Columns

હાર્લી ડેવિડસન પાસેથી શીખવા જેવી AAR ફોર્મ્યુલા

પ્રોફેશનલ લાઇફમાં સફળ થવા માટે વિવિધ પ્રકારના વ્યૂહાત્મક નિર્ણયો લેવા પડે છે. ઘણી કંપનીઓ નવીન પ્રકારના અનુભવને બહુ સરળતાથી પાર પાડી શકે છે. જ્યારે અમુક સંસ્થાઓ નવીન અનુભવ તો જવા દો પરંતુ તેમનાં રૂટિન કાર્યો પણ સરળ રીતે કરી શકતી નથી. આવી કંપનીઓની નિષ્ફળતા મુખ્યત્વે તેમની અંદરની જટિલ પ્રક્રિયાઓને આભારી છે. નિષ્ફળ કંપનીઓ પોતાની આંતરિક બિનજરૂરી સિસ્ટમને નાબૂદ નથી કરી શકતી અને નિષ્ફળતાનો ટોપલો કોના ઉપર ઢોળવો તેની શોધમાં જ હોય છે. ઘણી નાની કંપનીઓના આન્ત્રપ્રિન્યોર નિષ્ફળતા માટે કંપનીમાં કામ કરતા પ્રૉફેશનલ્સને દોષી માનતા હોય છે. તેમનું માનવું હોય છે કે પ્રમોટર જે રીતે ઑનરશિપથી કામ કરે છે તે રીતે કર્મચારીઓ કામ નથી કરી શકતા. આમ દોષનો ટોપલો ઢોળવાની અને એકબીજા ઉપર માછલા ધોવામાં કંપનીનું સત્યનાશ વળી જાય છે.

ભાગ્યે જ કોઈ પ્રૉફેશનલ ઑર્ગેનાઇઝેશન, પોતાની સફળતા કે નિષ્ફળતાનું આત્મનિરીક્ષણ નિયમિત કરતું હોય છે. જ્યારે તમને સફળતા મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે મનોમંથનની જરૂરિયાત ન અનુભવાય અને ત્યાં જ મોટા ભાગની નાનીમોટી ભારતીય કંપનીઓ માર ખાતી હોય છે. જ્યારે સફળતાની વચ્ચે અચાનક બહારનાં પરિબળો બદલાય કે માર્કેટ બદલાય ત્યારે નિષ્ફળતાનો મોટો ઝાટકો લાગતો હોય છે.

મોટી કંપનીઓ તેમના બીજા બિઝનેસને લીધે કે બીજી વિવિધ પ્રોડક્ટ્સને લીધે બચી જાય છે અને નાની નિષ્ફળતાને પચાવી જાય છે પરંતુ નાના ઑર્ગેનાઇઝેશન આનો માર સહન નથી કરી શકતાં કારણ કે તેમના ખર્ચાઓ ફિક્સ છે અને દર મહિને તેમાં વધારો થતો જ હોય છે. આને લીધે એક દિવસ એવો આવે છે કે કંપની ફાઇનાન્શ્યલ ક્રાઇસિસમાં ફસાઈ જાય છે. આનો ઉપાય શું? એવું શક્ય છે કે કંપનીમાં પર્ફોર્મન્સ સતત જળવાઈ રહે. હા એવું શક્ય છે. જાપાનની મોટા ભાગની નાનીમોટી કંપનીઓમાં એક સિસ્ટમ સફળતાપૂર્વક કાર્યરત છે.

તેનું નામ છે AAR એટલે કે ઍક્શન આફ્ટર રિવ્યૂ. આના કન્સેપ્ટમાં એવું છે કે જ્યારે તમે નવી પ્રોડક્ટ્સ કે નવો પ્રોજેક્ટ બજારમાં મૂકો અને તે કાર્યરત થયા પછી એટલે કે ઍક્શન પૂરી થયાં પછી તેનો રિવ્યૂ કરવામાં આવે છે. આ સિસ્ટમને ભૂલ્યા વગર કંપનીનું ટોપ મૅનેજમૅન્ટ અનુસરે છે. AAR અંતર્ગત નવી પ્રોડક્ટ્સ બજારમાં મૂક્યા પછી કે પ્રોજેક્ટ પૂરો કર્યા પછી યોગ્ય પૃથક્કરણ કરવામાં આવે છે. કેવી રીતે આપણને સફળતા મળી, ક્યાં ભૂલો થઈ, કેવી રીતે કોઈ જગ્યાએ સિસ્ટમમાં ખામી રહી, માર્કેટમાં કેવી અસર રહી, શું આપણે વધુ સારી રીતે આ કામ કરી શક્યા હોત, ટીમની કામગીરી વગેરે પાસાંઓનું પૃથક્કરણ કરી ચર્ચા-વિચારણા કરવામાં આવે છે.

ઍક્શન આફ્ટર રિવ્યૂ સિસ્ટમ અંતર્ગત તેમાંથી યોગ્ય લર્નિંગ કરવામાં આવે છે. જો કોઈ જગ્યાએ ખામી રહી હોય તો બીજી વાર આ ખામીને કેવી રીતે સુધારવી તેનું પ્લાનિંગ કરવામાં આવે છે. માર્કેટની હરીફાઈની ચર્ચા કરવામાં આવે છે, નવી પ્રોડક્ટ્સની સામે હરીફ કંપનીઓનું કેવું વલણ હશે અને તેઓ શું કરશે અને આપણે ભવિષ્યમાં નવી વ્યૂહરચના કેવી રીતે ઘડવી તેના અમલની દિશા પણ નક્કી કરવામાં આવે છે. મોટા ભાગની જાપાનીઝ કંપની ઍક્શન આફ્ટર રિવ્યૂ સિસ્ટમ ફોલો કરે છે. જાપાનીઝ કંપનીઓની સફળતાનું આ રહસ્ય છે એમ કહી શકાય. અમેરિકાની આર્મી પણ આ સિસ્ટમને અનુસરે છે. અનેક સફળ કંપનીઓ તેમના દરેક પ્રોજેક્ટ કે નવી પ્રોડક્ટ્સ બજારમાં મૂક્યા પછી ઍક્શન આફ્ટર રિવ્યૂ સિસ્ટમને અનુસરે છે અને તેના લર્નિંગથી તેઓ કંઈ ને કંઈ નવું શીખતા રહેતા હોય છે.

હાર્લી ડેવિડસનના CEOએ કંપનીની જનરલ મીટિંગમાં ઍક્શન આફ્ટર રિવ્યૂ સિસ્ટમ વિશે વાત કરતાં કહ્યું, ‘‘કંપનીના યશ અને સફળતામાં ઍક્શન આફ્ટર રિવ્યૂ સિસ્ટમનો અદભુત ફાળો  છે. આની ખૂબી એ છે કે તમે માર્કેટિંગ સર્વે કે બાહ્ય પરિબળો પર બહુ આધારિત રહેતા નથી પરંતુ તમે જાતે જ કરેલાં કાર્યોમાંથી દરેક વખતે નવું શીખતા રહો છો. અમારી દરેક પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા પછી ઍક્શન આફ્ટર રિવ્યૂ ફરજિયાત છે. કંપનીના મૅનેજિંગ ડિરેક્ટરથી માંડીને બધા સિનિયર સભ્યો આ વ્યવસ્થાને લઈને ગંભીર છે અને એટલે જ અમને સારાં પરિણામો મળતાં રહ્યાં છે અને ભવિષ્યમાં પણ મળશે.’’

Most Popular

To Top