National

અદાણી ગ્રુપે રૂ. 5,069 કરોડની બોલી લગાવીને ધારાવી રિડેવલપ પ્રોજેક્ટ મેળવ્યો

મુંબઈ: મુંબઈમાં (Mumbai) આવેલી ધારાવી ઝૂપડપટ્ટી જેનાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ તેના પુન:વિકાસ માટેના પ્રોજેકટનું કામ એશિયાની સૌથી ધનિક ગણાતી ગૌતમ અદાણીને મળ્યું છે. તમામ કંપનીઓને પછાડીને અદાણી ગ્રૂપની કંપની અદાણી રિયલ્ટીએ ધારાવી ઝૂંપડપટ્ટીના પુન:વિકાસ માટેના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની બિડ જીતી લીધી છે. મળતી માહિતી મુજબ ગૌતમ અદાણીના અદાણી જૂથે આ પ્રોજેક્ટ માટે ડીએલએફની બોલી કરતાં બમણી કરતાં પણ વધુ બોલી લગાવી હતી. સરકારે આ પ્રોજેક્ટ માટે સાત વર્ષ માટે કુલ સમયમર્યાદા નક્કી કરી છે. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટથી આ સ્લમ વિસ્તારના ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ફાયદો થશે તેમજ તેઓનું જીવન પણ બદલાશે.

અદાણી જૂથ 259 હેક્ટર ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઊભરી આવ્યું છે. એમ એક ટોચના અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. પ્રોજેક્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસવી આર શ્રીનિવાસે જણાવ્યું હતું કે, ”2,025 કરોડ રૂપિયાની બોલી લગાવનાર ડીએલએફને પછાડીને અદાણી ગ્રુપે વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસ માટે રૂ. 5,069 કરોડની બિડ લગાવીને પ્રોજેક્ટ મેળવી લીધો હતો.” શ્રીનિવાસે જણાવ્યું હતું કે, ”હવે અમે સરકારને વિગતો મોકલીશું, જે વિચારણા કરશે અને અંતિમ મંજૂરી આપશે.”શ્રીનિવાસે કહ્યું હતું કે, એકનાથ શિંદે સરકાર બે અઠવાડિયામાં તેને મંજૂરી આપશે. શ્રીનિવાસે ઉમેર્યું હતું કે, ”આ બિડ સમગ્ર રૂ. 20,000 કરોડના પ્રોજેક્ટ માટે છે અને પ્રોજેક્ટ માટે કુલ સમયરેખા 6.5 લાખ ઝૂંપડાંઓના રહેવાસીઓના પુનર્વસન માટે સાત વર્ષની છે, જે અત્યારે 2.5 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે.”

જણાવી દઈએ કે મુંબઈના આ સ્લમ વિસ્તારમાં સુધારા લાવવા માટે સરકાર આ મહત્વનું પગલું ભરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને વિનામૂલ્યે રહેવા માટે રહેઠાણ મળી શકશે. જે જરૂરી તમામ સુવિધાઓથી સજ્જ હશે. આ વિસ્તારમાંનો પુન:વિકાસનો પ્રોજેકટ 7 વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા 6.5 લાખ લોકોને પુનર્વસન કરવાનો લક્ષ્યાંક છે. વર્ષ 2019માં પણ સરકારે ધારાવી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસ માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું હતું. પરંતુ તે પછી વિવિધ કારણોસર તે મુલતવી રાખવામાં આવ્યું હતું. આ પછી ઓક્ટોબર મહિનામાં ફરીથી એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ સમયે ત્રણ વિદેશી કંપનીઓ સહિત કુલ 8 કંપનીઓએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો, પરંતુ માત્ર ત્રણ કંપનીઓએ બિડ સબમિટ કરી હતી. આમાં અદાણી રિયલ્ટી અને ડીએલએફ ઉપરાંત નમન ગ્રૂપનો સમાવેશ થાય છે.

Most Popular

To Top