Columns

ક્યાં જશો?

વિશ્વના બધા જ દેશોના લોકો, જેઓ કોઈ ને કોઈ કારણસર સ્વદેશ છોડીને, સ્થળાંતર કરીને અન્ય કોઈ દેશમાં જવા ઈચ્છતા હોય છે, એ સર્વેની પ્રથમ પસંદગી અમેરિકા હોય છે. વર્ષો પહેલાંનો યુગ ભારતનો સુવર્ણ યુગ હતો. દેશ-વિદેશથી લોકો ભારત આવતા હતા. એલેક્ઝાન્ડર ધ ગ્રેટે ભારત ઉપર ચઢાઈ કરી હતી. પોરસે એને રોક્યો હતો. મોગલો પણ આપણા દેશમાં ચઢાઈ કરીને પ્રવેશ્યા હતા. પોર્ટુગીઝો, ફ્રેન્ચો અને અંગ્રેજો પણ આપણા દેશમાં ભારતની ખ્યાતિ સાંભળીને આવ્યા હતા. અંગ્રેજોએ તો આપણા દેશમાં 200 વર્ષ રાજ કર્યું.

અંગ્રેજોની આપણા ઉપર હકૂમતના કારણે આપણા લોકો ગ્રેટ બ્રિટન અને એના તાબામાંના આફ્રિકાના દેશોમાં કામ કરવા, વ્યાપાર કરવા અને પછી કાયમ રહેવા જવા લાગ્યા હતા. ઈંગ્લૅન્ડની ‘ઑક્સફર્ડ’ અને ‘કેમ્બ્રિજ’ યુનિવર્સિટીમાં ખૂબ જ સારું શિક્ષણ પ્રાપ્ત થતું હતું એટલે ભારતીયો એ યુનિવર્સિટીઓમાં ભણવા જવા લાગ્યા. આપણા મોટા ભાગના સ્વતંત્રતાના લીડરો અને આગેવાનો ‘ઑક્સફર્ડ’ અને ‘કેમ્બ્રિજ’માં જ ભણ્યા છે.

પછી અમેરિકાનું શિક્ષણ વધુ સારું ગણાવા લાગ્યું અને ભારતીયો અમેરિકાના ‘હાર્વર્ડ’ અને ‘સ્ટેન્ફર્ડ’ અને આજે ત્યાં આવેલી 5400 યુનિવર્સિટીઓમાં ભણવા જવા લાગ્યા. આરબ દેશોમાં તેલ સાંપડ્યું અને ભારતીયો ત્યાંના તેલના કૂવાઓમાં કામ કરવા જવા લાગ્યા. અમુક ભારતીયો ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, સિંગાપોર તેમ જ યુરોપના જુદા જુદા દેશો અને રશિયા તેમ જ ચીનમાં પણ ભણવા તેમ જ વ્યાપાર કરવા જવા લાગ્યા પણ સૌની પસંદગીનો સૌ પ્રથમ દેશ અમેરિકા જ રહ્યો.

ધીરે ધીરે અમેરિકા જઈને વસેલા ભારતીયોની વસતિ ખૂબ વધી ગઈ. જે કોઈ પણ ભારતીય અમેરિકા જાય, ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવે, સિટિઝન બને કે પછી એ પોતાનાં અંગત સગાંઓને અમેરિકા બોલાવવા માટે ઈમિજિયેટ રિલેટિવ તેમ જ ચાર જુદી જુદી ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરીઓ હેઠળ આમંત્રવા માંડે. આ બધી કૅટેગરીઓ હેઠળ ઈમિગ્રન્ટ વિઝા વાર્ષિક ક્વૉટાના બંધનોથી સીમિત છે. આથી જેમ જેમ વધુ ને વધુ ભારતીયો અમેરિકા જઈને વસે અને વધુ ને વધુ પોતાનાં અંગત સગાંઓને બોલાવવા માટેના પિટિશનો દાખલ કરે તેમ તેમ લાઈન લાંબી થતી જાય. વિઝા મેળવવા માટે મહિનાઓ અને પછી વર્ષોની વાટ જોવાનો પ્રસંગ ઊભો થયો. આજે કોઈ ભારતીયે અમેરિકાની સિટિઝનશીપ મેળવવી હોય, એનાં ભારતીય ભાઈ-બહેન એમને માટે ફૅમિલી ફોર્થ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરે તો એની હેઠળ વિઝા મેળવવા માટે 15થી 25 યા એથી વધુ વર્ષ વાટ જોવાનો પ્રસંગ ઊભો થયો છે.

અમેરિકાના ‘EB-5 પ્રોગ્રામ’હેઠળ રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવી શકાય છે. આ રોકાણની રકમ જે પહેલાં 5 લાખ ડૉલરની હતી એ હવેથી વધારીને 8 લાખ ડૉલર કરવામાં આવી છે. જે રિજનલ સેન્ટરમાં રોકાણ કરવાનું હોય તેઓ આ ઉપરાંત નૉન-રિફન્ડેબલ 70થી 80 હજાર ડૉલર માગે છે. એમના ઍટર્નીઓ ફાઈલિંગ ફી અને પરચૂરણ ખર્ચાઓ માટે 20થી 30 હજાર ડૉલર યા એથી પણ વધુ ડોલર લે છે. આમ છતાં ‘EB-5 પ્રોગ્રામ’ હેઠળ આજે ગ્રીનકાર્ડ મેળવવા માટે ભારતીયોએ ત્3- 4 વર્ષની વાટ જોવી પડે છે. એમણે રોકેલી રકમ 8-10 વર્ષ પછી પાછી મળી શકે છે. એમાં કોઈ પણ પ્રકારની ગૅરન્ટી નથી હોતી. જો રિજનલ સેન્ટર હાથ ઊંચા કરી દે તો રોકાણની રકમ પાછી મળશે કે નહીં એ ચિંતાનો વિષય બની જાય છે.

આ કારણસર હમણાં હમણાંથી ભારતીયો કેનેડા પ્રત્યે આકર્ષાયા છે પણ કેનેડાના ‘PR’ એટલે ‘પરમેનન્ટ રેસિડેન્ટ’ બનવા માટે જે એક્સપ્રેસ એન્ટ્રી ઘડવામાં આવી છે એ માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન, ડિગ્રી, કામનો અનુભવ, અમુક જ વય, આ સર્વે જરૂરી હોય છે. આ બધી વિટંબણાનો લાભ લઈ હમણાં હમણાંથી યુરોપના દેશો ભારતીયોને લલચાવે છે: ‘તમે અમુક જ રકમ અમારા દેશમાં રોકો તો અમે તમને 3-4 મહિનાની અંદર જ અમારા દેશની સિટિઝનશિપ આપશું અને એ મળતાં તમે અમેરિકાના ‘EB-2’ વિઝા મેળવી શકશો અને યુરોપના અન્ય દેશોમાં વિઝા વગર હરીફરી શકશો.’

ગ્રેનેડા તમને 3 મહિનાની અંદર સિટિઝનશિપ આપશું એવું જણાવે છે. ડોમિનિકા પણ તમને 3-4 મહિનામાં નાગરિકત્વ આપશું એવું જણાવે છે. સૅન્ટ કિટ્સ અને નેવિસ ફક્ત 2 મહિનામાં જ એમના દેશનું નાગરિકત્વ મેળવી શકશો એવી જાહેરાત કરે છે. એન્ટિગુવા અને બાર્બુડા 3થી 4 મહિનામાં અમારા દેશની સિટિઝનશિપ મેળવી શકશો એવી જાહેરાત કરે છે. સૅન્ટ લુસિયા પણ તમે એના નાગરિક થઈ શકશો એવું કહે છે. વાનુઅટુ 2 મહિનામાં એમના દેશની સિટિઝનશિપ પ્રાપ્ત કરી શકો છો એવું જણાવે છે. પ્રેરાગુવા, બહામાસ, ઉરુગ્વે, લાટવિયા, પોર્ટુગલ પણ આવી આવી લાલચો આપે છે. અનેક ભારતીયો અમેરિકા જવાનું મુશ્કેલ બનતાં આવા દેશોની સિટિઝનશિપ મેળવીને ત્યાંથી અમેરિકા જઈશું એવું વિચારે છે.

સ્થળાંતર કરવું હોય તો અમેરિકા અને એના પછી કેનેડા આ બે દેશો ઉત્તમ છે. ઈંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ પણ સારા દેશો છે પણ જો તમારે માટે આ દેશોમાં જવાની લાયકાત ન હોય, આર્થિક સ્થિતિ ન હોય, એ માટે જેટલો સમય વાટ જોવી પડતી હોય એટલી વાટ જોવાની ધીરજ અને શક્યતા ન હોય અને તમે ઉપર જણાવેલ યુરોપના દેશોમાં જવા ઈચ્છતા હોવ, ત્યાંથી પછી અમેરિકા જવા ઈચ્છતા હોવ તો તમારે જે દેશમાં જવું હોય, એના વિશે જાણકારી મેળવી લેવી જોઈએ. ત્યાંથી પછી અમેરિકા જવાની ઈચ્છા હોય તો એ શક્ય છે કે નહીં? અને કેટલું શક્ય છે? કેમ કરતાં શક્ય બની શકે? આ જાણી લેવું જોઈએ.

‘ગુજરાતમિત્ર’ના વાચકો માટે આ કટારના લેખક  તમને અમેરિકા, કેનેડા, ઈંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ તેમ જ ઉપર જણાવેલ યુરોપના દેશોની સિટિઝનશિપ તમે કેવી રીતે મેળવી શકો એની જાણકારી એક પછી એક હવે પછીની ‘ગુજરાતમિત્ર’ની ‘દર્પણ’પૂર્તિમાં આપશે. વાચકો, તમે એ વાંચજો, વિચારજો અને પૂરતી જાણકારી મેળવી કોઈ પણ દેશમાં સ્થળાંતર કરવાનું વિચારજો. એક વાત ભૂલતા નહીં કે ભારત પણ હવે પ્રગતિના પંથે છે. આપણા દેશમાં પણ સૌ પ્રકારની ઉત્તમ સગવડો પ્રાપ્ત છે. જાણકારોનું એવું કહેવું છે કે 10 વર્ષમાં જેમ આજે લોકો ભારત બહાર અન્ય દેશોમાં જવા ઉત્સુક જણાય છે તેમ જ અન્ય દેશોના લોકો ભારત આવવા ઉત્સુક જણાશે.

Most Popular

To Top