Columns

ચમકતી સોનેરી બારીવાળું ઘર

એક નાનકડી છોકરી પહાડી વિસ્તારમાં પોતાનાં મમ્મી અને પપ્પા સાથે એક ટેકરીની તળેટીમાં નાનકડા ઘરમાં રહેતી હતી. સાવ સાદું ચાર રૂમનું નાનું ઘર હતું અને ઘરની પાસે નાનકડો ગાર્ડન હતો.છોકરી ગાર્ડનમાં રમતી રહેતી.તે થોડી મોટી થઈ એટલે આજુબાજુના વિસ્તારોને ગાર્ડન અને ઘરથી દૂરની દુનિયાને જોતી થઈ, મોટી થતાં તે રોજ થોડે દૂર સામેની ટેકરી પર એક મોટું ઘર જોતી, તે ઘરની બારીઓ સોનેરી રંગની હતી.તે મોટા ઘરની ચમકતી સોનેરી બારીઓ આ છોકરીને એટલી ગમતી કે તે રોજ તે ઘરને જોતી અને રોજ પોતાના આ નાના સાદા ઘરને છોડીને પેલા થોડે દૂર દેખાતા ચમકતી સોનેરી બારીવાળા ઘરમાં રહેવા જવાનાં સપનાં જોતી. નાનકડી છોકરીને પોતાનું ઘર ગમતું હતું.

મમ્મી અને પપ્પા પણ તેને બહુ પ્રેમ કરતાં હતાં અને તે પણ તેમને બહુ પ્રેમ કરતી હતી અને તે વિચારતી રહેતી કે જો તેઓ બધા આ નાનકડા ઘરને બદલે પેલા ચમકતી સોનેરી બારીવાળા ઘરમાં રહેતાં હોત તો કેટલી મજા આવત.આમ સપનાં જોતાં જોતાં તે બાર વર્ષની થઇ ગઈ. સાઈકલ ચલાવતાં શીખી ગઈ.હવે તે એટલી મોટી હતી કે સાઈકલ ચલાવવા ઘરની બહાર જઈ શકે. એક દિવસ તેણે, તેની મમ્મી પાસે ઘરની બહાર થોડે દૂર સુધી સાઈકલ ચલાવવા જવાની પરવાનગી માંગી.મમ્મીએ પહેલાં ના પાડી,પછી છોકરીએ બહુ વિનંતી કરતાં મમ્મીએ બહુ દૂર ન જવાની શરત સાથે પરવાનગી આપી.

છોકરી તરત જ પોતાની સાઈકલ લઈને ગેટની બહાર નીકળી અને જે રસ્તો પેલા ચમકતી સોનેરી બારીવાળા ઘર તરફ લઇ જતો હતો તે રસ્તા પર તેણે સાઈકલ દોડાવી અને પોતાની ટેકરીથી નીચે ઊતરી સામેની ટેકરીના ઢોળાવ પર પસાર થઈને તેણે સીધી સાઈકલ પેલા ઘરના ગેટ પાસે રોકી. સાઈકલ પરથી ઊતરીને તેણે સાઈકલ દિવાલના ટેકે મૂકી અને ખૂબ જ આતુરતાથી પોતાના મનપસંદ સ્વપ્નના ઘર તરફ જોયું,પણ આ શું, તે ઘર અને તેની બારીઓ જોઇને તે નિરાશ થઇ ગઈ.ઘર મોટું હતું, પણ સદા સફેદ રંગનું જ હતું.

તેની બારીઓ પર તો ધૂળ જ ધૂળ હતી, જાણે ઘણા વખતથી સાફ થઈ જ ન હોય.તે દુઃખી થઈને પાછી વળી. તેનું દિલ તૂટી ગયું હતું.નિરાશ મન સાથે તે સાઈકલ પર બેઠી અને સામે જોયું તો ….સામેનું દૃશ્ય જોઇને તે ચકિત થઈ ગઈ. થોડે દૂર નીચેની ટેકરી પર દેખાતું તેનું નાનું ઘર ….સોનેરી ચમકતું હતું …તે નાના ઘરની બારીઓ ચમકતી સોનેરી રંગની હતી.સૂરજનાં કિરણોએ તેના નાના ઘરને ચમકાવ્યું હતું. હવે તેને સમજાયું કે તે ચમકતી સોનેરી બારીવાળા ઘરમાં જ રહેતી હતી.જ્યાં પ્રેમ અને લાગણીઓ પણ હતી, જે તેના ઘરને સોનેરી ઘર બનવાતી હતી.તેણે જે સપનું જોયું હતું તે તો તેની પાસે જ હતું.

Most Popular

To Top