World

નેન્સી પેલોસી તાઈવાન પહોંચતા જ ડ્રેગન ભડ્કયું, Su-35 ફાઈટર પ્લેન અને ટેન્કો મોકલ્યા

નવી દિલ્હી: ચીન (China) અને અમેરિકા (America) ફરી એકવાર તાઈવાનને (Taiwan) લઈને આમને-સામને આવી ગયા છે. ચીનની ધમકીઓ (Threat) પછી પણ યુએસ (US) હાઉસ સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પહોંચી ગયા છે. ચીને પેલોસીની તાઈવાન મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો છે. ચીનનું કહેવું છે કે અમેરિકાએ જડબાતોડ જવાબ માટે તૈયાર રહેવું પડશે. જણાવી દઈએ કે નેન્સી પેલોસી સિંગાપોર, મલેશિયા, દક્ષિણ કોરિયા અને જાપાનના પ્રવાસે છે. તાઈવાન એરપોર્ટ પર તેમનું વિમાન ઉતરતાની સાથે જ ચીન રોષે ભરાઈ ગયું છે. ચીનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા ખતરનાક જુગાર રમી રહ્યું છે અને હવે તેના ભયંકર પરિણામોની જવાબદારી પણ અમેરિકાએ જ લેવી પડશે.

મળતી માહિતી મુજબ સ્પીકર પેલોસીનું એરફોર્સનું વિમાન તાઈપેઈની નજીક પહોંચ્યું ત્યારે ચીની એરફોર્સના Su-35 ફાઈટર જેટ તાઈવાનના જળક્ષેત્રને પાર કરી રહ્યા હતા. પેલોસીની ફ્લાઇટને સુરક્ષા પૂરી પાડવા માટે આઠ યુએસ એફ-15 ફાઇટર જેટ અને પાંચ ટેન્કર એરક્રાફ્ટ જાપાનના ઓકિનાવા ખાતેના યુએસ બેઝ પરથી ઉડાન ભરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેલોસીની સુરક્ષા માટે તાઈવાન લઈ જતા વિમાનમાં ચીન જો કોઈ પણ રીતે હસ્તક્ષેપ કરે કે તેમને નુકશાન પહોંચાડવાની કોશિશ કરે તો આવી સ્થિતિમાં યુએસ એરફોર્સને ગોળીબાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકાએ તાઇવાનની પૂર્વમાં ચાર યુદ્ધ જહાજો અને એક એરક્રાફ્ટ કેરિયર તૈનાત કર્યા હતા જેને યુએસ નેવીએ નિયમિત જમાવટ તરીકે વર્ણવ્યું હતું. અગાઉ યુએસએ તેના બે એરક્રાફ્ટ કેરિયર, ડઝનેક યુદ્ધ જહાજ અને ત્રણ સબમરીન તાઈવાન સરહદની નજીક મોકલ્યા હતા. ચીને પણ તાઇવાન તરફ ઘાતક યુદ્ધ જહાજ અને ફાઇટર જેટ પણ મોટા પાયા પર તૈનાત કર્યા છે.

જણાવી દઈએ કે 25 વર્ષ પછી અમેરિકી સરકારનો અધિકારી તાઈવાન ગયો છે. અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ફોન પર વાત કરી હતી. આ ફોન પર જિનપિંગે બિડેનને કહ્યું કે અમેરિકાએ ‘વન-ચીન પ્રિન્સિપલ’નું પાલન કરવું જોઈએ. ચીને ધમકી આપતા કહ્યું હતું કે, ‘જે લોકો આગ સાથે રમે છે, તે પોતે જ બળી જાય છે.’ બિડેને તેનો જવાબ આપતા કહ્યું કે અમેરિકાએ તાઈવાન અંગેની તેની નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તાઈવાનમાં શાંતિ અને સ્થિરતાને નબળી પાડવાના એકપક્ષીય પ્રયાસોનો તેઓ સખત વિરોધ કરે છે.

તાઈવાન અને ચીન વચ્ચેનું યુદ્ધ ઘણું જૂનું
તાઈવાન અને ચીન વચ્ચેનું યુદ્ધ ઘણું જૂનું છે. 1949 માં, કોમ્યુનિસ્ટ પાર્ટીએ સિવિલ વોર જીત્યું હતું. ત્યારથી બંને ભાગો પોતાને એક દેશ માને છે પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વનું નેતૃત્વ કઈ સરકાર કરશે તે અંગે વિવાદ ચાલી રહ્યો છે. ચીન તાઈવાનને પોતાનો પ્રાંત માને છે જ્યારે તાઈવાન પોતાને એક સ્વતંત્ર દેશ માને છે. બીજા વિશ્વ યુદ્ધ પછી બંને દેશ વચ્ચે અણબનાવ શરૂ થયા હતા. તે સમયે ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી અને કુઓમિન્ટાંગ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. 1940માં માઓ ઝેડોંગના નેતૃત્વ હેઠળના સામ્યવાદીઓએ કુઓમિન્ટાંગ પાર્ટીને હરાવ્યો હતો. હાર બાદ કુઓમિન્તાંગના લોકો તાઇવાન આવ્યા હતા. તે જ વર્ષે ચીનનું નામ બદલીને ‘પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના’ અને તાઈવાનનું નામ ‘રિપબ્લિક ઓફ ચાઈના’ રાખવામાં આવ્યું. ચીન તાઈવાનને પોતાનો પ્રાંત માને છે અને માને છે કે એક દિવસ તાઈવાન તેનો ભાગ બની જશે. જયારે તાઇવાન પોતાને એક સ્વતંત્ર દેશ માને છે. તાઈવાનને પોતાનું બંધારણ છે અને ચૂંટાયેલી સરકાર છે. તાઇવાન એ ચીનના દક્ષિણપૂર્વ કિનારે લગભગ 100 માઇલ દૂર એક ટાપુ છે. હાલમાં વિશ્વના માત્ર 13 દેશો તાઈવાનને એક અલગ સાર્વભૌમ અને સ્વતંત્ર દેશ માને છે.

તાઈવાને આશ્રયસ્થાનો બનાવવાનું શરૂ કરી દીધું
ચીનની ધમકીઓને જોતા તાઈવાને આશ્રયસ્થાનો બનાવવાનું શરૂ કરી દીધું છે. આ માટે અંડરગ્રાઉન્ડ કાર પાર્કિંગ, સબવે સિસ્ટમ અને અંડરગ્રાઉન્ડ શોપિંગ સેન્ટરને શેલ્ટર હોમમાં બદલવામાં આવી રહ્યા છે. લોકોને તાલીમ પણ આપવામાં આવી રહી છે. જેથી કરીને જો સ્થિતિ વધુ બગડે અને ચીન હવાઈ હુમલો કરે તો લોકો આવીને આશ્રયસ્થાનમાં છુપાઈ શકે. તાઈવાનની રાજધાની તાઈપેઈમાં આવા 4,600 થી વધુ આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે, જ્યાં 12 મિલિયનથી વધુ લોકો રહી શકે છે.

Most Popular

To Top