Entertainment

પ્રિયંકા બોલી (વુડ): હોલીવુડ અપનાવો

પ્રિયંકા ચોપરા માટે જુલાઇ મહિનો ખાસ છે. 18મી જુલાઇએ તેનો જન્મ દિવસ આવી રહ્યો છે. હમણાં તેને હોલીવુડની નવી ફિલ્મ પણ મળી છે જે શિલ્પી સોમાયા ગૌડાની નવલાડયા ‘સિક્રેટ ડોટર’ પર આધારીત છે. છેલ્લે તે ‘ધ મેટ્રિકસ’ના ચોથા ભાગમાં દેખાય હતી. આ ફિલ્મ બે સ્ત્રીપાત્રને કેન્દ્રમાં રાખે છે અને ભારત તેમજ સાન ફ્રાન્સિસ્કોમાંમાં આ બંને વચ્ચે ઘટનાક્રમ બને છે. પ્રિયંકા હવે અમેરિકામાં બીજું ઘર ધરાવે છે અને ગયા જાન્યુઆરીમાં તે એક દિકરીની મા પણ બની છે. પ્રિયંકા પોતાના સમયને સૌથી વધુ દિલધડક કહી રહી છે કારણ કે તેનું લગ્નજીવન સારી રીતે આગળ વધી રહ્યું છે અને એજ રીતે હોલીવુડમાં તે હવે સ્ટાર તરીકે ગોઠવાય ગઇ છે.

અલબત્ત તે તેની હિન્દી ફિલ્મો માટે પણ એટલી જ ઉત્સાહી છે. આ વર્ષના અંતમાં જો તેની હોલીવુડ ફિલ્મ ‘શીલા’ રજૂ થશે તો એ રજૂ થવાના મહિને જ એટલે કે ડિસેમ્બરમાં જ શિમીત અમીન દિગ્દર્શીત કલ્પના ચાવલાની બાયોપિક પણ રજૂ થશે. બંને ફિલ્મમાં તે એવા પાત્રો ભજવી રહી છે જે ઇન્ડિયન છે પણ ઇન્ટરનેશનલ ઓળખ ધરાવે છે. પ્રિયંકાનું સ્ટેટસ જ એવું છે કે હવે તે ઇન્ટરનેશનલ પ્રકારના પાત્રો ભજવે. હા, ફરહાન અખ્તર દિગ્દર્શીત ‘જી લે ઝરા’ જૂદી ફિલ્મ હશે. હવે તે નાની ફિલ્મો કરી શકે તેમ જ નથી. આવતા વર્ષે ‘જી લે જરા’ રજુ થશે અને ‘ઇટસ ઓલ કમીંગ બેક ટુ મી’ નામની હોલીવુડ ફિલ્મ પણ ફેબ્રુઆરીમાં રજૂ થશે.

એ ફિલ્મમાં તે એવી સ્ત્રીનું પાત્ર ભજવી રહી છે જે તેના ફિયાન્સના મૃત્યુ બાદ ફરી સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. આ ઉપરાંત ‘સીતાદેલ’ નામના શોમાં પણ તે દેખાશે. આ ઉપરાંત ‘ટેકસ્ટ ફોર યુ’ અને ‘એન્ડિંગ થિંગ્સ’ નામની ફિલ્મોના શૂટિંગમાં બિઝી છે. પ્રિયંકા ચોપરાએ સાઉથની ફિલ્મોના હિન્દીમાં વધી રહેલા આક્રમણ સામે નવી શકયતા ઉભી કરી છે. હિન્દીના નિર્માતા-દિગ્દર્શકો ચાહે તો પ્રિયંકા સાથે ઇન્ટરનેશનલ ફિલ્મ બનાવી શકે છે. પાન-ઇન્ડિયા ફિલ્મ સામે આ નવી શકયતા છે અને એ દિશામાં જ આ કલ્પના ચાવલા બાયોપિક છે. પ્રિયંકા હિન્દી ફિલ્મો માટે ના નથી પાડતી પણ હવે તેને લઇને ફિલ્મ બનાવનારાએ કાંઇક મોટું વિચારવું પડે તેમ છે. આવનારા થોડા મહિનામાં તે કોઇ ઇન્ટ્રેસ્ટિંગ વિષય સાથે ફરી નવી હિન્દી ફિલ્મની જાહેરાત કરશે. પ્રિયંકા કહે છે કે હવે બોલીવુડે હોલીવુડ સ્ટાઇલ અપનાવવાની ખૂબ જરૂર છે. •

Most Popular

To Top