Comments

કૂતરાને માણસ કહેવાય, પણ, માણસને…..!

કૂતરાને ગમે એટલું મીઠું મધુરું સંબોધન કરો, પણ એ ‘હઅઅઅડ’ની ભાષા જ સમજે. એટલે તો એને ‘ડાયાબીટીસ’ થતો નથી. મહાપુરુષ કહે એમ, જે ભાષામાં સમજતો હોય એને ભાષામાં જ સમજાવવો પડે. એટલે તો કોઈ પુરુષનું નામ ‘હઅઅડકુમાર’ રાખવામાં આવ્યું હોય, એવું સાંભળવામાં આવ્યું નથી. ભગવાન જાણે મારો છેલ્લો અવતાર કૂતરાનો ગયો હોય એમ, લોકોને કેવાં કેવાં સ્વપ્નાં આવે ને મને કૂતરા દેખાય. કસ્સમથી કહું તો, હું મહારાણા પ્રતાપના ચેતક ઘોડા ઉપર લખવા ગયેલો અને કૂતરાના રવાડે ચઢી ગયો..! છેલ્લા છ મહિનાથી કૂતરાનાં સ્વપ્નાં આવે છે બોલ્લો..!

ક્યારેક તો બબ્બે શો રાખ્યા હોય એમ, અડધી રાતે પણ આવે ને બીજું પરોઢિયું પણ આવે. સવારે પણ ઝોકું આવી ગયું તો મેટીની-શો ની જેમ આંટો મારી જાય..! ગઈ કાલે તો વામકુક્ષી કરવા બપોરે આડો પડ્યો, તો કૂતરાઓ મારા વિશાળ પેટ ઉપર ફૂટબોલ રમતા હોય તેવું સ્વપ્નું આવ્યું. બધાને રંગીન ને મને કૂતરા દેખાય તો ચચરે તો ખરું જ ને..? મેં કોઇ પણ કૂતરાનું બગાડ્યું નથી. કૂતરાઓ મારું બગાડી ગયા હશે, બાકી એનું ગલુડિયું પણ છેડ્યું નથી. છતાં ખબર નહિ કેમ, કૂતરાઓ પીછો મૂકતા નથી. સ્વપ્નામાં આવીને હેરાન કરે યાર..?

ચમનિયાની સલાહ માનીને એક વાર ગામના મંછુ ભગતને પણ બતાવ્યું. બે-ચાર પીંછી નાંખીને મંછુએ એવો ઘટસ્ફોટ કર્યો કે, ‘છ મહિનાથી તમને કૂતરાના પાયે પનોતી બેઠેલી છે. એનું નિવારણ કરવું પડે. ગામના દશ-પંદર કૂતરાને દર મંગળવારે છ મહિના સુધી જમાડવા પડે. તો જ મટે એવું છે. છેલ્લો અવતાર કૂતરાનો હોવાથી, તેમનો વળગાડ હજી છૂટ્યો નથી. ત્યાર બાદ પૂર્વ જન્મ જાણવા ગુગલદેવના શરણે ગયો. તો કહે કે, તમે તો મોગલ સમ્રાટના રાજવી કુંવર “અલ-સુલતાન અલ-આઝમ બહાદુર આલમગીર’ છો. કોણ કહે છે કે, તમારો છેલ્લો અવતાર કૂતરાનો હતો..? ( એને કેમ કહેવાય કે, ગામના મંછુ ભગતે કહ્યું..!) પ્રખર જ્યોતિષવિદ્ રતનજીને બતાવ્યું તો કહે, ‘તમારા માટે સુંદરીઓનાં સ્વપ્નાંઓ ઉપર ‘BAN’(પ્રતિબંધ) મૂકવામાં આવેલો છે. એટલે સજાના ભાગરૂપે તમને કૂતરાનાં સ્વપ્નાંઓ આવે છે..!’

આ સાંભળી મને શૈલીનાં વિધાન યાદ આવી ગયાં. બે ચાર-વાર શૈલીએ પણ ટકોર કરેલી કે, “તમે હસવા કરતાં ભસવાનું વધુ કરો છે..! તમારા સ્વભાવમાં મને કૂતરાનાં લક્ષણ વધારે દેખાય છે..’ પછી તમને ખબર તો છે કે, ‘જે સગા બાપનું નહિ માને એ વાઈફનું તરત માને ..!’ એની જીદ સ્વીકારી કૂતરાના નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવા ગયો તો કહે, ‘કૂતરાનાં સ્વપ્નાં બંધ તો કરી આપું પણ, ‘શ્વાન-સ્વપ્નાં’ નાબૂદીનો પાંચ દિવસનાં પાંચ ઇન્જેક્શનનો કોર્સ પૂરો કરવો પડે, બોલો, આજથી શરૂ કરું..? ‘મેં કહ્યું, ‘કાલથી રાખો સાહેબ..! આજે સ્વપ્નામાં કૂતરાઓની ફૂટબોલની ફાઈનલ મેચ આવવાની છે..!’ એ પછી વાત..! ત્રાસી ગયો છું યાર..! જ્યારથી કૂતરાઓના રવાડે ચઢ્યો છું ત્યારથી કૂતરાઓ ઉપર પ્રચંડ દયા રાખવાની મારી ‘Hobby’ બની ગઈ.

ઘૃણા કરતાં, કૂતરા ઉપર દયા વધારે આવવા માંડી. કૂતરું કઈડી જાય, તો ભલે કઈડી જાય. તેનો બદલો લેવા કૂતરાને હું કઈડો હોઉં, એવો એકેય અભદ્ર વ્યવહાર મેં કર્યો નથી. એક જ સિધ્ધાંત, જીવ માત્ર દયાને પાત્ર..! ક્યારેક તો બોખા કૂતરા પણ કઈડી જાય યાર..? છતાં વગર સોઈના ઇન્જેક્શન લઈ લઉં..! વાઈફ સાથે પણ ઝઘડવાની ફીલિંગ આવતી નથી. ગુસ્સો કરતાં ડરું..! શૈલી છૂટું વેલણ પણ ફેંકે તો ઝીલી લઉં. એટલા માટે કે, વાગે તો એને આનંદ થાય ને નહિ વાગે તો મને આનંદ થાય..! એટલે તો મારો સલૂણો સંસાર કંસાર જેવો રહ્યો છે બોસ..! તમે બધા જ જાણો છો કે, અત્યારે ખતરનાક ગરમી પડે છે.

ખિસ્સામાં મકાઈના દાણા રાખ્યા હોય તો એની પણ ધાણી બની જાય એવી ગરમી..! આવી ગરમીમાં ગઈ કાલે એક મચ્છરીએ અરીસા ઉપર બેસીને કાકલુદી કરી, ( હવે એવું નહિ પૂછતાં કે, તમને કેમ ખબર પડી કે, એ મચ્છરી હતી..? અરે ભાઈ..આઇના ઉપર બેઠી હતી એટલે ..!) મને કહે, ‘બહુ ગરમી લાગે છે, થોડીક વાર AC માં આવવા દો. ચટકા નહિ ભરું..! મને તો દયા આવી, પણ શૈલીની અદેખાઈ આડી આવી. શૈલીએ ઘસીને ના પાડી. ખબર નહિ કેમ, નારીવાદ આડો આવ્યો કે શું, મચ્છરી હારેલા ઉમેદવારની જેમ ઉકળાટમાં જ પડી રહી. શૈલીએ ના કહ્યા પછી, સામા વ્હેણે તરવાનું સાહસ કોણ કરે..?

તમને ખબર છે કે, કૂતરાને અંગ્રેજીમાં DOG કહેવાય અને DOG નું ઊંધું કરો તો GOD થાય. એટલે પણ હું કૂતરા સાથે આધ્યાત્મિક અને પવિત્ર ભાવ રાખું. ‘કૂતરો’ શબ્દપ્રયોગ કરવાને બદલે, મારે પણ આમ જુઓ તો, કૂતરાભાઈ કે કૂતરીબહેન જેવો આદર કરવો જોઈએ. આ સમય એવો છે દાદૂ કે, કૂતરાને માણસ કહીએ તો No problem, પણ માણસને જો કૂતરો કહ્યો તો, પાટાપીંડી જ આવે..! માણસ ભલે ‘કૂતરાવેડા’કરે, કૂતરો કુતરાઈ છોડતો નથી..!. છતાં કૂતરાની જાહોજલાલી જોઇને ક્યારેક, એક બાજુ પ્રાણીપ્રેમ પણ ઉભરે તો બીજી બાજુ ઘૃણા પણ ઉભરે. ઘૃણા એટલા માટે કે, આજકાલ કૂતરાને ભારે જલસા છે યાર? માણસ કરતાં પણ વધારે..!

અમુક ‘BRANDED’ કૂતરા તો મોંઘીદાટ ગાડીમાં નવાબી ઠાઠ સાથે ફરે ને આપણે ઉઘાડ પગે ચાલીને ઉનાળામાં ધુમાડો કાઢતા હોઈએ..! કાચની બારીમાંથી લાંબા જીભડા સાથે ડોકું બહાર કાઢીને કૂતરાને ફરતા જોઈએ, ત્યારે તો બરફ જેવા માણસને પણ બળતરા થાય. ગાડીનાં પૈંડાં બગાડવાવાળા BMW કારમાં ફરે ને, આપણે એક જ બોલમાં LBW થઇ ગયેલા ખેલાડી જેવું જીવવાનું..! આપણે તો મોં વકાસીને ‘બાય-બાય’જ કરવાનું આવે ને..? શીઈઈઈટ…! માણસો પરસેવો પાડીને થાકી જાય, ને કૂતરાઓ લીલાલહેર કરે..! હનીમુન માટે Long drive ઉપર નીકળ્યા હોય એમ ફરે..! જેના મતદાર યાદીમાં નામ ના હોય, રેશનકાર્ડના કોઈ પુરાવા ના હોય, પાનકાર્ડની પંચાત ના હોય, ને આધાર-કાર્ડ તો મુદ્દલે ના હોય, એ કૂતરડું જલસા કરે ને આપણે તડકામાં ધુમાડા કાઢવાના..? ચચરાટ તો થાય જ ને..? જાત ઉપર નફરત આવી જાય કે, આપણા કરતાં તો કૂતરાં સારાં..!
તુતુતુ તુતુ તારા, તારા કરતાં કૂતરા સારા..!’(એ કોણ બોલ્યું..?)

લાસ્ટ બોલ
સમાજસુધારણા માટે માણસોનું સંમેલન થાય, એમ કૂતરાઓને પણ એક વાર વિચાર આવ્યો કે, આપણામાં પણ અનેક દુર્ગુણો છે, એ સુધારવા માટે, આપણે પણ ‘સમાજસુધારણા સંમેલન’ બોલાવવું જોઈએ. આ માટે બધી Brand નાં કૂતરાંઓને ભેગાં કરવામાં આવ્યાં અને આલ્સેશિયન કૂતરાના પ્રમુખપદે એક જાહેર સંમેલન થયું. હજી તો એક જ દુર્ગુણની વાત કરી કે, ‘કોઈ આપણને ખાવાનું નાંખે, ત્યારે આપણે મળી સંપીને ખાવાને બદલે, આપણામાં ઝઘડવાનો મોટામાં મોટો દુર્ગુણ છે, મળી સંપીને ખાવાનો વિવેક ચૂકી જઈએ છીએ. એ દુર્ગુણ આજથી દૂર કરવામાં આવે છે અને ભસવાના પ્રચંડ અવાજ સાથે, સૌએ આ પ્રસ્તાવને બે પગ ઉપર ઊભા થઈને વધાવી લીધો.ખાસુડીયા કૂતરા તો બોલ્યા પણ ખરા કે, કૂતરા સુધારણા ઝિંદાબાદ..!

 થયું એવું કે, એ જ સમયે એક કાગડો ઊડતો ઊડતો સભાસ્થળેથી પસાર થયો. એની ચાંચમાં પુરી હતી. એ નીચે પડી ગઈ. કૂતરાઓએ એ જોયું અને તરત જ સભા વેરવિખેર થઇ ગઈ..! એક પુરી માટે બધા કૂતરા ઝઘડવા લાગ્યા. ત્યારે આલ્સેશિયન કૂતરાને સમજાયું કે, શેઠની શિખામણ ઝાંપા સુધી પણ નહિ પહોંચી, સ્થળ પર જ ધોવાઈ ગઈ..! તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top