Dakshin Gujarat

પિતા બાદ દીકરીની લાશ ઘરે આવી, માતા પર આભ તૂટી પડ્યું, ગામ હીંબકે ચઢ્યું

સુરત (Surat): પિયર ગયેલી પત્નીને પરત લેવા દીકરી સાથે જતા પિતાની બાઈક સોનગઢના ડોલારા ગામ નજીક ઝાડ સાથે ટકરાતા પિતાનું મોત નિપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં પિતા બાદ દીકરીનું પણ મૃત્યુ થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. આ અકસ્માત કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

  • સોનગઢ અકસ્માત :પિતા બાદ માસુમ દીકરીનું મોત, પરિવાર આઘાતમાં
  • પિતા સાથે દીકરી કાજલ પિયર ગયેલી માતા ને તેડવા જતી હતી : પોલીસે તપાસ હાથ ધરી

રવીન્દ્રભાઈ (મૃતક વિનેશભાઈના બનેવી) એ જણાવ્યું હતું કે વિનેશભાઈ વાસમાંથી ઘર વપરાશની વસ્તુઓ બનાવતા હતા. બે દીકરીઓના પિતા હતા. પિયર કામકાજ માટે ગયેલી પત્નીને તેડવા મોટી દીકરી કાજલ સાથે બાઇક પર નીકળ્યા હતા. ગઈ તા. 31મી ઓગસ્ટના રોજ સવારે ડોલારા ગામ નજીક બાઇક એક ઝાડ સાથે અચાનક ભટકાઈ જતા વીનેશભાઈનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જયારે કાજલ ગંભીર રીતે ઘાયલ થતા વ્યારા બાદ સુરત સિવિલ રીફર કરવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે ટૂંકી સારવાર બાદ કાજલનું પણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ બાદ કોટવાડિયા પરીવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રાત્રિ પોસ્ટ મોર્ટમ બાદ કાજલના મૃતદેહ ને પણ ગામ લઈ જવાયો હતો. બે દિવસ સતત અંતિમ વિધિ કરવા મજબુર બન્યા હતા. પહેલા પિતાની અને ત્યાર બાદ દીકરીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા. હાલ ઘટનાને લઈ પોલીસ તપાસ ચાલી રહી છે. કોટવાડિયા પરિવાર ઘટનાને લઈ આઘાતમાં સરી ગયું છે. કાજલ ધોરણ-6માં અભ્યાસ કરતી હતી.

નવસારીમાં નશાબાજ NRI કારચાલકે બે કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધાં
નવસારી : નવસારીમાં એક એન.આર.આઈ. યુવાને દારૂના નશામાં ધુત થઈને કાર ચલાવતા પાર્ક કરેલી બે કાર અને ત્રણ બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત ખત્રીવાડ નજીક રાત્રે બેએક વાગ્યાના સુમારે તયો હતો. ધડાકાભેર અકસ્માત થતા સ્થાનિકોનું ટોળું જમા થઈ ગયું હતું. એન.આર.આઈ.ની કારમાંથી બિયરની ખાલી ટીન મળી આવી હતી. આ બાબતે સ્થાનિકોએ નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે એન.આર.આઈ. નિશાન ઝવેરી (ઉ.વ. 23) નામના ઇસમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જો કે આ અકસ્માત દરમિયાન રસ્તા પર કોઈ ન હોવાથી જાનહાની થઈ ન હતી.

Most Popular

To Top