Entertainment

શ્રિયા માટે ‘અભી તો પાર્ટી શુરુ હુઇ હૈ’

શ્રિયા પિલગાંવકર અત્યારે તેની બે ફિલ્મો સાથે તૈયાર ઊભી છે. એક તો ‘ઇશ્કર-એ-નાદાન’ અને બીજી ‘અભી તો પાર્ટી શુરુ હુઇ હૈ.’ ગયા વર્ષે તેની ‘કાદન’ ફિલ્મ આવેલી જે હિન્દી, તમિલ, તેલુગુમાં રજૂ થયેલી. શ્રિયા બિલકુલ પોતાની રીતે આગળ વધી રહી છે. ફિલ્મોની જેમ જ તે વેબ સિરીઝમાં પણ રોકાયેલી રહે છે. આ વર્ષે જ તેની ‘ગિલ્ટી માઇન્ડસ’, ‘ધ બ્રોકન ન્યૂઝ’ અને ‘ધ ગોન ગેમ-2’ આવી. ‘મિર્ઝાપૂર’ની સ્વીટી ગુપ્તા તરીકે તે ખૂબ જાણીતી થયેલી અને પછી બ્રિટીશ ટેલિવિઝન માટે ‘બીચમ હાઉસ’માં કામ કરેલું. તેની આવી રહેલી ‘ઇશ્કર-એ-નાદાન’માન મોહિત રૈના, લારા દત્તા, નીના ગુપ્તા કંવલજીત સીંઘ વગેરે છે.

અવિષેક ઘોષ નામના બંગાળી દિગ્દર્શકની આ પહેલી હિન્દી ફિલ્મ છે. આ ફિલ્મનું શૂટિંગ હમણાં બે મહિના પહેલાં જ પૂરું થયું છે. તો ‘અભી તો પાર્ટી શુરુ હુઇ હૈ’ અનુભવ સિંહાની ફિલ્મ છે ને તેમાં તો સૌરભ શુકલા, પંકજ ત્રિપાઠી, વિનય પાઠક, દિવ્યા દત્તા, રિચા ચઢ્ઢા, પ્રતિક બબ્બર છે એટલે તમે વધુ અપેક્ષા રાખી શકો. અનુભવ સિંહા ‘મુલ્ક’, ‘આર્ટિકલ 15’, ‘થપ્પડ’, ‘અનેક’થી પોતાની તાકાત બતાવી ચુકયો છે એટલે શ્રિયા આ ફિલ્મનો હિસ્સો બનવાથી ખુશ છે.

સચિન અને સુપ્રિયા પિલગાંવકરની દિકરીને અફસોસ છે કે તેના પપ્પાના દિગ્દર્શનમાં તે હજુ સુધી હિન્દી ફિલ્મમાં કામ કરી શકી નથી પણ હા, ‘તુ તુ મેં મેં’ સિરીયલમાં તે બિટ્ટુ તરીકે જરૂર આવી હતી. 2013માં તે ‘એકુલતી એક’ નામની મરાઠી ફિલ્મમાં આવી હતી જેના દિગ્દર્શક તેના પિતા સચીન જ હતા.

શ્રિયા ત્યારથી જો કે હિન્દી તરફ વળી ગઇ. પણ તે તેના પિતા સચિનની જેમ મરાઠી હિન્દી વચ્ચે બેલેન્સ કરવા માંગે છે. હા, હિન્દી તરફનું વલણ વધારે છે. હિન્દીમાં તેની પહેલી ફિલ્મ શાહરૂખ ખાન સાથેની ‘ફેન’ હતી જેમાં તે દિલ્હીની નેહા તરીકે હતી. શ્રિયા પોતાને ફિલ્મો અને વેબ સિરીઝ વચ્ચે દોડતી રાખે છે પણ બે શોર્ટ ફિલ્મ અને એક દસ્તાવેજી ફિલ્મ દિગ્દર્શક તરીકે બનાવી ચુકી છે. સચિનની દિકરી છે તો ફકત એકટ્રેસ ન જ હોય શકે. •

Most Popular

To Top