Columns

ઉનાળામાં પૂરતાં પ્રમાણમાંપાણી ન પીવાથી આ ગંભીરબીમારીઓ થઈ શકે

ગતાંકે આપણે પાણીના આપણા શરીરમાં મહત્ત્વ વિશે ચર્ચા કરી. હવે એ જ ચર્ચાને આગળ વધારતાં, જો ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણી ન લેવામાં આવે તો કયા પ્રકારના રોગો થઈ શકે છે તે સમજીએ.
હજુ થોડા દિવસ આવી જ ગરમી રહેશે. સખત પસીના દ્વારા આપણે શરીરમાંથી સતત પાણી ગુમાવતાં રહીએ છીએ. ખાસ કરીને બપોર દરમ્યાન શરીરમાંથી પાણીનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે. આવા સંજોગોમાં શરીરમાં પાણીની તીવ્ર અછત સર્જાય છે અને જો યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં પાણી લેવામાં ન આવે તો શરીરમાં નાનામોટા રોગો ઘર કરી શકે છે.
જન્મેલું બાળક જ્યાં સુધી માતાના ધાવણ પર હોય છે ત્યાં સુધી તેની પાણીની જરૂરિયાત માતાના દૂધથી જ પૂરી થઈ જતી હોય છે પણ ધીરે ધીરે જેમ ધાવણ છૂટે તેમ તેમ પાણીનું યોગ્ય પ્રમાણ બાળકના શરીર માં જાય તે જોવાની એક માતાની ફરજ બની જાય છે. તો સૌ પ્રથમ નાનાં બાળકોથી લઈ વડીલો સુધી દિવસ દરમ્યાન કેટલું પાણી પીવું જોઈએ તે આપણે નીચેના કોષ્ટકમાં જોઈએ.

આપણે જોયું કે પ્રતિદિન કેટલા પ્રમાણમાં પાણી પીવાવું જોઈએ અને હવે એ સમજીએ કે એટલા પ્રમાણમાં પાણી ન પીવાય તો શું સમસ્યાઓ ઉદભવી શકે?
પગમાં વંઠ આવવા
અપૂરતા પ્રમાણમાં પાણી લેવાથી શરીરના કોષો સુકાય છે અને પગની નસો ખેંચાય છે. આ અનુભવ મોટેભાગે સૌએ કર્યો હશે! આવા સંજોગોમાં તરત મીઠું અને ખાંડ ઉમેરી લીંબુપાણી પી લેવું. ( બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તબીબની સલાહ લેવી)
કિડનીના રોગો
ખૂબ ઓછું પાણી પીવાને કારણે મૂત્રની સાંદ્રતા વધે છે અને મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે. વળી, ઓછું પાણી લેવાને કારણે કિડનીની ગાળણ ક્ષમતામાં ઘટાડો થાય છે જેના પરિણામે પથરી થવાની સંભાવના વધે છે. આ સમસ્યાને થતી અટકાવવા માટે ઉનાળામાં મૂત્રનો રંગ ચેક કરવો ખાસ કરી બપોર ના સમયે! જો ઘેરા પીળા કે કેસરી રંગનો પિશાબ થતો હોય તો તે સૂચન કરે છે કે આપને ખૂબ પાણી પીવાની જરૂર છે. તો આ પરિસ્થિતિમાં તરત જ પાણી વધુ પીવાનું શરૂ કરી દો.

ખેંચ આવવી
સોડિયમ અને પોટશિયમ જેવા ખનીજોનું મુખ્ય કાર્ય આપણા શરીરમાં વિદ્યુત ચુંબકીય સંદેશાઓને કોષોમાં પહોંચાડવાનું છે. અપૂરતા પાણીના પ્રમાણ, પુષ્કળ પસીના દ્વારા આ ખનીજોનું શરીરમાંથી ઉત્સર્જન અને કેટલીક દવાઓ (જેવી કે બ્લડપ્રેશરને કાબૂમાં કરવા માટે વપરાતી દવાઓ)દ્વારા આપણા શરીરમાંથી આપણે આ ખનીજો ગુમાવતાં હોઈએ છીએ. જો આ ગુમાવેલા ખનીજો ફરી મેળવવામાં ન આવે તો શરીરમાં વિદ્યુત ચુંબકીય સંદેશાઓની આપલેમાં ગરબડ સર્જાય છે અને ખેંચ આવે છે.
લો બ્લડ વોલ્યુમ શૉક
આ અપૂરતા પાણીને કારણે સર્જાતી સૌથી ગંભીર પરિસ્થિતિ છે. આ સંજોગોમાં શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન જવાને કારણે લોહી ઘટ્ટ બને છે, બ્લડપ્રેશરમાં તીવ્ર ઘટાડો થાય છે અને હૃદયની કામગીરી અટકે છે, મગજના કોષો સુધી ઓક્સિજનનો સપ્લાય પહોંચી શકતો નથી અને અંતે માનવી મૃત્યુ પામે છે. ઘણી વેળા જીમમાં કસરત કરતાં- કરતાં તથા મેરેથોન દોડતાં– દોડતાં કેટલાક લોકો મૃત્યુ પામે છે તેની પાછળનું આ મોટું કારણ હોઈ શકે!
તો આવો,ઉપર કોષ્ટકમાં વર્ણવેલા પ્રમાણ અનુસાર પાણીનું સેવન કરીએ અને ગરમીમાં પાણીની કમીને કારણે થનાર તકલીફો સામે શરીરને સ્વસ્થ રાખીએ.

Most Popular

To Top