National

મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવાઇ, પીએમ મોદીએ ગુસ્સો વ્યક્ત કર્યો

નવી દિલ્હી: મણિપુરથી (Manipur) એક ઘૃણાસ્પદ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં (Viral Video) બે મહિલાઓને નગ્ન કરી હિંસક લોકોના ટોળાએ પરેડ (Parade) કરાવી હતી. એટલું જ નહિ તેમની સાથે સામૂહિક બળાત્કાર (Gang Rape) પણ થયો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો 4 મેનો છે. તેમજ આ બંને મહિલાઓ કુકી સમુદાયની છે. જે એેક ટ્રાઇબલ જાતિ છે. આ ઘટના વિરૂદ્ધ આદિવાસી સંગઠન ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પીએમ મોદીએ ચોમાસુ સત્રની શરૂઆત પહેલા આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.

આ ઘટના મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 35 કિમી દૂર કાંગપોકપી જિલ્લામાં બની હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે નોંધેલી ફરિયાદ પ્રમાણે આ ગામામાં ચોથી મેના રોજ બપોરે ત્રણ વાગ્યે આશરે 800થી 1000 મેઇતેઇ લોકોના ટોળાએ કાંગપોકપી જિલ્લાના એક ગામમાં ઘૂસીને ઘરોમાં લૂંટફાટ કરી હતી. તેમજ આ બંને મહિલાઓને પર સામૂહિક બળાત્કાર ગુજારી તેમને નગ્ન કરી પરેડ કરાવી હતી. પોલીસે જણાવ્યું કે અજાણ્યા સશસ્ત્ર બદમાશો વિરુદ્ધ નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં અપહરણ, ગેંગ રેપ અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગુરુવારે સવારે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી.

ITLFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વાયરલ વીડિયોમાં બે મહિલાઓને એક ટોળા દ્વારા મેદાનમાં નગ્ન અવસ્થામાં પરેડ કરતી જોવા મળી રહી છે. આ ઘૃણાસ્પદ ઘટના 4 મેના રોજ કાંગપોકપી જિલ્લામાં બની હતી. કેટલાક લોકો આ મહિલાઓની સતત છેડતી કરતા જોવા મળે છે. વીડિયોમાં મહિલાઓને રડતી અને તેમને જવા દેવાની વિનંતી કરતી જોઈ શકાય છે. ITLFએ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય આયોગને આ મામલે કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ITLFએ વધુમાં કહ્યું કે આરોપીઓએ આ નિર્દોષ મહિલાઓ દ્વારા સહન કરવામાં આવતી ભયાનક યાતનાઓને પ્રોત્સાહન આપવા માટે વીડિયો શેર કર્યો છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

વડાપ્રધાને સંસદ ભવનના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ આ મામલે કહ્યું કે મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. બીજા કેટલા ગુનેગાર છે, તેઓ પોતાની જગ્યાએ છે પરંતુ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે આકરાં પગલાં લેવામાં આવે.

Most Popular

To Top