Entertainment

ઍક્ટિંગ ભલે ફીક્કી,ગ્લેમરનો ફંડા જાણે છે નીક્કી

આજકાલ એવો નિયમ બની ગયો છે કે હિન્દી ફિલ્મમાં હીરોઈન તરીકે તક મેળવવી હોય તો પહેલા સાઉથની ફિલ્મોમાં સ્ટાર બની જાઓ. સાઉથના 4 રાજ્યો પાસે પ્રેક્ષક તૈયાર બેઠેલો છે, એટલે ફિલ્મ સફળ થવા વિશે વાંધો નથી હોતો. હિન્દી ફિલ્મોનું એવું છે કે સાઉથના હીરો હિન્દીમાં તેમની ફિલ્મો સફળ કરાવીને તો જાય પણ તેઓ સ્વયં હિન્દીમાં સ્ટાર નથી બનાતા. હિન્દીવાળા સાઉથની હીરોઈનને તક આપે, હીરોને નહીં. તો હવે નિક્કી તંબોલીના આગમન માટે પણ તૈયાર રહો. કારણ કે તેની થોડી સાઉથની ફિલ્મો માટે તો જાણીતી છે, પણ તેનાથી વધુ જાણીતી ઈન્ટાગ્રામ પર એકદમ હોટ, એકદમ બોલ્ડ તસવીરો મૂકવા માટે જાણીતી છે.

નિક્કી હજુ 25 વર્ષની જ છે પણ બરાબર જાણે છે કે બધા લોકો મારી સાઉથની ફિલ્મો તો નથી જોવાના પણ ઈન્સટાગ્રામ પર ઓછા વસ્ત્રોમાં બોલ્ડ દેખાઈશ તો મને ન ઓળખનારા પણ ઓળખશે. આમ જુઓ તો નિક્કીનો ખ્યાલ જરા પણ ખોટો નથી. જો કે તેની પાસે બીજા પણ નુસખા છે અને તે એ કે હિન્દીમાં સૌથી વધુ ચર્ચાતા રિયાલિટી શોમાં ભાગ લેવો. ‘બિગ બોસ’ હંમેશા સલમાન ખાન અને તેમાં ભાગ લેનારા સ્પર્ધકને કારણે ચર્ચામાં રહે છે. નિક્કી બિગબોસ – 14ની સ્પર્ધક બનેલી અને સેકંડ રનર – અપ પણ બનેલી. ત્યાર પછી તે ‘ફિયર ફેક્ટર – ખતરોં કે ખિલાડી – 11’ની સ્પર્ધક બનેલી. કારણ કે તેને રોહિત શેટ્ટી પ્રેઝન્ટ કરે છે. નિક્કીની હોંશિયારીને બિરદાવવી તો પડે જ! નિક્કીની અટક પરથી જ ધારી શકશો કે તે સાઉથના રાજ્યોની નથી. તે મહારાષ્ટ્રના ઔરંગાબાદની છે.

મોડેલ તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી તેને ચેન્નઈથી દિગ્દર્શક રાઘવ લોરેન્સ ફિલ્મ માટે ઓડીશનનો કોલ આવેલો અને ‘કંચના – 3’ ફિલ્મ મળી ગઈ. પછી તેને તેલુગુમાં 2 ફિલ્મો મળી અને અત્યારે તેની પાસે ‘ઈન્ડિયા ફેશન ફેક્ટ્રી’ અને યોગી બાબુ સાથેની ફિલ્મો છે. વચ્ચે તે થોડા મ્યુઝિક વિડીયો પણ કરી ચૂકી છે. તેને હિન્દી, મરાઠી તો સહજ છે, એટલે ક્યાંય પાછી નથી પડતી. હમણાં તે ‘ધ ખતરા ખતરા શો’માં દેખાય રહી છે. નિક્કી પાસે એ બધુ જ છે જે પ્રેક્ષકોને ખુશ કરી દે અને તો નિર્માતા પણ ખુશ થવાના જ. તમે ન માનતા હો તો તેને સોશિયલ મિડીયામાં પણ જોજો. ફિલ્મોમાં તે જે કરવા માંગે છે તેનું થોડું ઈમેજ ટ્રેલર તમને જોવા મળશે. •

Most Popular

To Top