Charchapatra

શું લોકસભાની 26 બેઠકો, ભા.જ.પ.ની જાગીર છે?

2024ની લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને ભાજપ માઈક્રો-પ્લાનિંગ કરી રહી છે. 2014 અને 2019 આ બંને ચૂંટણીમાં ભાજપે ગુજરાતની 26 બેઠકો જીતી હતી. હવે 2024 માં પણ ભાજપ 26 બેઠકો, કબ્જે કરશે અને બધી બેઠકો પાંચ લાખ મતોની સરસાઈથી જીતશે તેવો પડકાર ગુજરાતના ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ફેંકયો છે. તો શું ગુજરાતની લોકસભાની 26 બેઠકો પર ભાજપની જાગીર છે? કર્ણાટકની ચૂંટણીમાં ભાજપના બૂરા હાલ થયા હતા. સત્તા ગુમાવવી પડી અને કર્ણાટકમાં કોંગ્રેસે સરકાર બનાવી છે. ભાજપે કર્ણાટકમાં પછડાટ ખાધા પછી હવે કાચું કાપવા માંગતી નથી. કદાચ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 12 થી 15 સાંસદોને પડતા મૂકવામાં આવશે તેવા અહેવાલો વહેતા થયા છે.

નેશનલ લેવલે I.N.D.I.A. વિપક્ષી ગઠબંધન રચાયું છે તેની સામે N.D.A. એ મુકાબલો કરવાનો છે. ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. અને હજી કઇ બેઠકો પર સમજૂતી થાય તે નક્કી નથી થયું. પરંતુ હાઈકમાન્ડે ગુજરાતના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ જેવા બાહોશ નેતાને કમાન સોંપી છે. પ્રભારી તરીકે મુકુલ વાસનિકને મુકાયા છે. આ બધાં પરિબળો જોતાં ભાજપ માટે 26 બેઠકો જીતવી આસાન નથી. આપ અને કોંગ્રેસ સર્વસંમતિથી સક્ષમ ઉમેદવારો ઉતારે તો ભાજપ માટે ઘણી બેઠકો માટે કપરાં ચઢાણ સાબિત થાય તેમ લાગે છે. ભાજપે પણ બહુ આત્મવિશ્વાસમાં રહેવા જેવું નથી. કેમકે દુશ્મનને કદી કમજોર ન સમજવો જોઇએ. ભાજપના અસંતુષ્ટો ભાજપને હરાવે તો નવાઈ નહીં.
તરસાડા  – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top