Gujarat

અમદાવાદમાં ભારે વરસાદથી હવાઈ સેવા ખોરવાઈ

ખરાબ વાતાવરણને કારણે અનેક ફ્લાઇટ ડાયવર્ટ, 60થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી

ગુજરાતમાં અતિભારે વરસાદ વચ્ચે અમદાવાદમાં ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતાના કારણે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે અનેક ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી, જ્યારે વિવિધ એરલાઇન્સની 60થી વધુ ફ્લાઇટ્સ સમયસર ટેક-ઓફ અથવા લેન્ડિંગ કરી શકી નહોતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સતત વરસી રહેલા વરસાદને કારણે એરપોર્ટ વિસ્તારમાં દૃશ્યતા ઘટી જતાં એર ટ્રાફિક નિયંત્રણ વિભાગે સલામતીને પ્રાથમિકતા આપીને કેટલીક આવતી ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ તરફ મોકલી હતી. અનેક ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ નિર્ધારિત સમય કરતાં મોડી પડી હતી, જેના કારણે મુસાફરોને લાંબા સમય સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી.


એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું કે હવામાનમાં સતત ફેરફારને કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી હતી. કેટલીક ફ્લાઇટ્સને ટેક-ઓફ માટે મંજૂરી મેળવવામાં વિલંબ થયો હતો, જ્યારે લેન્ડિંગ માટે પણ વિમાનોને આકાશમાં થોડો સમય હોલ્ડ પર રાખવા પડ્યા હતા. હવામાન અનુકૂળ બન્યા બાદ જ ફ્લાઇટ્સનું સંચાલન ધીમે ધીમે સામાન્ય કરવામાં આવ્યું હતું. તેમજ ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી માર્ગવ્યવહાર ખોરવાયો હતો. શહેરમાં ટૂંકા સમયમાં ભારે વરસાદ નોંધાતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, જેના કારણે એરપોર્ટ પહોંચવામાં પણ ઘણા મુસાફરોને મુશ્કેલી પડી હતી.

એરલાઇન્સ દ્વારા મુસાફરોને પોતાની ફ્લાઇટનું અપડેટ વેબસાઇટ, મોબાઇલ એપ અથવા કસ્ટમર કેર મારફતે ચકાસીને જ એરપોર્ટ આવવાની સલાહ આપવામાં આવી છે. ખરાબ હવામાનની સ્થિતિમાં ફ્લાઇટના સમયપત્રકમાં છેલ્લી ઘડીએ પણ ફેરફાર થઈ શકે છે, તેથી સમયાંતરે માહિતી મેળવવી જરૂરી હોવાનું જણાવાયું છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં એરપોર્ટ ઓપરેશન પર પણ અસર રહેવાની શક્યતા નકારી શકાય તેમ નથી. એરપોર્ટ સત્તાધીશો અને એરલાઇન્સ સતત હવામાન પર નજર રાખી રહ્યા છે અને મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છે.

Most Popular

To Top