Entertainment

સિરિયલો બાદ હવે ફિલ્મોની આકાંક્ષા

ટી.વી. સિરીયલોમાં કામ કરતાં દરેક કળાકાર એવું માનતા હોય છે કે અમે તો ફિલ્મોમાં જવા માટે જ સિરીયલોમાં છે. ઘણાની ઇચ્છા ફળે પણ છે. ફિલ્મોમાં આવ્યા પછી આગળ ન વધી શકાય તો ફરી ટી.વી. સિરીયલો છે જ અને વેબસિરીઝનું ય પ્રમોશન મળી શકે છે. આકાંક્ષાસીંઘ દશેક વર્ષ પહેલાં ‘બાલિકા વધુ’માં બેએક એપિસોડ પૂરતી દેખાયેલી. તેમાં તેનું નામ મેઘા હતું અને પછી ‘ના બોલે તુમ ના મૈને કુછ કહા’નાં મેઘા વ્યાસ તરીકે આવી. એ ૩૫૭ એપિસોડવાળી સિરીયલ હતી એટલે તે ખરેખર અર્થમાં જામી ગઇ. ઘરઘરની થઇ ગઇ. એ સિરીયલે તેને ‘ગુલમોહર ગ્રાન્ડ’ અપાવી જેમાં તે અનાહિતા મહેતા હતી.

પછી ‘એ જિંદગી’માં તે આવી અને જયારે ‘બદ્રીનાથ કી દુલ્હનીયા’ ફિલ્મ બની ત્યારે તેને વરુણ ધવન, આલિયા ભટ્ટ વગેરે સાથે કામ કરવાની તક મળી. ફિલ્મમાં તે ઘણી ફ્રેશ લાગતી હતી. પણ એક ફિલ્મ મળે એટલે તરત બીજે મળે એવું નથી હોતું અને એમ બને તો પછી સાઉથ કયાં દૂર છે? તે તો તરત મુખ્ય હીરોઇન પણ બનાવી દે છે. આકાંક્ષાને એક રોમેન્ટિક લવસ્ટોરીવાળી ફિલ્મ મળી જેનું નામ ‘મલ્લી રાવા’ હતું. એમાં તેનો હીરો સુમંથ હતો. એ ફિલ્મ પછી તરત જ નાગાર્જૂન, નાની સાથેની ‘દેવદાસ’ મળી. સમજો કે તેની ગાડી ચાલી નીકળી અને સુનીલ શેટ્ટી, સુદીપ સાથેની ‘પૈલવાન’ ફિલ્મ તો કન્નડની હતી. કે જે પાંચ ભાષામાં રજૂ થયેલી.

હિન્દી ટી.વી. થી દક્ષિણની ફિલ્મો અને હવે ફરી હિન્દી ફિલ્મો. અત્યારે તે અજય દેવગણ નિર્મિત-દિગ્દર્શીત ‘રનવે ૩૪’ માં કામ કરી રહી છે જેમાં અમિતાભ બચ્ચન, રકુલ પ્રીત સીંઘ પણ છે. આકાંક્ષા હિન્દીમાં ક્મફર્ટ છે કારણકે  તે રાજસ્થાનના જયપુરમાં મોટી થઇ છે. તે આમ તો ફિઝીયો – થેરાપિસ્ટ છે પરંતુ હવે અભિનયને જ કારકિર્દી બનાવી છે એટલે એ બધું બાજુ પર રહી ગયું છે. ‘રનવે ૩૪’ માં તે અજય દેવગણની પત્નીની ભૂમિકા ભજવી રહી છે એટલે બધાની નજરે ચડશે. તે પોતે કહ છે કે મને ખૂબ અગત્યની ભૂમિકા મળી છે અને ફિલ્મનો મુહર્ત શોટ પણ તેના પર જ લેવાયેલો. આ ફિલ્મ ૨૯ એપ્રિલ ૨૦૨૨ માં રજૂ થશે. આકાંક્ષા દક્ષિણની ફિલ્મોથી કપાયા વિના હિન્દીમાં કામ કરી રહી છે.

 ફિલ્મ રજૂ થયા પછી જ નકકી થશે કે હવે તેની દિશા કઇ છે. પણ આકાંક્ષાની બીજી ખાસ વાત એ કે તે ૭ વર્ષ પહેલાં પરણી ચુકી છે. ફિલ્મમાં કારકિર્દી બનાવવા ઇચ્છનારી અભિનેત્રીઓ જલ્દી પરણતી નથી કારણકે નિર્માતા કે સહપુરુષ કળાકારોને પણ તેમાં વાંધો હોય છે. એકાદ-બે લફડા પછી જ લગ્ન થાય પણ આકાંક્ષાએ એવું નથી કર્યું. આ કારણે જો કે તેની પર વધારે ભરોસો પણ કર શકાય. આકાંક્ષા માને છે કે લગ્ન તેની અંગત બાબત છે એટલે તેના વિશે કોઇ ટિપ્પણની જરૂર નથી. ફિલ્મમાં પર્ફોમન્સ બાબતે કોઇ કશું કહે તો તે સાંભળવા તૈયાર છે.

Most Popular

To Top