SURAT

શું તમે પાર્ટ ટાઈમ જોબ કરવા ઈચ્છો છો? આવા મેસેજ પર ક્લીક કરવાનું પાલના યુવકને ભારે પડ્યું

સુરત: પાલ એલ.પી.સવાણી રોડ પર રહેતા બેકાર યુવકને ટેલીગ્રામ ઉપર ઘરે બેઠા ટાસ્ક પુરો કરી પૈસા કમાવવા માટે આવેલી લીંક પર જઈને કામ કરવું ભારે પડ્યું હતું. હોટેલ રેટીંગના ટાસ્કના નામે તેની પાસેથી ટૂકડે ટૂકડે 8.37 લાખ પડાવી લેવાયા હતા.

  • શરૂઆતમાં હોટેલ રેટિંગ માટે ઇઝી ટાસ્ક આપી થોડાક પૈસા યુવકના ખાતમાં જમા કરાવ્યા અને બાદમાં આગળની ટાસ્ક આપતા ગયાને નાણાં પડાવતા ગયા : યુવક બેકાર હોવાથી કામની શોધમાં હતો અને ઓનલાઈન કામ મળી ગયું સમજી છેતરપિંડીનો ભોગ બન્યો

પાલ એલ.પી. સવાણી રોડ પર સત્યમ રો હાઉસમાં રહેતા 33 વર્ષીય સુનિલકુમાર હરજીલાલ ભુરાલાલ બડગુજર છેલ્લા એક વર્ષથી બેકાર છે. તે મોબાઈલમાં ટેલીગ્રામ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. ગત 23 ફેબ્રુઆરીએ તેને ટેલીગ્રામ એકાઉન્ટમાં પ્રિયંકા વર્મા નામના ટેલીગ્રામ એકાઉન્ટમાંથી શું તમે પાર્ટ ટાઈમ જોબ કરવા ઇચ્છો છો? તેવો મેસેજ આવ્યો હતો.

સુનિલ બેકાર હોવાથી તેને પાર્ટ ટાઈમ જોબ માટે હા પાડી હતી. પ્રિયંકા વર્માએ તેને અલગ અલગ ટાસ્ક પુરો કરવા બાબતે કામની માહિતી આપી હતી. અને બાદમાં એક લીંક મોકલી હતી. આ લીંક ઓપન કરી સુનિલે તેનો મોબાઈલ નંબર અને બેંકની વિગતો રજિસ્ટર કરી હતી. અને સુનિલની આઈડી જનરેટ થઈ હતી. લીંકમાં જઈને લોગ ઇન કરતા તેમાં હોટેલ રેટીંગના 30 ટાસ્ક આપ્યા હતા. આ ટાસ્ક પુરો કરતા તેના ખાતામાં 1,050 રૂપિયા જમા થયા હતા. બાદમાં અજાણ્યા નંબર પરથી ફોન આવતા કહ્યું હતું જો સુનિલે આગળ વધવું હોય તો ફરીથી 30 હોટલ રેટીંગના ટાસ્ક કમ્પ્લિટ કરવા પડશે. અને જે માટે તેની પાસેથી પહેલા 10 હજાર મેળવ્યા હતા. અને બાદમાં ટાસ્ક પુરો કરતા 13,800 રૂપિયા તેના ખાતામાં જમા થયા હતા.
આવી રીતે લાલચ આપીને બાદમાં વધારે ટાસ્કના નામે સુનિલ પાસેથી ટૂક્ડે ટૂકડે હોટલ રેટીંગના અલગ અલગ ટાસ્ક માટે 9.23 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. અને તેમાંથી ટાસ્ક પુર્ણ કરવાના કમિશન પેટે 86,600 પરત આપી બાકીના 8.37 લાખ પરત આપ્યા ન હતા. સાયબર ક્રાઈમ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top