Gujarat

વડોદરામાં ગટરમાં ગેસના કારણે લાગેલી આગને ઓલવવા જતા ફાયરબ્રિગેડની ગાડી પણ આવી લપેટમાં

વડોદરા: વડોદરા (Vadodara) શહેરના મુખ્ય માર્ગ પર રસ્તા વચ્ચે આવેલી ગટરમાં ગેસના (Gas) કારણે આગ (Fire) લાગી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડનો (Fire brigade) કાફલો ઘટના સ્શળે દોડી આવ્યો હતો. પરંતુ આગ પર કાબૂ મેળવવા જતાં ફાયરબ્રિગેડની ગાડી પણ આગના લપેટામાં આવી ગઈ હતી. જો કે તાત્કાલિક પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી HDFC બેંકની સામે મુખ્ય માર્ગ પર આજે બપોરે ગટરમાં થતાં ગેસના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ગટરમાં આગ લાગ્યાની જાણકારી મળતા ફાયરવિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગ ગેસના કારણે લાગી હોવાથી તે હવામાં પ્રસરી રહી હતી. તેથી ગટર પાસે આગ ઓલવવા ઉભી રહેલ ફાયરબ્રિગેડના બંબાને પણ આગે લપેટામાં લઈ લીધો હતો.

વડોદરાનાં મુખ્ય માર્ગની ગટરમાં ગેસના કારણે લાગેલી પર જ્યારે ફાયરબ્રિગેડની ટીમે ગટરનાં ઢાંકાણા પર પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારે ગટરના બીજા ઢાંકણામાંથી પણ આગ ભભૂકી હતી. જેના કારણે આગે પાસે ઉભેલી ફયરબ્રિગેડની ગાડીને પણ લપેટામાં લઈ લીધી હતી. આગ ઓલવવા દરમિયાન જ્યારે ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારે તેમાંથી ધડાકા થઈ રહ્યા હતા. જો કે ત્યાર બાદ ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં અવારનવાર ગટરમાં ગેસના કારણે આગ લાગવાની ઘટના બનતી હોય છે. આ અગાઉ પણ ફેબુઆરી 2020માં અલકાપુરી રોડ પાસે પોલીસ કમિશનર બંગલોની સામે જ ગટરના ગેસના કારણે ધડાકા સાથે એકબાદ એક સાત ગટરના ઢાંકણા ઉછળ્યા હતા. તેમજ ગત વર્ષે ઓગસ્ટ મહિના પણ ગટરના ગેસના કારણે વડોદરાના શિયાબાગ વિસ્તારમાં ઢાંકણામાંથી આગની જ્વાળાઓ નિકળી હતી. જેને ફાયરબ્રિગેડ દ્વારા ઓલવવામાં આવી હતી. વડોદરામાં મુખ્ય માર્ગ પર જ ગટરમાં ગેસના કારણે આગ લાગવાની ઘટના જોખમી સાબિત થઈ શકે છે.

Most Popular

To Top