SURAT

“આપના આક્ષેપો ખોટા છે”: વળતી પ્રતિક્રિયા આપતા સુરત APMCના ચેરમેન

સુરત: સુરત એપીએમસી (Surat APMC)માં વસુલાતા કમિશન (Commission) એજન્ટોના દર અને મજૂરીના દરને લઇ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પત્રકાર પરિષદ (Press conference)માં કરવામાં આવેલા આક્ષેપો અંગે વળતી પ્રતિક્રિયા આપતા સુરત એપીએમસીના ચેરમેન (Chairman) રમણ જાની (Raman jani) (પટેલ)એ પત્રકારોને જણાવ્યું હતું કે આપના નગર સેવક ધર્મેન્દ્ર વાવલિયાએ કરેલા આક્ષેપો ખોટા અને અધૂરી માહિતીવાળા છે. ભારતની કોઇ પણ એપીએમસી કરતા સૌથી ઓછો એટલે કે પાંચ ટકા કમિશન દર સુરત એપીએમસીમાં કમિશન એજન્ટો દ્વારા લેવામાં આવે છે. જ્યારે પ્રતિ દાગીના દીઠ 1.50 રૂપિયા મજૂરીનો દર પણ સુરતમાં લેવામાં આવે છે. પરંતુ આપની જ્યાં દિલ્હીમાં કેજરીવાલની સરકાર છે ત્યાં દિલ્હીની મંડીમાં 7 ટકા કમિશન અને 10 રૂપિયા મજૂરીનો દર છે.

ઓખલા મંડીમાં છ ટકા કમિશન અને 10 રૂપિયા મજૂરીદર, આઝાદપુર મંડીમાં 7 ટકા કમિશન અને 10 રૂપિયા દાગીના દીઠ મજૂરીનો દર ઉઘરાવવામા આવી રહ્યો છે. આ ઉઘરાણા આપના ક્યા આગેવાનો કરે છે. તે જાહેર થવો જોઇએ. સુરત એપીએમસીમાં કામ કરતા હમાલ, કાર્ટિંગ એજન્ટ, જનરલ કમિશન એજન્ટ અને વેપારીઓને લાઇસન્સની આધારે અનેક નિયંત્રણો સાથે મજૂરી આપવામાં આવે છે. નિયમં ભંગ કરનારના લાઇસન્સ રદ કરી માર્કેટ યાર્ડમાંથી દૂર કરવાના પગલા લેવામાં આવે છે.

માર્કેટ યાર્ડમાં 8 ટકા કમિશન લેવામાં આવતુ હોવાનો આરોપ ખોટો છે. એપીએમસીના વાઇસ ચેરમેન સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડમાં કોઇ રાજકીય હસ્તક્ષેપ ચલાવી લેવામાં આવતો નથી. સુરત એપીએમસીના પારદર્શક વહીવટને લીધે છેક હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી કરોડોની કિમતનુ શાકભાજી વેચાણ માટે આવેછે. તે થકી સુરત શહેરના હજારો લારીઅને પાથરણાવાળાઓને રોજગારી મળે છે.

માર્કેટના નોટિફાઇડ ઝોનમાં ગેરકાયદે પ્રવેશ કરનારા આપના આગેવાનો સામે ફોજદારી કરાશે: એપીએમસી

રવિવારે માર્કેટ યાર્ડની વહીવટી કચેરી રજાના દિવસે બંધ હતી. જવાબદાર અધિકારીઓ અને ઇન્સપેક્ટરો રજા પર હતા તેવા સમયનો લાભ લઇ આપના આગેવાનો અને કાર્યકરોએ કમિશન એજન્ટોને વધુ કમિશન લેવાના નામે ઉશ્કેરી માર્કેટ યાર્ડના નોટિફાઇડ એરિયામાં ગેરકાયદે બિનઅધિકૃત પ્રવેશ કર્યો હતો. તેઓ સામે પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવશે. તે ઉપરાંત માર્કેટની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા બદલ કોર્ટ કેસની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Most Popular

To Top