Columns

આકાશગંગામાં પાણીથી છલોછલ ગ્રહો છે?

ઇ.સ. 2500 પૃથ્વી પર એક ખંડ પણ નજર નથી આવતો. દરિયાની સપાટી 7600 મીટર (24900 ફૂટ) જેટલી પહોંચી ગઇ છે. આખી દુનિયાભરની વસ્તી થઇ ગઇ છે. 1995માં કેવિન રેનોલ્ડઝ દિગ્દર્શિત અને પીટર ટેડર અને ડેવિડ ટવોરીસ લિખિત ‘વોટર વર્લ્ડ’ ફિલ્મની આ બિહામણી કલ્પના છે. પૃથ્વી સિવાય બીજે કયાંય પાણી હોય તો જીવસૃષ્ટિ હોઇ શકે એવી સર્વસામાન્ય વૈજ્ઞાનિક માન્યતા છે અને તેમાં આનંદનાં મોજાં ફેલાવી શકે તેવી એક શોધમાં ખગોળશાસ્ત્રીઓ કહે છે કે પૃથ્વીની બહાર પાણીનું ટીપું મળી આવે તો ય ખગોળશાસ્ત્રીઓ આનંદવિભોર થઇ જાય છે પણ એક નવા સંશોધન મુજબ પાણીથી છલોછલ એવા અનેક ગ્રહો બ્રહ્માંડમાં ફેલાયેલા છે અને તેમાંના કેટલાક તો વસવાટયોગ્ય છે.

આપણી જ આકાશગંગામાં એમ. ડવાર્ફ તરીકે ઓળખાતા વામન તારા ફરતે જે ગ્રહો ફરે છે તેમાંના મોટા ભાગના ગ્રહો કયાં તો ખડકાળ અથવા વાયુ સ્વરૂપ હોવાનું નિરીક્ષણ થયું હતું પણ તાજેતરમાં જે નિરીક્ષણ થયું છે તેમાંના મોટા ભાગના ગ્રહો અડધા ખડકાળ અને અડધા પાણીવાળા છે. પાણી ધરાવતા ગ્રહોની સંખ્યા વિશે અગાઉ જે અંદાજ લગાવવામાં આવતો હતો તેનાથી ઘણા વધુ પ્રમાણમાં ગ્રહો પાણી ધરાવે છે. ખગોળશાસ્ત્રીઓ કહે છે કે પૃથ્વી પર પાણી જમીનની સપાટી પરથી વહે છે પણ આ ગ્રહો પર ખડકની નીચે પાણી છુપાયેલું હોઇ શકે. અભ્યાસના લેખક રાફેલ લક કહે છે કે આકાશગંગામાં જે તારાઓ બહુ સામાન્ય છે તેમની ફરતે પાણી ધરાવતા સંખ્યાબધ્ધ ગ્રહો ભ્રમણ કરતા હોય તે હકીકત પોતે આશ્ચર્યજનક છે.

માનવીઓ માટે વસવાટ યોગ્ય ગ્રહોની શોધનું આવું આશ્ચર્યજનક પરિણામ મળ્યું છે. ખગોળવિજ્ઞાનીઓ કહે છે કે પોતાના સૂર્ય એટલે કે તારાની નજીકના ગ્રહો પર પાણી ન હોઇ શકે પણ અમને એવું માનવા માટે કારણ મળે છે કે પાણી સપાટી પર ન હોઇ શકે પણ ખડકની નીચે છુપાયેલું હોઇ શકે. ગુરુના ચોથા ક્રમના ચંદ્ર યુરોપામાં ભૂગર્ભમાં પાણી હોવાનું મનાય છે. એમ ડવાર્ફ તારાની ફરતે નાના ગ્રહો સામાન્ય છે પણ આ તારાઓ પરથી જે ઝાંખો લાલ પ્રકાશ આવે છે તેને કારણે પૃથ્વી પરથી તેનો અભ્યાસ મુશ્કેલ છે.

આમ છતાં આ ગ્રહોનો જે અભ્યાસ થઇ શકયો છે તેને કારણે તેની જૂની માન્યતાઓમાં ફેરફાર થયો છે અને કેટલાક ગ્રહો પર ઠેરઠેર પાણી હોવાનું અનુમાન લગાવી શકાય છે. સંશોધકોએ ટ્રાનિકટિંગ એકઝોપ્લેનેટ સર્વે સેટેલાઇટ-ટેકનો ઉપયોગ કરી 34 ગ્રહોનો સમૂહ આ તારા ફરતેથી શોધી કાઢયો છે. રાફેલ લક કહે છે કે આ ગ્રહો પર પાણી હોવાના અનુમાનથી વિચારોના ધુબાકા મારવાની જરૂર નથી કારણ કે મોટે ભાગે સપાટી પરના મહાસાગરના રૂપમાં પાણી નહીં હોય. આ અભ્યાસમાં અન્ય સંશોધક જેમ્બ બન કહે છે કે આ સંશોધનનું તારણ આશ્ચર્યજનક છે. સંશોધકો કહે છે કે આ સંશોધનને પગલે તેની વસવાટ યોગ્યતા વિશે અનુમાન શરૂ થયા છે.
નરેન્દ્ર જોષી

Most Popular

To Top