Comments

દોઢ ડાહ્યાની દોઢ ડાયરી!

સંગીતકારને એક વાર ગળું ખંખેરવાની ઉપડવી જોઈએ. બહારની ચામડી હોય તો ખંજવાળી લેવાય, ગળું ખંજવાળવાથી કળ નહિ વળે! ગળામાં ભેરવાયેલો ભૂપાલી – ભૈરવ કે ભૈરવી જ્યાં સુધી બહાર કાઢે નહિ, ત્યાં સુધી ચિત્તનું ચોઘડિયું જ નહિ બદલાય. વાજા – પેટી પકડીને ખૂણા શોધવા જ પડે. દોઢ – ડાહ્યો એટલે માનવ અવતારની છેલ્લી જાગીર! ( ડાહ્યો – ગાંડો અને દોઢ – ડાહ્યો!) આવા ઢગાઓની કુંડળીમાં મોટી – મોટી ‘ઠોકવા’ના યોગ વધારે હોય. હસવાનું ગીરવે મૂકીને ગોળા ગબડાવવામાં જ માહિર.

લેખકે આવાં લોકોનું ખોદકામ તો ઠીક, ખણખોદ પણ નહિ કરવી જોઈએ. યાર, લોકોને હસાવવા કંઈક તો જોઈએ ને? હસાવવાનું કામ હાસ્યલેખક નહિ કરે તો શું કલ્લાઈવાળો કરવા આવવાનો? સીધે રસ્તે જતાં ડાહ્યા માણસને હઅઅઅડ તો કરાય નહિ, એટલે ‘દોઢ – ડાહ્યો’ પકડ્યો. કોઈને ખોટું લાગે જ નહિ. કારણ કે બધા જ પોતાની જાતને ડાહ્યા સમજતા હોય. જાગતા માણસની કલ્લાઈ કરી જાય એને દોઢ ડહાપણ કહેવાય! બધાના ભાગ્યમાં ‘વિશ્વ યોગ દિન’ જેવું થોડું હોય? માત્ર એક જ દિવસ પલાંઠી વાળીને હાથ – પગ હલાવ્યા એટલે વાર્તા પૂરી થઇ જાય. બીજા દિવસે કોઈ પૂછવા પણ નહિ આવે કે, ‘ યોગના દિવસે તો ઢગલો લિટર પરસેવો કાઢેલો. આજે કેટલા લિટર પરસેવો કાઢવાના છો?’ હાસ્ય લેખકે તો 8760 દિવસ હાસ્ય સાથે ભાઈબંધી રાખવાની. લોકોને કચકચાવીને હસાવવાના! નહિ તો રતનજી ખીજાય. હાસ્યની પ્રસારણ સેવા ચાલુ જ હોય. અટકે નહિ.

શું દોઢ – ડાહ્યાની દાઢમાં એકાદ ડહાપણની દાઢ વધારે હશે? કારણ કે ગતિ કરતાં આવાં લોકોમાં અતિની માત્રા વધારે જોવા મળે. ડહાપણની અવગતિ થતી હોય છતાં વિરલાઓ જંપે નહિ. ભડકાઉ પોઝીશન નહિ આવે ત્યાં સુધી ખંજવાળ ચાલુ જ રાખે. ચિત્તમાં વાંદરું ઘૂસી ગયું હોય એમ સખણું રહે જ નહિ. ડહાપણ ‘ઓવરફલો’ જ થતું હોય. દોઢ – ડાહ્યા એટલે મૂર્ખાઓની સુધારેલી આવૃત્તિ. બંને એકબીજાના પર્યાય. દુશ્મન ડાહ્યો હોય તો દુશ્મની પણ પોષાય, પણ દોઢડાહ્યા સાથે તો ‘GOOD MORNING’ના સંબંધ પણ નહિ રખાય.

ગાંડો માણસ અચાનક આવીને લાફો ઝીંકી દે તો ચાલે, પણ દોઢ – ડાહ્યાનો ભરોસો નહિ, હથેળીમાં ડુબાડી દે. આવા દોઢ – ડાહ્યાઓને તીર્થયાત્રા કરવાની જરાય જરૂર નહિ. સિતારો ચમકતો હોવો જોઈએ. સામેથી હાજરા – હજૂર થઇ જાય. માત્ર ઓળખવા પડે. કપાળે તિલક કરે તો તિલક ઉપરથી પણ જાણી લેવાય કે ભાઈ કયા દેવ – પંથના બંધાણી છે, પણ જે બરમુડો કારણ વગર હસતો હોય, તે ક્યાં તો ગાંડો હોય, ક્યાં તો બીજાને ગાંડો કરતો હોય. દરેક બાબતમાં ડહાપણનો વઘાર કરી, વચ્ચે કૂદી પોતાનો એક્સ્પર્ટ ઓપિનિયન આપતો ફરે એને દોઢ – ડાહ્યો કહેવાય. ડાહ્યો માણસ તો ગયા જન્મના સાધક જેવો. આ જનમમાં અધૂરી સાધના પૂરી કરવા આવ્યો હોય એમ સ્થિતપ્રજ્ઞ, પણ આપણી ફૂટપટ્ટી એવી કે ગાંડાને ડાહ્યું કહીએ ને દોઢ – ડાહ્યાને ચમચો કહીએ.

જે ખપમાં આવ્યું તે શ્રેષ્ઠ! આઈ મીન ચલણમાં ચાલ્યો તે રૂપિયો, બાકીનો બહુરૂપિયો. યાદ રાખજો ડાહ્યાઓ શોધેલા મળતા નથી અને દોઢ ડાહ્યાઓનો દુકાળ નથી. આ લોકો દેખાય માણસ જેવા જ પણ છલકાય વધારે. પેલી રાજાવાળી વાર્તા યાદ છે? રાજાને ડાહ્યો માણસ નહિ મળ્યો તો વાંદરા સાથે દોસ્તી બાંધી. રાજાની ગરદન ઉપર એક દિવસ મચ્છર બેઠું. દોઢ ડાહ્યું વાંદરુંને થયું કે, મચ્છરની શું તાકાત કે મારી હાજરીમાં રાજાનું લોહી પીએ. તરત રાજાની તલવાર ખેંચીને ગરદન ઉપર બેઠેલા મચ્છર ઉપર તલવારનો ઘા કર્યો. મચ્છરડું તો ઊડી ગયું પણ રાજાનું પ્રાણપંખેરું પણ ઊડી ગયું. ત્યારથી કહેવાય છે કે ડાહ્યાને ખાંધ ઉપર લઈને ફરાય પણ દોઢ ડાહ્યાને ખોળામાં નહિ બેસાડાય! ( ના, રાજા – વાજા ને વાંદરા અક્કલ વગરના આંધળાવાળી કહેવત આ રાજાના વખતથી નહિ આવેલી.)

નસીબ યોગે કોઈ ડાહ્યો માણસ તમને ભેટી જાય તો માનવું કે તમારા ઉપર ભગવાનની અસીમ કૃપા છે. 100 મૂરખા સહેલાઈથી મળે, એક ડાહ્યો માણસ મેળવવા રણમાં સાઈકલ ચલાવીને ફીઈઈણ કાઢવું પડે. ( હું પણ કેટલાને પહોંચી વળું યાર?) માટે ડાહ્યો માણસ મળે તો સેલ્ફી ખેંચી જ લેવાની, કારણ કે ડાહ્યા માણસોના મ્યુઝિયમ ક્યાંય હોતાં નથી. બાકી દોઢ ડાહ્યા તો ઢગલો મળે. દુકાળ જ નહિ, વખારો ભરેલી..! સેલ્ફી લીધી હોય તો કોઈ તો કહેશે કે ‘ગાંધીજીના 3 વાંદરા સાથે અમે સેલ્ફી લઈને ઘરડાં થઇ ગયાં ને તમે તો સેલ્ફી માટે ડાહ્યા માણસને શોધી કાઢ્યો.’

દોઢ – ડાહ્યામાં નહિ ખપાવતા હોય તો એક સલાહ આપું? ગળામાં લીંબુ – મરચું બાંધીને જ સેલ્ફી લેજો. આજકાલ બૂરી નજરવાળાની પણ બોલબાલા છે! જ્યોત સળગતાની સાથે દીવડા આગળ જીવડાં ઘેલાં થવા માંડે એમ રોજ સવાર થાય ને દોઢ – ડાહ્યાઓ પ્રગટ થતા જ હોય. મળે તો એવા મળે કે કારણ વગરનું લોહી ચૂસી નાંખે યાર. લોહી વડે ન્હાઈ લેવાય એટલું તો લોહી પી જાય. પુણ્યની પ્રાપ્તિ થવાની હોય એમ રક્તદાન કર્યાનો આપણે તો માત્ર સંતોષ જ લેવાનો. ડાહ્યો હસે કે દોઢ ડાહ્યો હસે, જેણે હસવું હોય તે હસે, માણસ હસવો જોઈએ. મસ્ત દેખાતો માણસ એટલો ત્રસ્ત અને વ્યસ્ત છે કે એ હસવાનું જ ભૂલી ગયો.

ફીક્ષ ડીપોઝીટ વટાવીને વેચાતાં શ્વાસ લઈને જીવતો થઇ ગયો. 12 સાંધે ને 13 તૂટે વાળી કહેવત જૂની થઈ ગઈ, માણસ આખેઆખો હવે તૂટી રહ્યો છે. આ બધા મારણનું એક જ હથિયાર – હાસ્ય. હસે તો જ મન પ્રસન્ન થાય. બાકી રડતાં રહીએ તો આધિ – વ્યાધિ ને ઉપાધિ ઘરજમાઈ બની જાય. ક્યાં તો માણસ દોઢ – ડાહ્યો થાય ક્યાં તો ‘ચમચાગીરી’ના રવાડે ચઢે. દોઢ – ડાહ્યા તો ઓળખાય, પણ ઝંડો લઈને ટહેલતા ચમચાઓને ઓળખવા એટલે પાણીમાંથી મલાઈ કાઢવા જેટલું અઘરું. ડાહ્યાઓ INDOOR ચમચા જેવાં ને દોઢ – ડાહ્યાઓ OUTDOOR ચમચા. બંને ઉપયોગી, બંને આકર્ષક અને સ્ટેન્ડિંગ પોઝીશનવાળા.

જે ચમચાઓ ડાઈનિંગ ટેબલ ઉપર ઋષિમંતની માફક સાધના કરતાં દેખાય એ ડાહ્યા ને જે ચમચા ભટકતાં, ચળકતાં ને પ્રભાવી ચહેરાવાળા ભટકેલ આત્મા જેવાં દેખાય તે દોઢ – ડાહ્યા. એ OUTDOOR હોય. આ પ્રકારના ચમચાઓ શર્ટ કે લેંઘા ઉપર ‘MAY I HELP YOU?’ ચિતરાવતા નથી છતાં, જોતાંવેંત ઓળખી લેવાય કે આ ડાહ્યો નથી પણ દોઢ – ડાહ્યો જ હોવો જોઈએ. INDOORવાળા દુ:ખહર્તા હોય ને OURDOORવાળા દુ:ખકર્તા કહેવાય. INDOORવાળા સમય – સંજોગ પ્રમાણે આકાર – પ્રકાર ને સ્વભાવ બદલી શકે. OUTDOORવાળા ફકત ફાયદા ને કાયદા પ્રમાણે, રૂપ – રંગ ને લલકાર બદલાતા રહે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top