Columns

ચૂંટાયેલા નેતાઓને પાછા બોલાવી લેવાનો અધિકાર જ સાચી લોકશાહી આણશે

આપણે ત્યાં બધા જાણે છે કે વ્યવસ્થાને બદલવા માટે આખા દેશ માટે નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓ જોઇએ. જેમના હૈયે પ્રજાનું હિત વળગેલું હોય. આવા અધિકારીઓને પસંદ કરવા એ કોઇ અઘરું કામ નથી.પરંતુ શાસકો જ આવું ઇચ્છતા નથી તે પણ આપણે જાણીએ છીએ. અન્યથા કેશુભાઇ પટેલે યુ.આર. રાવની નિમણૂક કરીને સુરતની સિકલ બદલાવી નખાવી હતી. પ્રામાણિક લોકોને નેતાઓનો સાથ ભાગ્યે જ મળે છે અને પરિણામ સ્વરૂપ આજકાલ પ્રામાણિક અધિકારીઓ ભાગ્યે મળે છે.

જે હોય છે તે સાફ તાલીમ કેન્દ્રોના અધિક્ષક તરીકે નિમણૂક પામીને ખૂણામાં ધકેલાઇ જાય છે. કાં અધિકારી તરીકે ગુનો કરતા પકડાઇ જાય તો પણ અધિક્ષક બનો અથવા હરિયાણાના અશોક ખેમકાની માફક નખશિખ પ્રામાણિક બનો તો પણ ટ્રેનિંગ સેન્ટરના વડા બનો. ત્યાં કર્મચારીઓને જે આદર્શો શિખવાડાય છે તે વ્યવહારમાં કશા કામમાં આવતા નથી. સંવિધાને પ્રજાના હિતની ચાવીઓ પ્રજાને આપી છે તેમ કહેવાય છે પણ આજના સમયમાં આ બાબત પણ મિથ્યા પુરવાર થઇ રહી છે. અમેરિકી પ્રમુખ વૂડરો વિલ્સન એક સમયે કહેતા કે સંનિષ્ઠ નિષ્ણાતોને સત્તા સોંપવામાં આવે તો તેઓ અધિકારીગણ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતાં પણ સારી કામગીરી બતાવી શકે છે.

અમેરિકા અને દુનિયાની લોકશાહીઓએ આ વિચારને અમલમાં મૂકી જોયો. અમુક નિગમો, ઓથોરિટીઓ, સરકારી સંસ્થાઓના વડાઓ તરીકે જેતે વિષયના નિષ્ણાતોને બેસાડી જોયા. પણ આખરે એ નિમણૂકો પણ રાજકીય લોકોએ જ કરવાની હોય છે. પરિણામો એ આવ્યા છે નઠારા, નકામા લોકો નિગમો, કાઉન્સિલો, પ્રાધિકરણો વગેરેના વડા બની બેઠા. તેઓ કોઇ બાબતમાં નિષ્ણાત હોતા નથી પરંતુ એવા બીજા ક્રમના નેતાઓ હોય છે જેમને સાચવી લેવાનું રાજકીય પક્ષોને જરૂરી લાગે છે. બોર્ડ અને તેના ચેરમેનો, ઉપકુલપતિઓ, ઓથોરિટીઓના વડાઓ, નિગમોના ચેરમેનો, અમુક ન્યાયમૂર્તિઓ અને ગવર્નરોની છેલ્લા 30-40 વરસથી એવી ફસલ પેદા થઇ છે કે જ્ઞાની ઓછા અને ડોબા જેવા વધુ લાગે.

પોતાના હિતો સાચવવા માટે ગોરખ ધંધાઓ આચરે અને તે આચરે તેના થકી જ તેઓના હિત સચવાઇ રહે. આ સ્થિતિ માત્ર ભારતમાં જ નથી પણ દુનિયાની તમામ મોટી લોકશાહીઓમાં તેના લક્ષણો દેખાઇ રહ્યા છે. માટે બંધારણે શાસનની ચાવી પ્રજાના હાથમાં આપી છે એ વિચાર પણ ખોટો  પુરવાર થઇ રહ્યો છે. પ્રજાના પ્રતિનિધિઓને પાંચ વરસ પછી ચૂંટણીમાં હરાવી શકાય એ રીતે શાસનની ચાવી પ્રજાના હાથમાં છે તેમ કહી શકાય. છતાં આ પણ કયારેક જ સાચું પડે છે. દરેક પક્ષો જીતી શકે તેવા ઉમેદવારો, વિનેબલને પસંદ કરે છે પછી ઉમેદવાર ભલેને થર્ડ કલાસ કક્ષાનો ગુંડો હોય. ઉમેદવારોમાં ગુંડાઓ જ ઊભા રહે એવી વ્યવસ્થિત વ્યવસ્થા (?) રાજકીય પક્ષોએ કરી રાખી છે.

કયો સજ્જન આજની ચૂંટણીમાં ઊભો રહેવાનો? ઊભો રહે તો જીતવાનો? મબલખ કાળું નાણું જોઇએ. ભવ્ય રોડ શો અને રેલીઓનો યુગ ચાલી રહ્યો છે. રેલીને અમુક કિલોમીટર લાંબી ગણાવી ખોટી લોકપ્રિયતાની હવા ઊભી કરાય છે. કેજરીવાલ આ પ્રકારની રાજકીય વ્યવસ્થાને ધરમૂળથી બદલવાના ભવ્ય વચનો અને નારાઓ સાથે મેદાનમાં ઊતર્યા હતા. પોતે કયારેક સત્તા અપનાવશે નહીં તેવી ટીવી ચેનલો પર રૂબરૂ આવી જાહેરાતો કરી હતી.

લોકોની ગ્રામસભાઓ યોજી તેઓના વિચારોનું જે માખણ નીતરે તેના આધારે કાયદાકાનૂનો ઘડાશે વગેરે અનેક દ્રવ્યો આકાશમાંથી તોડી લાવવાની વાત કરી હતી. સત્તા મળ્યા પછી તમામ વાયદાઓ હવાઇ ગયા. લોકપાલ કોણ છે અને કયાં બેસે છે તે કોઇ જાણતું નથી. પોતાના પક્ષ માટે નીમેલા લોકપાલને પણ થોડા વખતમાં રજા આપી દીધી. કોંગ્રેસ જેના પર ગર્વ લેતી હતી તે RTIનો કાનૂન વર્તમાન સરકારે પાણી નાખીને સરકારને ભાવે અને ફાવે એવો બનાવ્યો તો ન તો તેના વિરોધમાં રાહુલ ગાંધીએ ન કોઇ માર્ચ, ન કોઇ પદયાત્રા કે ઉપવાસ યોજયા.

પ્રિયંકા ગાંધી તો હિમાચલના વનમાં ભવ્ય આલીશાન પ્રાસાદ બાંધવામાં વ્યસ્ત હતાં. એટલું તો ઠીક, પણ તે લાવવા માટે કોંગ્રેસની સરકારને ફરજ પાડવાનો યશ અન્ના હઝારે લઇ રહ્યા છે એમણે પણ કાયદામાં પાણી રેડાયું ત્યારે કોઇ વિરોધ નથી કર્યો. હજી કપિલ શર્માના કોમેડી શોમાં આવાની ફુરસદ અને તાકાત બંને છે પણ ન તો સરકાર સામે પડે છે કે ન તો અવળા માર્ગે ચડવાના મૂળ ઇરાદાથી અવળા માર્ગે ચડી ગયેલા કેજરીવાલ સામે ધરણા પર ઊતર્યા છે. હવે લાગે છે કે હઝારેનો વિરોધ પણ એક રાજકીય શૈલીનો હતો. પ્રજાહિતની નિષ્ઠા સાથેનો ન હતો. અન્યથા હઝારે તંદુરસ્ત છે તો પણ આંદોલન નિષ્ફળ કેમ જાય? શું એ વ્યવસ્થા સામેનું આંદોલન હતું કે માત્ર કોંગ્રેસ સામેનું? કેજરીવાલ શા માટે લડતા હતા? બધા ચોરના ભાઇઓ ઘંટીચોર છે.

હમણાં FTX નામના ક્રિપ્ટો એકસચેન્જના ત્રીસ વરસના માલિક સેમ બેન્કમેને 16 અબજ ડોલરની રાતોરાત નુકસાની કરી. એણે પોતાની જાતને દયાળુ શાકાહારી અને સાર્થક દાન આપનારા દાતા તરીકે જનતા સમક્ષ રજૂ કરી હતી જેથી એના એકસચેન્જમાં વધુ ને વધુ લોકો નાણાં રોકે. ખાનગીમાં એ નાણાં સેમે પોતાની અન્ય એક બીજી કંપનીમાં રોકાવી દીધા. ભાંડો ફૂટી ગયો અને સેમનું એકસચેન્જ ફડચામાં ગયું. વોકસ અખબારે સેમને પૂછયું કે તમે દાનધર્મની જાહેરાતો કરતા હતા, નૈતિકતા અને મૂલ્યોની જાળવણીની હિમાયત કરતા હતા તે બધું શું લોકોને છેતરવા માટે કરતા હતા? જવાબમાં સેમે કહ્યું તે સાચું છે છતાં આઘાતજનક છે.

એણે કહ્યું કે નૈતિકતા અને દયાકરુણાની વાત કરીએ તો જ લોકો આપણા પર ધ્યાન આપે. એ એક સુંદર સજાવટવાળો દરવાજો છે. કેજરીવાલે અને આપણા ધર્મગુરુઓ પણ લોકોને અંદર બોલાવવા માટે વાપરે છે. માછલીઓને બિચારીઓને કયાંથી ખબર કે ગલમાં ભરાવેલો ખોરાકનો ટુકડો એના પીડાદાયક અચાનક મોતનું કારણ બનશે. ટૂંકમાં બધા પક્ષો નૈતિકતા અને પ્રજાહિતની જ વાતો કરે છે છતાં બિનભ્રષ્ટાચારી હોય એવા અધિકારી, નેતા શોધવા મુશ્કેલ છે. તેઓ એ પ્રજાને રંજાડે, પજવે છે જેઓએ તેમને ચૂંટયા છે.

નકલી દૂધની ડેરીઓ, શરાબનો બેકાયદા વેપાર, ગુનાખોરોને છોડાવવા ઠેકાઓ, કોન્ટ્રેકટો મેળવવા, અધિકારીઓને જઇને લાતો મારવી વગેરે કામો તેઓ કરે. અજાણ અને કાવાદાવાપ્રિય જનોને યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો, ગવર્નરો તરીકે નીમવા, મેડિકલ કાઉન્સિલના વડાઓ નીમવા જેવા તમામ પાપકર્મો નેતા અને અધિકારી લોકો સાથે મળીને કરે છે. આ નીતિરીતિ ગ્રામ્ય પંચાયત, નગર પંચાયત, તાલુકા વિકાસ, સુધરાઇથી માંડીને છેક ઉપર સુધી જાય છે અને ઉપરથી સમર્થન મેળવીને નીચે પાછી ફરે છે.

શું પ્રજાના હાથમાં બંધારણે ચાવી આપી છે? લોકો સારા દેખાવા સુફિયાણી સલાહોનું જાહેરમાં વિમોચન કરતા રહે છે કે પ્રજાએ સારા ઉમેદવાર શોધીને મત આપવો જોઇએ. પરંતુ દાઉદ, ગવલી, રાજન તીનો ખડે કિસકો લાગુ પાય? એવી સ્થિતિ હોય છે ત્યાં કરવું શું? આપણા અને અમેરિકાના બંધારણે પ્રજાના નામે, પ્રજાસત્તાક બંધારણો ઘડયા છે પણ તે કાગળ પર જ રહી ગયા છે. પ્રજાએ આપેલી સત્તાનો દુરૂપયોગ નિવારવા માટેની કોઇ જોગવાઇ 75 વરસ અગાઉ લખાયેલા બંધારણમાં નથી. બાબા સાહેબ વગેરે સંનિષ્ઠ નેતાઓએ કલ્પના નહીં કરી હોય કે ગેરલાયક નેતાઓ સત્તા પચાવી પાડશે? બંધારણમાં દુરુપયોગ નિવારવાના કોઇ સચોટ ઉપાયો નથી તે આજના તમામ પક્ષોના નેતાઓને અનુકૂળ આવે છે.

કોઇને લોકપાલ, માહિતી અધિકારી અને પારદર્શિતા આણવા નથી. માત્ર દરવાજો શણગારતી વેળાએ એ વિષયોનો ફૂલોની માફક ઉપયોગ કરવો છે. અમુક દુર્લભ અપવાદોને બાદ કરતાં લોકશાહી દેશોની પ્રજા નેતાઓની તિકડમબાજીમાં ભેરવાઇ પડે છે. બ્રિટન, જેને લોકશાહીનું પ્રહરી રાષ્ટ્ર ગણવામાં આવે છે ત્યાં છેલ્લા પાંચ વરસથી નેતાગીરીનો દુકાળ પડયો છે. કોઇ સારા અને સાચા રાહબર વગર દેશની ગાડી પાટે ચડતી નથી.

અમેરિકામાં બંદૂકોને તિલાંજલિ આપી શકાતી નથી. ખૂનામરકી આમ છે. જર્મનીમાં પ્રજાની ઇચ્છા વિરૂધ્ધ જઇને લાખો નિરાશ્રિતોને સેના નેતાઓએ જ ઘુસાડયા છે. અમેરિકામાં લોકોએ ખોટી ઉશ્કેરણીથી પ્રેરાઇને સંસદ પર હુમલો કર્યો. છ જણના મરણ નીપજયા. બ્રિટનમાં ઋષિ સુનકને હવે રૂખસદ આપવાની વાત ચાલી રહી છે. ભારતમાં ન્યાયમૂર્તિઓ નેતાઓની માફક વર્તી રહ્યા છે. જે રમણ સાહેબ ગયા એ જાણે કે રાજકારણ રમવા જ આવ્યા હતા એવું લાગે. આ બધાઓને ના તો પ્રજા સાથે કોઇ નિસ્બત છે અને પ્રજા પણ તેઓના પર આધાર રાખતી બંધ થઇ ગઇ છે.

વલસાડની સુધરાઇ માત્ર હાઉસ ટેકસના રૂપમાં કરોડો રૂપિયા ઊઘરાવી જઇને શેરીમહોલ્લા ગંદા રાખે તો ભલે રાખે. કોઇ વિધાનસભ્ય જ્ઞાતિના જોરે ચૂંટાઇ આવે તો ભલે આવે. બંધારણે પ્રજાને બદલે જ્ઞાતિઓને અને ધર્મના અનુયાયીઓને પોતાની રીતે વિધાયક કે સાંસદ ચૂંટવાની સત્તા આપી હોય એવું વધુ લાગે છે. પણ આ શું ખરેખર લોકશાહી છે? ભલે પાંચ વરસ પછી ચૂંટણી વડે નેતા બદલી શકાય પણ ચોરનો ભાઇ ઘંટીચોર જ પસંદ કરવાનો હોય તો શો ફરક પડે? ભારતની પ્રજા ભલે આળસ કરે, સહન કરે પણ જગતના લોકો હવે તેનું નિરાકરણ લાવવા આતુર થયા છે. આજના સમયમાં નેતાને ચૂંટીને પાંચ વરસ જીવનમાં ઐયાશી અને કામકાજમાં ઠાગાઠૈયા કરવા મોકલી આપો તો પાંચ વરસ અને વિકાસ બંને બરબાદ થઇ જાય. શું મતદાન દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને મનમાની અને રાજકારણને ધંધો બનાવવાની છૂટ આપી શકાય?

આ સ્થિતિ બદલવી અનિવાર્ય છે અને તો જ લોકશાહી બચશે. અમેરિકા અને UKના લોકોને જણાઇ રહ્યું છે કે નેતાને પાછા બોલાવી લેવાનો અધિકાર પ્રજાને મળે તો જ બંધારણે પ્રજાને સત્તાની ચાવી સોંપ્યાની ભાવના સાર્થક બનશે. પ્રતિનિધિઓને પાછા બોલાવાય તો ટોચથી માંડીને નીચેના સ્તર સુધીના નેતાઓ સુધરી જશે. પરંતુ તે માટે પ્રજાએ વિસ્તૃત આંદોલન છેડવું પડે. અમેરિકનોની દલીલ એ છે કે પ્રતિનિધિઓને અમે જ પસંદ કરીએ છીએ તો એને ઊઠાડી મૂકવાની, ઘરે બેસાડી દેવાનો અધિકાર પણ અમારી પાસે જ હોવો જોઇએ. વાતમાં દમ છે. ભારતમાં તો આ જોગવાઇ વધુ જરૂરી છે પણ એક સુંદર કલ્પના કે મનોભાવના પુરવાર થઇ શકે છે. બિલાડી એમ ઘંટ બાંધવા દેશે ખરી?

Most Popular

To Top