સાગરને સમાવવાનો મિથ્યા પ્રયત્ન કરીશું?આપણે જીવાત્માઓ ગાગર સમાન છીએ અને પરમપિતા પરમાત્મા સાગર સમાન છે અને તેથી જ આપણે ગાઇએ છીએ, ‘તું પ્યારકા સાગર હૈ. તેરી એક બુંદ કે પ્યાસે હમ.’ જેને પ્રેમના સાગર ભગવાન પોતે છોડી દે એને આ જગતની કોઈ તાકાત ડૂબતાં બચાવી ન શકે અને જે ભગવાનના હાથમાં હોય એને કોઈ તાકાત કયારેય ના ડૂબાડી શકે.

આ વાતને આપણે દષ્ટાંતથી સમજીએ. રામાયણમાં એક સુંદર પ્રસંગ આવે છે. ભગવાન રામ સીતાને મેળવવા માટે જ્યારે લંકા જવા માટે સમુદ્ર પર પુલ બાંધવાનું કામ આરંભે છે, ત્યારે નલ અને નીલ નામના બે વાનરને પથ્થરનો પુલ બનાવવા માટેની મુખ્ય જવાબદારી સોપવામાં આવે છે. કથા એવી છે કે નલ અને નીલ કોઈ પણ વસ્તુ પાણીમાં નાંખે તો એ બધી જ વસ્તુ ડૂબવાને બદલે એ પથ્થર પાણીમાં તરવા લાગે અને એ રીતે પુલ આગળ વધે. ભગવાન રામ આ બધું જોઈ રહ્યા છે. એ વિચારવા લાગ્યા કે આ બધા વાનરો કેટલો બધો શ્રમ કરે છે.

રાત – દિવસ એક કરીને પણ એ પુલ બનાવવાના કાર્યમાં લાગ્યા છે. મારે પણ આ લોકોને કંઈક મદદ કરવી જોઈએ. એક વાર વિશ્રાંતિના સમયે ભગવાન રામચંદ્રજીએ કોઈ ન જુએ એ રીતે એક પથ્થર ઉપાડીને પાણીમાં નાંખ્યો. તો એ પથ્થર તરત જ ડૂબી ગયો. બીજો પથ્થર નાંખ્યો તો એ પણ ડૂબી ગયો. હનુમાનજી એક શિલાની પાછળ છુપાઈને આ જોઈ રહ્યા હતા. પ્રભુએ ખૂબ પ્રયાસ કર્યા પણ કોઈ પથ્થર તરે નહીં. ભગવાને પાછળ જોયું અને એણે હનુમાનજીને જોયા એટલે ભગવાન થોડું શરમાઈ ગયા.

હનુમાનજીએ હાથ જોડીને ભગવાનને કહ્યું, ‘પ્રભુ હું કયારનો આપને પાણીમાં પથ્થર નાંખતા  જોઈ રહયો હતો.’ ભગવાને થોડા સંકોચ સાથે હનુમાનજીને કહયું, ‘હનુમાન, મને એ નથી સમજાતું કે આવું કેમ થાય છે? મેં નાંખેલા પથ્થર કેમ તરતા નથી?’ હનુમાનજીએ વિનમ્ર ભાવે કહયું, ‘ પ્રભુ, જેને આપ છોડી દો એ કેવી રીતે તરી શકે? જે આપણા હાથમાંથી જાય એ ડૂબ્યા સિવાય કેવી રીતે રહી શકે? આપણે જીવાત્મારૂપી ગાગરે તરવા માટે બધા વાનર દૂર દૂરથી પથ્થર લાવી, શાંતિના સાગર પરમાત્માના હાથમાં રહીશું ત્યાં સુધી આપણી ગાગર કયારેય ડૂબશે નહીં.’ ગાગરરૂપી જીવન એવું તો ગહન અને વ્યાપક છે. અગણિત સંખ્યા જ્યારે એને અનેક મુખે, અનેક વાત કરે, ત્યારે એવી ક્ષુલ્લકતા – સામાન્યતામાં સરી જવું એ આત્મનાશનો જ એક માર્ગ છે. વિવેકશીલ માનવી તો ક્ષણજીવી વંટોળિયાની નોંધ પણ લીધા વિના જીવનરૂપી ગાગર ને પરમાત્માના સાગરમાર્ગે ચાલ્યો જ જશે.

આપણને મહાન કહેવડાવવાનું ગમે છે પણ આપણે તો ગાગરમાં જ આપણા અંતરના આપણા વકીલને આપણે સત્યવાન છીએ એવું સાબિત કરવાનું સોંપી દઈ અવાજને પૂરીને નિશ્ચિંત બની જઈએ. એ પણ આપણને ખબર નથી કે સત્ય સાંકડા મોંઢામાં તો પ્રવેશી પણ શકતું નથી તો પછી એને ગાગરમાં પૂરી કયાંથી શકાય? મિત્રો, ચાલો આપણી ગાગરને પરમાત્મા સાગર પાસેથી શકિત અને ગુણોથી ભરી દઈએ અને સાચી શાંતિનો અનુભવ કરીએ અને એવો અનુભવ આપણા પરિવારને પણ કરાવવા માટે પ્રેરણા સ્ત્રોત બનીએ. એવી શુભ ભાવના અને શુભ કામના સાથે …..ઓમ શાંતિ…

Most Popular

To Top