Gujarat

સાબરમતી રિવરફ્રન્ટ પર કાયાકિંગ વોટર એક્ટિવિટી કરી રહેલી યુવતી ડૂબવા લાગી, રેસ્કયુ કરી બચાવી લેવાઈ

અમદાવાદ: ચોમાસાની (Monsoon) ઋતુમાં વાતાવરણ અહલાદય હોય છે. આવા વાતાવરણમાં લોકોને નેચર સાથે રહેવું ગમે છે. જેનાં કારણે લોકો હિલ સ્ટેશન તેમજ એવા સ્થળો કે જ્યાં કુદરતના ખોળે બેસી શકાય તેવા સ્થળોનો સહારો લે છે. આ ઉપરાંત નદી અને તળાવમાં નવા નીર આવતા જ અનેક પ્રકારની વોટર એક્ટિવિટી (Water Activity) પણ કરે છે. ત્યારે ઘણીવાર આવી એક્ટિવિટી ઘાતક પણ સાબિત થાય છે. આવી જ એક ઘટના સાબરમતી નદીમાં થઈ હતી. અમદાવાદની સાબરમતી નદીમાં વોટર એક્ટિવિટી કરનાર એક યુવતી એકાએક પાણીમાં ડૂબવા લાગી હતી જો કે તેનું રેસ્કયુ (Rescue) કરી લેતાં તેને બચાવી લેવામાં આવી હતી.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 1 એપ્રિલથી કાયાકિંગ વોટર સ્પોર્ટસ એક્ટિવિટી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ વચ્ચે એક યુવતી આ એક્ટિવિટી કરવા માટે ગઈ હતી. તેને તમામ પ્રકારનું ગાઈડન્સ આપ્યા પછી બોટમાં બેસાડવામાં આવી હતી. એક્ટિવિટી શરૂ થાય તે પહેલા તેને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યું હતું અને તેની એક્ટિવિટી શરૂ કરાય હતી. આ યુવતીની બોટ નદીમાં વચ્ચે આવી ત્યારે એકાએક તેનું બેલેન્સ છટકી ગયું અને નદીમાં પડી ગઈ હતી. આ યુવતીનું રેસ્કયું કરવામાં આવ્યું હતું અને તેને બચાવી લેવામાં આવી હતી. કાયાકિંગના મેનેજરે આ ઘટના અંગે જાણકારી આપી હતી કે જે યુવતી નદીની વચ્ચે ડૂબવા લાગી હતી જેનું કારણ તેનું વઘુ વજન હતું.

જણાવી દઈએ કે 1 એપ્રિલથી અમદાવાદના રિવરફ્રન્ટ પર કાયા કિંગ વોટર એક્ટિવિટી શરૂ થઈ હતી. અમદાવાદ કાયાકિંગ નામની કંપનીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. કાયાકિંગની વાત કરીએ તો આ એક નાની બોટ હોય છે જેમાં માત્ર એક જણ બેસીને એક્ટિવિટી કરી શકે છે.  એક્ટિવિટી માટે 50 મિનિટનો એક સ્લોટ નક્કી કરવામાં આવ્યો છે. તેમજ એક્ટિવિટી કરનાર 800 મીટરથી 1 કિ.મી સુધીની સફર કરી આનંદ માણી શકે છે. આ એક્ટિવિટી કરતા પહેલા ગાઈડન્સ આપવામાં આવે છે અને પછી જ એક્ટિવિટી કરવા દેવામાં આવે છે. જો આ એક્ટિવિટીમાં ધ્યાન ન રાખવામાં આવે તો અનહોનિ પણ થઈ શકે છે.

Most Popular

To Top