Gujarat

આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ગામડાને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવાશે

ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે રૂ.૩૫૦૦ કરોડના ખર્ચે આ યોજના હેઠળ ૪૦૦૦ ગામોને વીજળી પૂરી પાડી દીધી છે. જ્યારે હવે આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ગામડાઓને આવરી લઇને ખેડૂતોને દિવસે વીજળી પુરી પડાશે.

આજે વિધાનસભામાં કિસાન સૂર્યોદય યોજના પર ચર્ચાનો જવાબ આપતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું આજે ઊર્જા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં સરપ્લસ રાજ્ય છે. ગામડાઓ અને શહેરોને ગુણવત્તાલક્ષી વીજળી આપવાનો નિર્ધાર કરી જ્યોતિગ્રામ યોજના કાર્યાન્વિત કરી અને પરિપૂર્ણ કરીને આજે ૨૪ કલાક થ્રી-ફેઇઝ ગુણવત્તાયુક્ત વીજળી ગામડાઓ સુધી પહોંચાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. અમે આજે ખેડૂતોના વીજ કનેક્શનોનો બેકલોક દૂર કર્યો છે અને ખેડૂતોને જરૂરિયાત મુજબ વીજ કનેક્શન આપી રહ્યા છીએ.

ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવી ખૂબ જ અઘરું કામ હતું. પરંતુ કિસાન સૂર્યોદય યોજના દ્વારા અમે એ સાકાર કરી બતાવ્યું છે. આજે ૪૦૦૦ ગામડાઓને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે અને આગામી બે વર્ષમાં તમામ ગામડાઓને આવરી લેવાનું આયોજન છે. આ માટે વીજળી ક્યાંથી લાવવી અને કેવી રીતે પહોંચાડવીએ માટે સંપૂર્ણ આયોજન કરી દીધું છે. ૫૦૦-૫૦૦ મેગાવોટના ૧૨ ટેન્ડરો બહાર પાડી દીધા છે.

જેમાંથી ૧૦ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાંથી ૩૯૫૨ મેગાવોટ વીજળી રૂ.૧.૯૨ પૈસાથી રૂ.૨.૬૦ પૈસા લેખે ખરીદવામાં આવશે. જે આગામી ૧૨ થી ૧૫ માસમાં મળશે. એ જ રીતે હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી ૩૦૦૦ થી ૩૫૦૦ મેગાવોટ, સોલાર રૂફ ટોપ યોજનામાંથી ૧૫૦૦ થી ૨૦૦૦ મેગાવોટ વીજળી મળશે. આમ જરૂરિયાત મુજબ વીજ ઉત્પાદન અને ખરીદી કરીને કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને વીજળી પૂરી પડાશે.

તેમણે જણાવ્યું હતું કે અમે જે કહીએ છીએ તે કરીએ જ છીએ એટલે જ અમે મક્કમ નિર્ધાર કર્યો છે કે ખેડૂતોને દિવસે વીજળી આપવી જ છે અને આપીશું જ. આ યોજના રાજ્યભરમાં અમલી થઇ જશે ત્યારે ગામડાઓનું અર્થતંત્ર વધુ સમૃદ્ધ થશે અને ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર થશે. રૂ.૩૫૦૦ કરોડની આ યોજના હેઠળ ગુજરાતનાં અંદાજે ૪૦૦૦ જેટલા ગામોને લાભ મળવાનો શરૂ થયો છે. એટલું જ નહિ વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top