National

શિવસેનાના સંજય રાઉતને કોર્ટે 4 ઓગસ્ટ સુધી ઈડી કસ્ટડીમાં મોકલ્યા

મહારાષ્ટ્ર: શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતની રવિવારે મોડી રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરાયા બાદ આજે તેમને PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પાત્રા ચૉલ જમીન કૌભાંડમાં પૂછપરછ માટે ઈડી દ્વારા સંજય રાઉતના 8 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે રાઉતની 4 દિવસની ઈડી કસ્ટડી મંજૂર કરી છે. હવે આગામી 4 દિવસ સંજય રાઉત ઈડીની કસ્ટડીમાં રહેશે. આ ચાર દિવસ દરમિયાન ઈડી દ્વારા પાત્રા ચૉલ કૌભાંડમાં સંજય રાઉતની સઘન પૂછપરછ કરવામાં આવશે. જણાવી દઈએ કે સંજય રાઉત ધરપકડ વખતે જ કહી ચૂક્યા છે કે તેઓ નિર્દોષ છે. ખોટા પુરાવાના આધારે તેમની ધરપકડ કરાઈ છે, બીજી તરફ રાઉતના વકીલે ઈડીની કાર્યવાહીને રાજનીતિ પ્રેરિત ગણાવી હતી.

EDના વકીલની દલીલ
EDના વકીલે દલીલ કરી હતી કે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રવીણ રાઉતે એક પૈસાનું રોકાણ કર્યું નથી. તપાસમાં ખુલાસો થયો છે કે સંજય અને વર્ષા રાઉતના ખાતામાં 1.6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. રાઉત અને પરિવાર રૂ. 1.6 કરોડના લાભાર્થી હતા. EDના વકીલ એડ હિતેન વેણેગાંવકરે કોર્ટને જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે તે પૈસા (1.6 કરોડ રૂપિયા)માંથી અલીબાગના કિહિમ બીચ પર એક પ્લોટ ખરીદવામાં આવ્યો હતો. સપના પાટકરના નામે પ્લોટ લેવામાં આવ્યો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે પ્રવીણ રાઉત સંજય રાઉતનો ખાસ માણસ હતો. EDના વકીલે દલીલ કરી હતી કે સંજય રાઉતને 4 વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ માત્ર એક જ વાર એજન્સી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સંજય રાઉતે પુરાવા અને મહત્વપૂર્ણ સાક્ષીઓ સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ધરપકડ બાદ તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. એક તકફ ઉદ્ધવ ઠાકરે રાઉતના પરિવારની મુલાકાત લીધી હતી. અને ત્યાર બાદ તેમણે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. પૂર્વ સીએમ ઉદ્ધવે કહ્યું કે દેશમાં બદલાની રાજનીતિ ચાલી રહી છે. આપણે આપણા વિરોધીઓને જવાબ આપવાનો છે. તેઓને બતાવવું પડશે કે આપણે કોણ છીઈએ. વધુમાં તેણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જે તેનો વિરોધ કરે છે તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે, જે નમે છે તે શિવસૈનિક ન હોઈ શકે. બીજી તરફ સંજય રાઉતની ધરપકડ, મોંઘવારી અને જીએસટી જેવા મુદ્દાઓને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. આ મુદ્દે લોકસભામાં પણ હોબાળો થયો હતો. તેના કારણે ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી.

સુનીલ રાઉતે કહ્યું કે…
સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે કહ્યું કે સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ તેમનાથી ડરે છે તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ અમને કોઈ દસ્તાવેજ (તેમની ધરપકડ અંગે) આપ્યા નથી.. સુનીલે કહ્યું કે નકલી દસ્તાવેજોની મદદથી સંજય રાઉતને પાત્રા ચાલ સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમનો અવાજ દબાવવા માટે જ આ ધરપકડ કરવામાં આવી છે. જે પણ પૈસા (10 લાખ) મળ્યા હતા, તે શિવસૈનિકોની અયોધ્યા મુલાકાત માટે હતા. એ પૈસા પર એકનાથ શિંદે અયોધ્યાયાત્રા પણ લખેલી છે. કેટલાક શિવસૈનિકોએ ED ઓફિસની બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેને ફસાવી દેવામાં આવ્યો છે. આજે સવારે 11.30 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Most Popular

To Top