Dakshin Gujarat

અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળામાં એસટી બસ ફસાતા ટ્રેક્ટરની મદદથી મુસાફરોના જીવ બચાવાયા

અંકલેશ્વર: સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat) માં આ વર્ષે મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. અંકલેશ્વર (Ankleshwar)માં બુધવારની સમી સાંજે વરસાદે જોર વધારતાં એવું લાગતું હતું જાણે વાદળ ફાટ્યું. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી.

ભારે વરસાદના લીધે અહીંની આમલાખાડીમાં પાણીનો ભરાવો થતાં તે ઓવરફલો થઈ હતી. ખાડીનું પાણી રસ્તા પર આવતા ઠેરઠેર પાણી ભરાયા હતા. ખાડીના પાણી પીરામણ ગામના ગરનાળામાં ભરાયા હોવાથી તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. અહીં વધુ પ્રમાણમાં પાણી ભરાતા એક એસટી બસ (ST Bus) ફસાઈ ગઈ હતી. જેમાં ફસાયેલા મુસાફરોને સ્થાનિકોની મદદથી ટ્રેક્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, શીનોયથી અંકલેશ્વર ડેપોમાં મુસાફરો ભરીને જતી બસ પીરામણ ગરનાળે ફસાઈ ગઈ હતી. જો કે મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગર પાલિકાના સભ્ય નિલેશ પટેલ સહિત રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પીરામણ ગરનાળે પહોંચી પાલિકા સભ્યએ પોતે ટ્રેકટરમાં બેસીને ધસમસતા નીરમાં જઈ બસના મુસાફરોને સહી સલામત કાઢ્યા હતા. મુસાફરોએ સલામત બહાર આવતા રાહતનો શ્વાસ લીધો હતો.

અંકલેશ્વર પંથકમાં બુધવારે સાંજના સમયે શરૂ થયેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જાહેર માર્ગો પાણીથી ભરાયેલા હોવાથી જો કોઈ વાહનચાલક કાળજી ન રાખે તો ક્યારેક દુર્ઘટના બની શકે એમ હતી. પાણી ભરાવાના કારણે માર્ગો પર લાંબી કતારો લાગી ગઈ હતી. બુધવારે કોસમડી ગામે માર્ગ પર પાણીના ભરાવાના કારણે એક કાર ફસાઈ ગઈ હતી. જેને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

રાજ્યમાં સિઝનનો 65 ટકાથી વધુ વરસાદ
હજુ જુલાઈ મહિનો પૂર્ણ થવામાં 10 દિવસનો સમય છે. તેના પહેલાં જ ગુજરાત રાજ્યમાં આ વર્ષે સિઝનનો 65 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. બુધવારે રાજ્યના 160થી વધુ તાલુકાઓમાં વરસાદે હાજરી આપી હતી. રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ અને જામનગર તો બીજી બાજૂ દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, દમણ, ઉમરગામમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આજે પણ હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વર્તાઈ છે.

Most Popular

To Top