Columns

એક પાઠ

લો કોલેજમાં એક નવા સર આવ્યા અને લો ના છેલ્લા વર્ષના ક્લાસમાં તેમનું પહેલું લેકચર હતું.તેઓ ક્લાસમાં આવ્યા. જોરથી બધાને ‘ચૂપ રહો’ કીધું અને પહેલી બેંચ પર બેઠેલી છોકરીને તેનું નામ પૂછ્યું.છોકરીએ કહ્યું, ‘સર, રીના’ સર તાડૂક્યા, ‘ગેટ આઉટ મારા ક્લાસની બહાર નીકળી જા અને આજ પછી તારું મોઢું દેખાડતી નહિ.’ બધા ડરીને ચૂપ થઈ ગયા.રીના રડમસ ચહેરે કંઈ બોલ્યા વિના બહાર ગઈ.ન તે કંઈ બોલી  ન અન્ય કોઈએ તેના પક્ષમાં કઈ કહ્યું. બધા અવાચક અને ડરેલા હતા. કોઈ કંઈ બોલતું ન હતું.સરે પહેલો પ્રશ્ન પૂછ્યો, ‘આ કાયદાઓ બનાવવાનું કારણ શું?’ એકે જવાબ આપ્યો, ‘સમાજમાં શાંતિ અને સુવ્યવસ્થા રહે.’ ટીચરે ના પાડી.બીજાએ કહ્યું, ‘ખોટું કરનારને સજા મળે તે માટે.’ સરે જોરથી ના પાડી.રીનાની બાજુમાં બેઠેલી તેની મિત્રે ધીમેથી કહ્યું, ‘સર, ન્યાય બધાને મળે તે માટે.’ સર બોલ્યા, ‘બરાબર,ન્યાય મળે તે માટે પણ ન્યાયનો ઉપયોગ શું?’

એક જવાબ મળ્યો, ‘માનવ અધિકારના રક્ષણ માટે.’ સર બોલ્યા, ‘બરાબર, આગળ’ બીજો જવાબ  મળ્યો, ‘સર, ખરા અને ખોટાને ઓળખી સાચાને તેનો અધિકાર અને ખોટાને સજા આપવા માટે.’સર  બોલ્યા, ‘ચાલો, આ પણ સાચો જવાબ છે. અન્ય કોઈ જવાબ…’ કોઈએ કંઈ જવાબ ન આપ્યો.સર બોલ્યા, ‘હવે મારા આ સવાલનો જવાબ આપો. મેં રીનાને ક્લાસની બહાર કાઢી મૂકી તે બરાબર કર્યું? બધાના મનમાં જવાબ તૈયાર હતો,પણ સરના ડરથી કોઈ કંઈ બોલ્યું નહિ.બધા ચૂપ હતા.સરે ફરી સવાલ પૂછ્યો અને કહ્યું, ‘મને ડર્યા વિના એક સાથે જ્વાબ આપો.’ બધામાં હિંમત આવી. એકબીજાની સામે જોઇને બધા એક સાથે બોલ્યા, ‘ના સર, તમે જે કર્યું તે ખોટું કર્યું.’ સર બોલ્યા, ‘એટલે તમે એમ કહેવા માંગો છો મેં રીના સાથે અન્યાય કર્યો?’ બધાએ કહ્યું, ‘હા.’

સરે રીનાની બાજુમાં બેઠેલી તેની ફ્રેન્ડ પાસે જઈને ફરી પૂછ્યું , ‘શું મેં કર્યું તે અન્યાય હતો?’ રીનાની ફ્રેન્ડે ડરીને હા પાડી.સર બોલ્યા, ‘તો પછી હવે મારો પ્રશ્ન છે કે ત્યારે કેમ કોઈ કંઈ બોલ્યું નહિ? જો આપણે ન્યાય માટે બનાવેલા કાયદા અને નિયમોને અમલમાં મૂકવા જ માંગતા ન હોઈએ તો તે બનાવવાનું અને તેને શીખવાની જરૂર શું છે.તમે જયારે જયારે અન્યાય થતો જુઓ ત્યારે તેના વિરોધમાં બોલવું તમારી ફરજ છે.આજ પછી તમે ક્યારેય ચૂપ નહિ રહેતા.જાવ જઈને રીનાને બોલાવી લાવો.’ સરે પહેલા જ દિવસે બધાને એક મહત્ત્વનો પાઠ શીખવ્યો કે પોતાના હક્ક માટે બોલો, તેના માટે લડો અને રક્ષણ કરો, નહિ તો તમે તમારું માન અને ગૌરવ નહિ જાળવી શકો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top