Entertainment

સાઉથ સ્ટાર રામચરણના પગલા બોલિવુડ તરફ

સાઉથના સ્ટાર્સ એટલી ધક્કામુક્કી કરી રહ્યા છે કે તેમની છૂટકે નાછૂટકે ચર્ચા કરવી જ પડે. એસ.એસ. રાજામોલીની સાડાપાંચસો કરોડના ખર્ચે બનેલી ‘આરઆરઆર’ એટલે કે ‘રાઈઝ રોર રિવોલ્ટ’ ફિલ્મના બે મુખ્ય સ્ટારમાં એક રામચરણ છે. રાજામૌલીએ ‘બાહુબલી’થી પ્રભાસને મોટા સ્ટાર્સનો દરજ્જો આપી દીધો છે ને હવે રામચરણ અને એન.ટી.રામારાવ જુનિયરનો વારો છે. રામચરણ આ પહેલા રાજામૌલીની ‘મગાધીરા’નો પણ હીરો હતો. તેને ગ્રાન્ડ લેવલ પર બનતી ફિલ્મો માટે પર્ફેક્ટ સ્ટાર માનવામાં આવે છે. એટલે કે રજનીકાંત, કમલહાસનની જગ્યા પુરે તેવો છે. રામચરણના પિતા ચિરંજીવી સાઉથના મોટા સ્ટાર રહી ચૂક્યા છે અને આ સ્ટારડમને તે આગળ વધારી રહ્યો છે. તેલુગુ ફિલ્મોમાં તે એવો સ્ટાર છે જે સૌથી વધુ ફી વસુલતો હોય.

ચરણજીત તેની પહેલી ફિલ્મથી જ મોટો સ્ટાર છે કારણકે જે ‘ચિરુથા’ તેની પહેલી ફિલ્મ હતી તે જરબદસ્ત સફળ રહેલી. એ ફિલ્મનો દિગ્દર્શક પુરી જગન્નાથ હતો. ફિલ્મમાં તેના મા-બાપની હત્યા ગેંગસ્ટર વડે થાય છે અને પછી તે પૂરી ઝનૂનથી બદલો લે છે. આ ફિલ્મ 708 સ્ક્રિન પર દર્શાવાયેલી. પહેલા જ અઠવાડિયે તે 12 કરોડ કમાયેલી. પછી ‘મગધીરા’ તો તેલુગુમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનેલી. ત્યાર પછી ‘રાચા’ આવેલી જેમાં તેની હીરોઈન તમન્ના હતી, ‘નાયક’માં કાજલ અગ્રવાલ ‘યેવાડુ’માં શ્રુતિહાસન, એમી જેકસન, ‘ધ્રુવ’માં રકુલ પ્રીત સિંઘને અરવિંદ સ્વામી તો ‘રંગ સ્થલમ’માં સમેન્થા અક્કીનેની. આ ફિલ્મના અભિનય માટે તેને ઘણા એવોર્ડ મળેલા.

રામચરણનું આખું નામ કોનિડલા રામચરણ તેની છે અને 2016માં તે જાતે નિર્માતા બન્યો ત્યારે બેનરનું નામ કોનિડેલા પ્રોડકશન કંપની રાખેલું. નિર્માતા તરીકે તેણે ‘ખિલાડી નં.150’ અને ‘સાય રા નરિસંહા રેડ્ડી’ બનાવી છે અને તેની ‘આચાર્ય’ આ ફેબ્રુઆરીમાં રજૂ થવાની છે જેમાં તેના પિતા ચિરંજીવી મુખ્ય ભૂમિકામાં છેને અલબત્ત રામચરણ પોતે કાજલ અગ્રવાલ, પૂજા હેગડે સાથે છે. 2023માં તેની ‘ગોડફાધર’ આવશે જેનાં પણ ચિરંજીવી ને નયનતારા છે. રામચરણની ‘બ્રુસલી-ધ ફાઈટર’, ‘મગાધીરા’, ‘યેવાડુ’, ‘ગોવિંદુદુ અંદારીવેડલે’, ‘નાયક’, ‘રાચા’, ‘ચીરુથા’, ‘ધ્રુવ’ હિન્દી ડબ્ડ વર્ઝનમાં આવી ચૂકી છે. એટલે પ્રેક્ષકો તેનાથી અજાણ પણ નથી પણ ‘આરઆરઆર’ હિન્દી સહિત અન્ય પાંચ ભાષામાં રજૂ થવાની છે એટલે રામ ચરણનું સ્ટાર તરીકેનું કદ વધુ મોટું થઈ જશે.

જો આ ફિલ્મ હિન્દીમાં સફળતાને વરશે તો ‘આચાર્ય’ પણ હિન્દીમાં રજૂ થશે અને ત્યાર પછીની ‘આરસી15’નો દિગ્દર્શક તો એસ. શંકર છે જેની ‘ઈન્ડિયન’, ‘જીન્સ’, ‘2.0’, ‘એંધીરન’, ‘શિવાજી: ધ બોસ’, ‘કધાલન’, જબરદસ્ત સફળ રહી છે.  રામચરણ હવે કદાચ સાઉથના જ પ્રભાસની સીધી સ્પર્ધા કરશે. રામચરણ ‘ઝંઝીર’ની રિમેકમાં આવ્યો હતો ત્યારે સફળ રહ્યો ન હતો. કારણ કે મુકાબલો અમિતાભ બચ્ચન સાથે કરવાનો હતો. હવે તે એવી રિમેક નથી કરતો. બલ્કે એવી ફિલ્મ કરે જેની રિમેક બનાવવા બીજા તૈયાર થાય. રામચરણ માટે તૈયાર રહો. તે નવા રૂપરંગ સાથે આવી ગયો છે.

Most Popular

To Top