SURAT

સુરતમાં મિત્રએ પેટ્રોલ છાંટી મિત્રની કારને સળગાવી દીધી, સીસીટીવી ફૂટેજ ચેક કરતા ભાંડો ફૂટ્યો

સુરત : સુરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક યુવકની કાર રાત્રે સળગી ગઈ હતી. કોઈ ટેકનીકલ કારણસર કાર સળગી ગઈ હોવાનું માની યુવકે વીમા કંપનીને જાણ કરી હતી. વીમા કંપનીના માણસોએ આવી સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોંકાવનાહી વિગતો બહાર આવી હતી. કારના માલિકના મિત્રએ જ કાર સળગાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

  • સચીનમાં રહેતા રામજી યાદવની ડસ્ટર સળગી જતાં તેને વીમા કંપનીને જાણ કરી હતી, કંપનીએ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં માલુમ પડ્યું કે રામજી યાદવનો મિત્ર સુબોધ રામાણીએ જ ગાડી પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી

સચિન ખાતે જાણીતા મિત્રએ જ મધ્યરાત્રિએ આવીને ડસ્ટર ગાડી સળગાવી નાંખી હતી. ડસ્ટર ગાડીના માલિકને ટેકનિકલ ફોલ્ટને કારણે ગાડી સળગી હોવાનું પ્રથમદર્શી જણાતા તેણે વીમા કંપનીને જાણ કરી હતી. દરમિયાન વીમા કંપની દ્વારા સામે રહેલા સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવ્યા હતા. તે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમના ઓળખીતા એવા સુબોધ રામાણી ગાડી પર પેટ્રોલ નાંખતા દેખાયો હતો.

આ મામલે રામજી કનૈયાલાલ યાદવ (ઉ. વર્ષ 53 ધંધો, નોકરી રહેવાસી સચીન , સુરત મૂળ વતન દેવરીયા જિલ્લો અયોધ્યા) દ્વારા તેમના ઓળખીતા મિત્ર દ્વારા ડસ્ટર ગાડી મધ્યરાત્રિએ સળગાવી મારવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી હતી.

આ મામલે રામજી કનૈયાલાલ યાદવે જણાવ્યું હતું કે, પોતે ગત તા. 14 મેના રોજ તેઓના ઘરની સામે ડસ્ટર ગાડી પાર્ક કરી હતી. દરમિયાન રાત્રિના એક વાગ્યે કૂતરાંનો ભસવાનો અવાજ આવતા તેઓએ બહાર નીકળીને જોયું તો તેઓની ગાડી સળગતી હતી. આ મામલે વીમા કંપની સરવે માટે આવી હતી. તેઓએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં તેઓના ઓળખીતા એવા સુબોધ રામાણી (રહે. સચીન સ્લમ બોર્ડ) દ્વારા તેમની ડસ્ટર ગાડી પર પેટ્રોલ નાંખીને સળગાવતા જોયા હતા. આ મામલે સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Most Popular

To Top