SURAT

સુરત: ઇચ્છાપોર નજીક અંધારામાં સર્જાયો ગંભીર અકસ્માત, ઘટના સ્થળે જ 3 ના મોત, 2 ગંભીર ઘાયલ

સુરત: ઇચ્છાપોર (Ichchapor) પોલીસ સ્ટેશન (Police statiohn)થી થોડા અંતરે મોડીરાત્રે ઇકો કાર ચાલકને અંધારામાં આગળ ઉભેલું ડમ્પર (truck) નહીં દેખાતા કાર ધડાકાભેર અથડાઈ હતી. કારમાં સવાર બે સગા ભાઈ તથા એક બાળક સહિત ત્રણના મોત (death) નીપજ્યા હતા. અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ (hospital)માં ખસેડાયા હતા.

ઘટના અંગે મળતી માહિતી મુજબ મોરાગામમાં રહેતો 32 વર્ષીય દિનેશ બાલકૃષ્ણ પાત્રા, તેનો ભાઈ માનસ બાલકૃષ્ણ પાત્રા (ઉ.વ.23), મિત્રો ગુનાતી લક્ષ્મીધર શાહુ (ઉ.વ.39) તેનો પુત્ર ગૌતમ ગુનાની શાહુ (ઉ.વ.10) અને સુરેશચંદ્ર ભરત મહંતો (ઉ.વ.35) તેમની કાર જીજે 05 સીજે 0943 માં કવાસ ગામમાં તેમના મિત્ર નીલુને મુકવા માટે ગયા હતા. ત્યાંથી ઇચ્છાપોર તરફ આવતા હતા. ત્યારે ગૌતમને રિલાયન્સ (reliance) કંપની બતાવવા માટે દિનેશે કાર ટર્ન લીધી હતી. ત્યાંથી પરત આવતી વખતે રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ કવાસ પાટિયા નજીક આવેલી કૃભકો કંપનીના ગેટ નંબર-1 પાસે કાર ચાલકનું બેલેન્સ ખોરવાતા કાર આગળ ઉભેલા એક ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ (accident) ગઈ હતી.

અકસ્માતમાં દિનેશ પાત્રા તેના ભાઈ માનસ પાત્રા અને મિત્રનો પુત્ર ગૌતમ શાહુનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. ભયંકર રીતે સર્જાયેલા અકસ્માતમાં કારનો એન્જીનનો ભાગ વળી જતાં તમામ અંદર ફસાઇ ગયા હતા. રાહદારીઓએ 108 ને જાણ કરી કારમાંથી સુરેશચંદ્ર મહંતો અને ગુનાની શાહુને હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પરંતુ કારનો ડુચો વળી જતા અંદરથી ત્રણ મૃતદેહ બહાર કાઢવાનું અઘરૂ બન્યું હતું. ફાયર કર્મીઓએ ભારે મહેનત અને જહેમત ઉઠાવી ત્રણ જણાંના મૃતદેહ કારના પતરા કાપીને બાહર કાઢ્યા હતા. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. વધુમાં દિનેશ ફોટો સ્ટુડીયો ચલાવે છે. તેનો ભાઈ એલ એન્ડ ટીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે.

કલાકોની જહેમત બાદ ત્રણ લાશ બહાર કાઢી શકાઈ
ફાયર વિભાગના જણાવ્યા મુજબ અકસ્માત ઘણો ભયંકર રીતે થયો હતો. કાર ડમ્પરમાં પાછળથી ઘુસી જતા કાર ડુચો વળી ગઇ હતી. જેને લીધે ત્રણ મૃતદેહ અંદર ફસાઈ ગયા હતા. કટર લિસ્ટિંગ બેગ, જેક સહિતના ફાયરના સાધનોનો ઉપયોગ કરી તેમજ વાયર રોપ વડે કારના એન્જીનના ભાગને ખેંચી ત્યારબાદ કારના દરવાજા ખોલી અંદર ફસાયેલા ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ થયો હતો.

એક જ પરિવારમાં બે ભાઈના મોતથી શોક
કારમાં દિનેશ પાત્રા અને તેનો ભાઈ માનસ પાત્રા બેઠેલા હતા. અકસ્માતમાં બંને ભાઈઓના મોત થયા હતા. સગા ભાઈઓના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. દિનેશને સંતાનમાં બે બાળકો છે. બે ભાઈના મોતથી પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા છે.

Most Popular

To Top